બંધ ઘરને ટાર્ગેટ કરીને તસ્કરો લાખો રૂપિયાની માલમતા ચોરી ગયા. મલાડની યુવતીના ઘરના કબાટમાંના બે લાખ રૂપિયા પર પણ હાથસફાઈ થઈ
પ્રતીકાત્મક તસવીર
દિવાળીના વેકેશનમાં ખાલી ઘરને ટાર્ગેટ કરીને તસ્કરો ચોરી કરતા હોવાના બનાવો નવા નથી. દિવાળીનું વેકશન મનાવવા ગયેલા મુલુંડના ચિંતન ધામી અને ગોરેગામના ભાવેશ ચંદનના ઘરેથી લાખો રૂપિયાની માલમતા ચોરાઈ હોવાની ફરિયાદ મુલુંડ અને વી. પી. રોડ પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ છે. આ ઉપરાંત મલાડમાં રહેતી પૂર્વી ત્રિવેદીના ઘરે દિવાળીની સાફસફાઈ વખતે કબાટમાં રાખેલા આશરે બે લાખ રૂપિયા ન મળી આવતાં ચોરીની ફરિયાદ મલાડ પોલીસ-સ્ટેશનમાં ગઈ કાલે સવારે નોંધાઈ હતી. પોલીસે પ્રાથમિક માહિતી પ્રમાણે જે વિસ્તારમાં ચોરી થઈ છે ત્યાં લાગેલા ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજના આધારે તપાસ શરૂ કરી છે.
ઘરનું લૉક તોડ્યા વગર જ ઘરમાંથી આશરે ત્રણ લાખ રૂપિયાના દાગીના ચોરાઈ ગયા એમ જણાવતાં મુલુંડ-વેસ્ટમાં રહેતા ચિંતન ધામીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું અને મારો પરિવાર પહેલી નવેમ્બરે બપોરે લોનાવલા ફરવા ગયા હતા. અમે ૩ નવેમ્બરે પાછા ફર્યા ત્યારે ઘરનું લૉક બંધ જ હતું; પણ કામ માટે કબાટ ખોલવામાં આવ્યું ત્યારે એમાં રાખેલી સોનાની ચેઇન, બુટ્ટી, વીંટી મળીને કુલ ત્રણ લાખ રૂપિયાના દાગીના ચોરી થયા હોવાની જાણ અમને થઈ હતી.અમે આ ઘટનાની ફરિયાદ મુલુંડ પોલીસ-સ્ટેશનમાં નોંધાવી હતી.’
ADVERTISEMENT
ગોરેગામમાં રહેતા ભાવેશ ચંદન પરિવાર સાથે દિવાળી વેકેશન મનાવવા રાજસ્થાન ગયા ત્યારે તેમના ઘરમાંથી આશરે ૫૦,૦૦૦ રૂપિયાની ચાંદીની ચોરી થઈ હોવાની ફરિયાદ અમે નોંધી છે એમ જણાવતાં વી. પી. રોડ પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૨૯ ઑક્ટોબરે ભાવેશ અને તેનો પરિવાર રાજસ્થાનના જાલોર શહેરમાં ફરવા ગયા હતા. ત્યાંથી તેઓ પાંચ નવેમ્બરે પાછા આવ્યા ત્યારે તેમના ઘરનું લૉક તૂટેલું હતું. તેમણે અંદર જઈને વધુ તપાસ કરતાં કબાટમાં રાખેલી ૫૦,૦૦૦ રૂપિયાની ચાંદી ચોરાઈ હોવાની જાણ થઈ હતી.’
દિવાળીના દિવસોમાં દાગીના ચોરાયા
મલાડ-વેસ્ટમાં રહેતી પૂર્વી ત્રિવેદી ૨૫ ઑક્ટોબરે દિવાળીની સાફસફાઈ કરી રહી હતી ત્યારે તેના કબાટમાં રાખેલા આશરે બે લાખ રૂપિયાના દાગીના મળી આવ્યા નહોતા એમ જણાવતાં મલાડ પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ દાગીના કોઈકે દિવાળીના દિવસોમાં ઘરમાંથી ચોર્યા હોવાની પ્રાથમિક માહિતીના આધારે અમે ચોરીની ફરિયાદ ગઈ કાલે નોંધી છે. દિવાળી જેવો તહેવાર હોવાથી ફરિયાદીએ એ સમયે ફરિયાદ ન કરતાં ગઈ કાલે અમારી પાસે ફરિયાદ નોંધાવી હતી.’