નાગપુરના પોલીસ કમિશનર અમિતેશકુમારનું કહેવું છે કે પોલીસ સ્ટેશન પબ્લિક પ્લેસ છે અને પોલીસ કર્મચારી પબ્લિક સર્વન્ટ છે એટલે તેની કાર્યવાહીનો વિડિયો લેવામાં કોઈ ગુનો નથી
પ્રતીકાત્મક તસવીર
લોકોમાં વિશ્વાસ જગાડવા અને તેમને માહિતગાર કરવા હાલ નાગપુરના પોલીસ કમિશનર અમિતેશકુમારનો વિડિયો સોશ્યલ મીડિયામાં બહુ વાઇરલ થયો છે. એમાં તેમણે કહ્યું છે કે ‘પોલીસ સ્ટેશનમાં પોલીસ દ્વારા કરાતી કાર્યવાહીનો વિડિયો લેવા પર કોઈ પ્રતિબંધ નથી. તમે એ લઈ શકો છો. પોલીસ સ્ટેશન કે પછી બહાર પણ એ પબ્લિક પ્લેસ છે અને પોલીસ કર્મચારી પણ પબ્લિક સર્વન્ટ છે એટલે તેની કાર્યવાહીનો વિડિયો લેવામાં કોઈ ગુનો કે અપરાધ થતો નથી. પહેલાં પણ એ બાબતે છૂટ હતી અને હાલ પણ છે.’
પોલીસનું સૂત્ર છે ‘સદ્રક્ષણાય ખલનિગ્રહણાય’ - સાચાનું રક્ષણ કરો અને ખોટાનો વિનાશ કરો. જોકે સામાન્ય લોકોમાં પોલીસ પ્રત્યે જે ભાવના છે એ ગભરાટ અને શંકા સાથે તેમની સાથે પનારો ન પડે એવી હોય છે. એમાં પણ જ્યારે ખરેખર કોઈ ફરિયાદ કરવા કે કશા કામ માટે પોલીસ સ્ટેશન જવું પડે ત્યારે પોલીસનો અપ્રોચ, તેમનું વર્તન બહુ કો-ઑપરેટિવ નથી લાગતું હોતું. સાદી ફરિયાદ કરવા માટે પણ પોલીસ કલાકો સુધી બેસાડી રાખે છે કે પછી અનેક સવાલો અને ડૉક્યુમેન્ટ્સ માગીને ઑલરેડી મૂંઝાયેલા ફરિયાદીને વધુ મૂંઝવણમાં મૂકી દે છે એવી લોકોમાં માન્યતા છે અને એવો સામાન્ય અનુભવ પણ છે. ઘણા લોકોની ફરિયાદ હોય છે કે પોલીસ તેમને બરાબર સાંભળતી નથી, તેમની ફરિયાદ નોંધતી નથી વગેરે. એથી એવા સમયે હાલના મોબાઇલ ફોનના જમાનામાં તેમની સાથે થયેલી કાર્યવાહીનું જો વિડિયો રેકૉર્ડિંગ હોય તો તેમને એક સધિયારો રહે કે અમે જે ફરિયાદ કે રજૂઆત કરી છે એનું અમારી પાસે રેકૉર્ડિંગ છે, જે ભવિષ્યમાં અમને અમારી રજૂઆત બદલ કામ લાગી શકે અથવા પોલીસ પાસે ફૉલો-અપ કરીએ ત્યારે પણ એ કામ લાગી શકે. સાથે જ એ કાર્યવાહી દરમિયાન પણ ટ્રાન્સપરન્સી રહે. અગાઉ પણ આવા પ્રયાસ થયા હતા, પણ પોલીસ દ્વારા કહી દેવાય કે પોલીસ સ્ટેશનમાં વિડિયો લેવો અલાઉડ નથી કે કાર્યવાહીનું રેકૉર્ડિંગ ન કરી શકાય એટલે ચૂપચાપ બેસી જવું પડે.
ADVERTISEMENT
પોલીસ સ્ટેશનમાં વિડિયો ઉતારવાના આ મુદ્દા બદલ ઍડ્વોકેટ જયેશ વાણીએ કહ્યું હતું કે ‘પોલીસ સ્ટેશનમાં પોલીસનો વિડિયો ઉતારવામાં કોઈ હરકત નથી એવો સંદેશો પણ લોકોને આપવો એ એક બહુ સારું ઇનિશિયેટિવ છે અને નાગપુરના પોલીસ કમિશનર અમિતેશકુમારના આ પગલાને અમે વધાવીએ છીએ. જોકે સાથે જ થોડી વધુ ટ્રાન્સપરન્સીનાં અન્ય પગલાં લેવાય એ પણ જરૂરી છે. જેમ કે એફઆઇઆર નોંધાય પછી એ પબ્લિક ડૉક્યુમેન્ટ હોય છે તો એની કૉપી પણ આપવામાં આવવી જોઈએ, જે અન્યોને અને ખાસ કરીને પત્રકારોને અપાતી નથી. મહિલાઓને લગતા કેસમાં તેની આઇડેન્ટિટી બહાર ન આવે એ માટે માહિતી ન આપે એ સમજી શકાય, પણ ૪૨૦ના છેતરપિંડીના કેસમાં પણ પત્રકારોને કૉપી આપવા ગલ્લાંતલ્લાં કરાતાં હોય છે જે યોગ્ય નથી. જ્યાં સુધી પોલીસ સ્ટેશનમાં પોલીસની કાર્યવાહીનો સવાલ છે ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ પોલીસની કાર્યવાહીનું રેકૉર્ડિંગ કરી શકે, પણ એ પછી એનું ઇન્ટરનેટ પરથી 65 (બી)નું સર્ટિફિકેટ ડાઉનલોડ કરીને એનું સેલ્ફ-ઑથેન્ટિકેશન કરી લેવું, જેથી એની યોગ્ય સમયે રજૂઆત કરી શકાય.’
આ ઉપરાંત આવા જ એક કેસમાં બૉમ્બે હાઈ કોર્ટે ચુકાદો આપતાં કહ્યું હતું કે ‘પોલીસ સ્ટેશનમાં વિડિયો રેકૉર્ડિંગ કરવા પર કોઈ રોક નથી. પોલીસ સ્ટેશનની ગણના ઑફિશ્યલ સીક્રેટ્સ ઍક્ટ હેઠળ પ્રોહિબિટેડ એરિયામાં થતી નથી.’