Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ડિલિવરી બૉય બન્યા ઉઠાઉગીર

ડિલિવરી બૉય બન્યા ઉઠાઉગીર

Published : 10 November, 2022 12:14 PM | IST | Mumbai
Priti Khuman Thakur | priti.khuman@mid-day.com

ગર્લફ્રેન્ડને ખુશ કરવા મોબાઇલ અને મોંઘી વસ્તુઓ ચોરતા ફ્લિપકાર્ટ કંપનીના બે ગુજરાતી સહિત ત્રણ કર્મચારીની ધરપકડ : પોલીસે તેમની પાસેથી મોબાઇલ અને સ્માર્ટ વૉચ મળીને ૩,૩૧,૦૦૦ રૂપિયાથી વધુનો માલ જપ્ત કર્યો

ગર્લફ્રેન્ડને ખુશ કરવા ચોરી કરતા આરોપીઓને એમએચબી પોલીસે પકડી પાડ્યા હતા

Crime News

ગર્લફ્રેન્ડને ખુશ કરવા ચોરી કરતા આરોપીઓને એમએચબી પોલીસે પકડી પાડ્યા હતા


બોરીવલી-વેસ્ટમાં ફ્લિપકાર્ટ કંપનીમાં પૅકિંગ અને ડિલિવરીનું કામ કરતા ત્રણ કર્મચારીની એમએચબી પોલીસે ધરપકડ કરી છે. આ ત્રણે આરોપીઓ પોતાની ગર્લફ્રેન્ડને ખુશ કરવા અને મોંઘા મોબાઇલનો શોખ પૂરો કરવા માટે રિટર્ન આવેલા ઑર્ડરને હેડ ઑફિસમાં ન મોકલીને એમાંના મોંઘા ફોન અને સામાન પોતાની પાસે જ રાખતા હતા અને એને સ્કૅન કરીને ચતુરાઈથી કંપનીને એવું દેખાડતા હતા કે રિટર્ન આવેલો માલ અમે હેડ ઑફિસને મોકલી દીધો છે. એમએચબી પોલીસે જણાવ્યું હતું કે દિવાળીમાં વધુ ખરીદી અને વધુ ઑર્ડરને કારણે કંપનીને આની માહિતી મળી નહોતી, પરંતુ ત્યાર બાદ કંપનીને શંકા જતાં આખો મામલો સામે આવ્યો હતો.


આ બનાવ વિશે માહિતી આપતાં એમએચબી પોલીસ સ્ટેશનના અસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર સૂર્યકાંત પવારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દિવાળી વખતે ઑર્ડરનો લોડ વધુ હોવાથી કંપનીને એ વિશે જાણ થઈ નહોતી. જોકે સતત વધી રહેલી ચોરી ધ્યાનમાં આવ્યા બાદ કંપનીને શંકા ગઈ હતી. એ પછી એમએચબી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે એક ટીમ બનાવીને એની તપાસ કરી હતી. એ તપાસમાં કંપનીમાં પૅકિંગ અને ડિલિવરીનું કામ કરતા કર્મચારીઓ પર શંકા જતાં તેમની પૂછપરછ કરી હતી. ત્યાર બાદ પોલીસે ફ્લિપકાર્ટ સાથે છેતરપિંડી કરીને મોંઘા મોબાઇલ અને સામાનની ચોરી કરનારા ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.’



પોલીસ અધિકારી સૂર્યકાંત પવારે વધુમાં કહ્યું હતું  કે ‘પોલીસે તપાસ કરીને ૧૯ વર્ષના પ્રણય જવળ, ૨૧ વર્ષના ભૂષણ ગંગન, ૨૭ વર્ષના સાગર રાજગોરની ધરપકડ કરી હતી. આ ત્રણે જણ ફ્લિપકાર્ટમાં ડિલિવરી બૉય તરીકે કામ કરતા હતા. પોલીસે તપાસ કરતાં તેમની પાસેથી ૧૫ મોબાઇલ અને ત્રણ સ્માર્ટ વૉચ મળીને ત્રણ લાખ એકત્રીસ હજાર રૂપિયાથી વધુનો માલ જપ્ત કર્યો હતો. આ આરોપીઓની માલવણી, કાંદિવલી અને ગોરાઈ વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી. ગુજરાતના જામનગર જિલ્લામાંથી ૧૧ મોબાઇલ મળી આવ્યા છે અને કાંદિવલી, ગોરાઈ અને દહિસરમાંથી પણ મોબાઇલ મળી આવ્યા છે. પોતાના શોખ પૂરા કરવા તેમ જ ગર્લફ્રેન્ડને મોંઘા મોબાઇલ આપવા માટે તેઓ ચોરી કરતા હતા. આ ટોળકીને પકડવા માટે એમએચબીના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર સુધીર કુડાલકરના માર્ગદર્શન હેઠળ એક ટીમ બનાવવામાં હતી અને તેમણે આરોપીઓને પકડી પાડ્યા હતા. આરોપીઓ પોલીસ-કસ્ટડીમાં હોવાથી તેમની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.’


Whatsapp-channel Whatsapp-channel

10 November, 2022 12:14 PM IST | Mumbai | Priti Khuman Thakur

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK