સરકારે નવી માર્ગદર્શિકા જાહેર કરીને નૌકાદળનાં સ્થાપનોના ૫૦૦ મીટરના અંતરને ઘટાડીને ૫૦ મીટરનું કરી દેતાં હજારો રહેવાસીઓને પોતાનું ઘર મળવાની આશા બંધાઈ
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ : છેલ્લાં ઘણાં વર્ષોથી મહાનગરપાલિકાએ નૌકાદળનાં સ્થાપનોની ૫૦૦ મીટરની અંદર આવતા પ્રોજેક્ટોનાં બિલ્ડિંગોના પ્લાનને મંજૂરી આપવાને ઇનકાર કરતાં હજારો લોકો બેઘર બનીને રોડ પર આવી ગયા હતા. નૌકાદળના કાયદા પ્રમાણે મહાનગરપાલિકામાં નવાં બાંધકામોની દરખાસ્તો સબમિટ કરતાં પહેલાં નૌકાદળનું નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ મેળવવું જરૂરી હતું. જોકે ૨૩ ડિસેમ્બરે સરકારે આ સમસ્યાના નિરાકરણ માટે એક નવી માર્ગદર્શિકા જાહેર કરીને નૌકાદળનાં સ્થાપનોના ૫૦૦ મીટરના અંતરને ઘટાડીને ૫૦ મીટરનું કરી દીધું હતું. એને કારણે હજારો રહેવાસીઓ માટે તેમનાં મકાનોના બાંધકામ માટેનો માર્ગ મોકળો થયો હતો.
અત્યાર મુંબઈમાં આવાં અટકી ગયેલાં કામ મલાડ, કાંદિવલી અને ઘાટકોપરમાં સૌથી વધુ છે. ઘાટકોપરમાં ૯૦થી વધુ સી-૧ કૅટેગરીનાં મકાનોનાં રીડેવલપમેન્ટ ઘણાં વર્ષોથી અટકી
ગયાં છે. જોકે આ નવા નિયમને કારણે આ મકાનોનું હવે રીડેવલપમેન્ટ શરૂ થશે. અહીં એક વાત નોંધનીય છે કે સરકારની નવી માર્ગદર્શિકાને રહેવાસીઓ તેમના કાયદાના સલાહકારો પાસે સમજી રહ્યા છે. આ રહેવાસીઓ કહે છે કે અમારાં મકાનોનું કામ શરૂ કરવાની અમને મહાનગરપાલિકા પરવાનગી આપશે પછી જ અમને રાહતની લાગણી થશે.