મલાડ-વેસ્ટના જનકલ્યાણનગરમાં આવેલા મરીના એન્ક્લેવના ૨૨ માળના બિલ્ડિંગના બીજા માળે એક ફ્લૅટમાં ગઈ કાલે સવારે આગ ફાટી નીકળી હતી.
Malad Fire
આગથી બચવા માટે રૂપા ભાટિયા ફ્લૅટની બહાર આવી ગયાં હતાં અને ત્યાર બાદ તેમણે કૂદકો મારીને જીવ બચાવ્યો હતો.
મુંબઈ : મલાડ-વેસ્ટના જનકલ્યાણનગરમાં આવેલા મરીના એન્ક્લેવના ૨૨ માળના બિલ્ડિંગના બીજા માળે એક ફ્લૅટમાં ગઈ કાલે સવારે આગ ફાટી નીકળી હતી. એ ફ્લૅટમાં રહેતી ૪૨ વર્ષની મહિલા રૂપ ભાટિયા જીવ બચાવવા બેડરૂમની બારીમાંથી બહાર નીકળીને નીચે પેરાફિટ પર બેસી ગઈ હતી. જોકે ત્યાર બાદ તેને સીડી ગોઠવીને નીચે લાવવાના પ્રયાસ કરાયા હતા. એમાં તેણે સીડી પર એક પગથિયું ઊતરીને નીચે ઝંપલાવી દીધું હતું, જેને કારણે તે ઘાયલ થઈ હતી. તેને સારવાર માટે જનકલ્યાણનગરના ચારકોપ રોડ પર ભૂમિ પાર્કમાં આવેલી યશસ્વી હૉસ્પિટલમાં સારવાર માટે લઈ જવાઈ હતી. યશસ્વી હૉસ્પિટલના ડૉક્ટર કેશવ શર્માએ તેને થયેલી ઈજાઓ વિશે માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રૂપા ભાટિયાને ચહેરા પર ઈજા થઈ છે. આંખની ઉપરના હાડકામાં
અને નાકની બાજુના હાડકામાં ફ્રૅક્ચર આવ્યું છે. અમે તેની સારવાર કરી છે. તે ભાનમાં છે અને
સાંજ સુધીમાં ડિસ્ચાર્જ આપવામાં આવશે.’
બીએમસીના જણાવ્યા મુજબ ગઈ કાલે સવારે ૧૦.૫૮ વાગ્યે આ આગ લાગી હતી અને તરત જ એની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. ફાયર સ્ટેશન નજીક હોવાથી ગણતરીની મિનિટોમાં બે ફાયર એન્જિન, એક ઍમ્બ્યુલન્સ અને એક જમ્બો ટૅન્કર ઘટનાસ્થળે ધસી ગયાં હતાં અને પાણીનો
મારો ચલાવીને ૧૧.૧૫ વાગ્યે આગ પર કાબૂ મળવી લેવાયો હતો. ત્યાર બાદ કલાકો સુધી કૂલિંગ માટે પાણીનો મારો ચાલુ રાખવામાં આવ્યો હતો.
આ આગમાં કોઈ જાનહાનિ નહોતી થઈ, પણ આઠ લોકો દાઝી ગયા હતા. જોકે એ આખો ફ્લૅટ બળી જવાથી લાખો રૂપિયાની ઘરવખરી બળીને ખાખ થઈ
ગઈ હતી.