એક વર્ષ માટે તેમને મુખ્ય પ્રધાનપદ સોંપાય એવી ચર્ચા ઊપડી
એકનાથ શિંદે
મહારાષ્ટ્રની આગામી સરકારની શપથવિધિ પાંચમી ડિસેમ્બરે થવાની જાહેરાત કરવામાં આવી છે, પણ ભારતીય જનતા પાર્ટી (BJP)ના વિધાનસભ્યોના નેતાની પસંદગીનો નિર્ણય લેવામાં નથી આવ્યો. આજે મુંબઈમાં બેઠક થવાની શક્યતા હતી, પરંતુ હવે આવતી કાલે કે મંગળવારે દિલ્હીના ઑબ્ઝર્વર મુંબઈ આવે એવો અંદાજ છે. શિવસેના અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)એ એકનાથ શિંદે અને અજિત પવારને પોતાના નેતા તરીકે જાહેર કરી દીધા છે; પણ BJPના નેતાની જાહેરાત થવામાં વિલંબ થઈ રહ્યો છે ત્યારે દિલ્હીથી હાઈ કમાન્ડ અઢી વર્ષ બાદ ફરી આંચકો આપવાના મૂડમાં છે કે કેમ એવો સવાલ થઈ રહ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ દિલ્હી હાઈ કમાન્ડ BJPના મુખ્ય પ્રધાન બનાવવાને બદલે ફરી એકનાથ શિંદેને જ મહારાષ્ટ્રની જવાબદારી સોંપી શકે છે. રાજ્યની તમામ મહાનગરપાલિકાની ચૂંટણી બે-ત્રણ મહિનામાં જ થવાની શક્યતા છે ત્યારે એકનાથ શિંદેની આગેવાનીમાં મહાયુતિ ફરી વિજય મેળવવા આ પ્રયોગ કરી શકે છે. આથી એકાદ વર્ષ એકનાથ શિંદેને મુખ્ય પ્રધાનની જવાબદારી આપી શકાય છે. BJPમાં અત્યારે મરાઠા નેતા કે બ્રાહ્મણ નેતા દેવેન્દ્રને જવાબદારી સોંપવા વિશે ચર્ચા થઈ રહી હોવાનું જાણવા મળ્યું હતું. જોકે પાંચમી ડિસેમ્બરે નવી સરકારની શપથવિધિ થવાની જાહેરાત કરવામાં આવી છે એટલે મોડામાં મોડું ત્રીજી ડિસેમ્બર સુધી આગામી મુખ્ય પ્રધાનનું નામ જાહેર થયા બાદ જ મુખ્ય પ્રધાન કોણ હશે એ જાણી શકાશે.