BJPના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ નવી સરકારની શપથવિધિનાં સ્થળ-કાળ જાહેર કર્યાં, વડા પ્રધાન પણ હાજર રહેવાની જાહેરાત કરી
ચંદ્રશેખર બાવનકુળે
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનું રિઝલ્ટ જાહેર થયાના ગઈ કાલે એક અઠવાડિયા બાદ જેની કાગડોળે રાહ જોવાઈ રહી છે એ નવી સરકારની શપથવિધિ વિશે મહત્ત્વનું અપડેટ આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ રાજ્યની આગામી સરકારની શપથવિધિ પાંચમી ડિસેમ્બરની સાંજે પાંચ વાગ્યે આઝાદ મેદાનમાં થવાની જાહેરાત કરી હતી. શપથવિધિમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહેશે એવું ચંદ્રશેખર બાવનકુળેએ સોશ્યલ મીડિયામાં ગઈ કાલે સાંજે કરેલી પોસ્ટમાં લખ્યું હતું.
શપથવિધિની જાહેરાત થવાની સાથે જ નવી સરકારની સ્થાપના ક્યારે થશે એ સ્પષ્ટ થઈ ગયું છે અને મહાયુતિમાં સામેલ ત્રણેય પક્ષમાંથી કોને કેટલાં પ્રધાનપદ મળશે એની ચહલપહલ વધી ગઈ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ટૂંક સમયમાં જ નાગપુરમાં વિધાનસભાનું શિયાળુ સત્ર શરૂ થશે એને ધ્યાનમાં રાખીને શપથવિધિ વખતે જ મોટા ભાગના પ્રધાનોના શપથ લેવડાવાની શક્યતા છે.