બ્લૉકના સમયગાળા દરમ્યાન CSMT મુંબઈ-કુર્લા અને પનવેલ-વાશી વિભાગો વચ્ચે વિશેષ સર્વિસ ચલાવવામાં આવશે
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
સેન્ટ્રલ રેલવેના મુંબઈ ડિવિઝનના ઉપનગરીય વિભાગો પર વિવિધ એન્જિનિયરિંગ અને જાળવણી કામો કરવા માટે રવિવારે મેગા બ્લૉક રહેશે. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) અને વિદ્યાવિહાર વચ્ચે સવારે ૧૦.૫૫ વાગ્યાથી બપોરે ૩.૨૫ વાગ્યા સુધી બન્ને દિશામાં ધીમી લાઇનો અસરગ્રસ્ત રહેશે. CSMTથી સવારે ૧૦.૪૮ વાગ્યાથી બપોરે ૩.૨૪ વાગ્યા સુધી ઊપડતી ડાઉન ધીમી સર્વિસ CSMT અને વિદ્યાવિહાર સ્ટેશનો વચ્ચે ડાઉન ફાસ્ટ લાઇન પર ડાઇવર્ટ કરવામાં આવશે તેમ જ ભાયખલા, પરેલ, દાદર, માટુંગા, સાયન અને કુર્લા સ્ટેશન પર રોકાશે અને આગળ ડાઉન સ્લો લાઇન પર ફરીથી ડાઇવર્ટ કરવામાં આવશે. સવારે ૧૦.૪૧ વાગ્યાથી બપોરે ૩.૧૦ વાગ્યા સુધી ઘાટકોપરથી ઊપડતી ધીમી સર્વિસ વિદ્યાવિહાર અને CSMT સ્ટેશનો વચ્ચે અપ ફાસ્ટ લાઇન પર ડાઇવર્ટ કરવામાં આવશે અને કુર્લા, સાયન, માટુંગા, દાદર, પરેલ અને ભાયખલા સ્ટેશનો પર રોકાશે. બ્લૉકના સમયગાળા દરમ્યાન CSMT મુંબઈ-કુર્લા અને પનવેલ-વાશી વિભાગો વચ્ચે વિશેષ સર્વિસ ચલાવવામાં આવશે. હાર્બર લાઇનના પ્રવાસીઓને બ્લૉક દરમ્યાન સવારે ૧૦ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધી થાણે-વાશી/નેરુલ સ્ટેશનો દ્વારા પ્રવાસ કરવાની મંજૂરી આપવામાં આવી છે.
માહિમ-ગોરેગામ વચ્ચે હાર્બર લાઇન પર જમ્બો બ્લૉક
રેલવે-ટ્રૅક, સિગ્નલિંગ અને ઓવરહેડ સાધનોની જાળવણીનું કામ કરવા માટે રવિવારે માહિમ અને ગોરેગામ સ્ટેશન વચ્ચે બન્ને લાઇન પર હાર્બર લાઇન પર સવારે ૧૧ વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી પાંચ કલાકનો જમ્બો બ્લૉક લેવામાં આવશે. બ્લૉકના સમયગાળા દરમ્યાન છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) - બાંદરા - CSMT અને CSMT/પનવેલ - ગોરેગામ - CSMT/પનવેલ હાર્બર ટ્રેનની તમામ સર્વિસ સેન્ટ્રલ રેલવે અને ચર્ચગેટ-ગોરેગામ-ચર્ચગેટ ધીમી સર્વિસ કૅન્સલ રહેશે.