સ્મશાનને અભાવે ભરવરસાદે ખુલ્લી જગ્યામાં કરવી પડે છે અંતિમક્રિયા
ગોઠણ સુધી ભરાયેલાં પાણીમાં મૃતદેહ લઈ જઈને ખુલ્લી જગ્યામાં અંતિમક્રિયા કરી રહેલા દહાણુના ખુબરોડપાડાના રહેવાસીઓ.
ભારત એકવીસમી સદીમાં પહોંચ્યો છે અને બુલેટ ટ્રેનની વાત કરી રહ્યા છીએ ત્યારે મુંબઈને અડીને આવેલા પાલઘર જિલ્લાના દહાણુ તાલુકાનાં ગામોમાં રસ્તા, નદી પરના પુલ અને સ્મશાનભૂમિ જેવી મૂળભૂત સુવિધા નથી. સ્વતંત્રતાનાં ૭૭ વર્ષ બાદ પણ દહાણુ તાલુકાના સોનાળે ખુબરોડપાડામાં ચાલુ વરસાદે ખુલ્લામાં અંતિમક્રિયા કરવામાં આવી રહી હોવાનો વિડિયો તાજેતરમાં સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો. લોકો ગોઠણ સુધી ભરાયેલાં પાણીમાં મૃતદેહને લઈને ગામના છેડે આવેલી જમીનમાં અગ્નિદાહ આપી રહ્યા હોવાનું આ વિડિયોમાં જોવા મળ્યું હતું. ભારતના આર્થિક પાટનગર મુંબઈની નજીકમાં આવેલાં ગામોમાં આવી હાલત છે એ વિશે લોકો સરકારને સવાલ કરી રહ્યા છે.
એક તરફ પાલઘર જિલ્લામાંથી નૅશનલ અને સ્ટેટ હાઇવેની સાથે વેસ્ટર્ન રેલવે ઉપરાંત હજારો કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી રહેલો બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ પસાર થાય છે. બીજી બાજુ અહીંના આદિવાસી સમાજ માટે મૂળભૂત સુવિધા પ્રત્યે સ્થાનિક પ્રશાસનથી લઈને રાજ્ય સરકાર ઉદાસીન હોવાનું જણાઈ આવે છે. પાલઘર જિલ્લાના ૧૫૦૦ વાડા-પાડામાં વીજળી પહોંચી નથી અને રસ્તાઓ પણ બનાવવામાં નથી આવ્યા. આને કારણે ચોમાસામાં અહીંના રહેવાસીઓને મુશ્કેલી થાય છે. જીવતેજીવ તો તેઓ હેરાન થાય જ છે અને કોઈનું મૃત્યુ થાય છે ત્યારે પણ અંતિમક્રિયા કરવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.