શરદ પવાર અને દાઉદ ઇબ્રાહિમની મુલાકાતની ૩૦ વર્ષ જૂની વાતને અત્યારે કહેવા વિશે પ્રકાશ આંબેડકરે કહ્યું...
પ્રકાશ આંબેડકર
શરદ પવારે દુબઈમાં દાઉદ ઇબ્રાહિમની મુલાકાત લીધી હતી એવો દાવો વંચિત બહુજન આઘાડીના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રકાશ આંબેડકરે ૩૦ વર્ષ બાદ શા માટે કર્યો છે એવો સવાલ કરવામાં આવી રહ્યો છે. જવાબમાં પ્રકાશ આંબેડકરે ગઈ કાલે સોશ્યલ મીડિયાના અકાઉન્ટમાં પોસ્ટ કરી હતી જેમાં તેમણે લખ્યું હતું કે ‘કેટલાક લોકો પૂછી રહ્યા છે કે મેં શરદ પવાર અને દાઉદ ઇબ્રાહિમની ૩૦ વર્ષ જૂની મુલાકાતનો મુદ્દો અત્યારે કેમ ઉઠાવ્યો, તેમને મારો સીધોસાદો જવાબ છે કે મુંબઈ અને ભારતમાં જોખમ છે. બાબા સિદ્દીકીની હત્યા મુંબઈના કાળા અપરાધિક ભૂતકાળનું ફ્લેશબૅક છે. બધાને ખબર છે કે અન્ડરવર્લ્ડે મુંબઈમાં આટલાં વર્ષ કોની મદદથી રાજ કર્યું. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને એક મહિનો બાકી છે. મેં ચૂંટણી પહેલાં મહારાષ્ટ્રની સાથે દેશની સામે આ મુદ્દો ઉઠાવ્યો છે. શું મહારાષ્ટ્રને ફરી અન્ડરવર્લ્ડનું રાજ જોઈએ છે? જો નહીં તો સમજી-વિચારીને મતદાન કરજો, કારણ કે આગામી પાંચ વર્ષ મુંબઈ અને ભારત માટે મહત્ત્વનાં છે. અન્ડરવર્લ્ડના મિત્રો જો સત્તામાં આવશે તો મુંબઈમાં ફરી અન્ડરવર્લ્ડ રાજ કરશે અને દેશની સુરક્ષા જોખમમાં મુકાશે. જેવી રીતે બાબાસાહેબ આંબેડકરે ચીન બાબતે ચિંતા વ્યક્ત કરી હતી એવી જ રીતે શુક્રવારે મેં મારી ચિંતા દેશ સમક્ષ મૂકી હતી. બાબાસાહેબ આંબેડકરે ચીનની વિસ્તારવાદી યોજના વિશે ચેતવણી આપી હતી, પરંતુ કૉન્ગ્રેસે બાબાસાહેબની અવગણના કરી હતી. આપણે બધા જાણીએ છીએ પછી શું થયું હતું.’

