જલદી ઘરે જવાની ઉતાવળમાં વિરારમાં રેલવે ટ્રૅક ક્રૉસ કરતી વખતે એક જ પરિવારના ત્રણ સભ્યોનાં મોત : પત્ની ડિલિવરી થઈ હોવાથી સુરત ભાઈના ઘરે ગઈ હતી અને પતિ તેને અને સંતાનને લઈને ઘરે જઈ રહ્યો હતો
પતિની ભૂલનું પરિણામ પત્ની અને બાળકે પણ ભોગવવું પડ્યું
લવે ટ્રૅક ન ઓળંગવાનું અનાઉન્સમેન્ટ રેલવે દ્વારા સતત કરવામાં આવે છે. વિરારમાં એક પરિવારે રેલવેની આ ચેતવણીને ગંભીરતાથી ન લેતાં એક ભીષણ અકસ્માત થયો હતો, જેમાં એક જ પરિવારના ત્રણ લોકોનાં મોત થયાં હતાં. આ ઘટના ગુરુવારે રાતે ૧૨.૦૪ વાગ્યાની આસપાસ બની હતી.
વિરારમાં પ્લૅટફૉર્મ-નંબર પાંચ પરથી ચાર તરફ જવા માટે ગુરુવારે રાતે વસઈમાં રહેતો પટેલ પરિવાર રેલવે ટ્રૅક પરથી જઈ રહ્યો હતો. તેમને અંદાજ નહોતો કે ટ્રૅક ક્રૉસ કરતી વખતે ટ્રેન અચાનક આવી જશે. આ દરમિયાન પ્લૅટફૉર્મ-નંબર ચાર પરથી આવતી ટ્રેન તેમની સાથે અથડાતાં પતિ, પત્ની અને એક પુત્ર એમ એક પરિવારના ત્રણ લોકોનાં મોત થયાં હતાં. આ વિશે માહિતી આપતાં વસઈ રેલવે પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર સચિન ઇંગવાલેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘અકસ્માતમાં મૃત્યુ પામેલા મૃતકોનાં નામ ૨૮ વર્ષનો અજિત પટેલ, ૨૬ વર્ષની સીતા પટેલ અને ત્રણ મહિનાનો આર્યન પટેલ છે. રેલવે પોલીસને આ ઘટના વિશે માહિતી મળતાં એણે ઘટનાસ્થળે પહોંચીને ત્રણેય મૃતદેહોનો કબજો લીધો હતો અને પોસ્ટમૉર્ટમ માટે મોકલી આપ્યા હતા. આ સંદર્ભે વસઈ રેલવે પોલીસ સ્ટેશનમાં ઍક્સિડન્ટલ ડેથનો કેસ નોંધવામાં આવ્યો છે. અજિત વસઈની કંપનીમાં કામ કરતો હતો. રેલવે ટ્રૅક ઓળંગવો ગેરકાયદે હોવાની સાથે જોખમી પણ છે. પ્રવાસીઓ વહેલા પહોંચવા માટે અને સીડી ચડવાના કંટાળાને કારણે પાટા ઓળંગે છે એને કારણે વારંવાર અકસ્માત થાય છે. એથી રેલવે પોલીસ મુસાફરોને રેલવે ટ્રૅક ક્રૉસ ન કરવાની અપીલ કરે છે.
આ ઍક્સિડન્ટ વિશે વધુ માહિતી આપતાં પોલીસ અધિકારીએ કહ્યું હતું કે ‘અજિતની પત્નીની ડિલિવરી થઈ હોવાથી તે સુરત તેના ભાઈના ઘરે ગઈ હતી. એથી અજિત પત્ની અને દીકરાને વસઈના ઘરે લાવવા સુરત ગયો હતો. બીજા દિવસે એટલે કે ગુરુવારે તેઓ સુરત-વિરારની ટ્રેન દ્વારા વસઈ આવી રહ્યા હતા ત્યારે વિરાર રેલવે સ્ટેશનના પ્લૅટફૉર્મ-નંબર પાંચ પર મેલ આવતાં તેઓ વિરુદ્ધ દિશામાં ઊતરી ગયા હતા. તેઓ વિરાર સ્ટેશનથી લોકલ ટ્રેન પકડીને વસઈ જવા માગતા હતા. આ સમયે તેમણે રેલવેલાઇન ક્રમાંક-૪થી પાટા ક્રૉસ કરવાનું નક્કી કર્યું અને આ નિર્ણય તેના પરિવારનો અંત લાવ્યો હતો. ગુજરાત જતી વેરાવળ એક્સપ્રેસ આ રૂટ પર દોડી રહી હતી ત્યારે અજિત, સીતા અને આર્યન એક્સપ્રેસની નીચે આવી ગયાં હતાં. ત્રણેયનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં.’
રેલવે સ્ટેશન નજીક અંધારું હોવાથી અકસ્માત કેમેરામાં કેદ થયો નથી. સ્વજનોની મદદથી મૃતદેહોની ઓળખ કરી લેવામાં આવી છે અને સરકારી પ્રક્રિયા પૂરી કરીને મૃતદેહ સ્વજનોને સોંપવામાં આવ્યા છે