રાજ્ય સરકારે મુંબઈ પોલીસને એસઆઇટી બનાવવાનો લેખિત પત્ર લખ્યા બાદ એસઆઇટી ગઠિત કરવામાં આવીઃ આદિત્ય ઠાકરેને ફરી ઘેરવાનો પ્રયાસ
દિશા સાલિયન (ફાઈલ ફોટો)
મુંબઈ ઃ સાડાત્રણ વર્ષ પહેલાં મૃત્યુ પામેલી બૉલીવુડના દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મૅનેજર દિશા સાલિયને આત્મહત્યા કરી હતી કે તેને ૧૪મા માળેથી ફેંકી દઈને મારી નાખવામાં આવી હતી એની તપાસ હવે મુંબઈ પોલીસની સ્પેશ્યલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી) દ્વારા કરવામાં આવી છે.. રાજ્ય સરકારે મુંબઈ પોલીસને ગઈ કાલે એસઆઇટી ગઠિત કરવાનો લેખિત આદેશ આપ્યો હતો. દિશા સાલિયનના મૃત્યુ સાથે ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેનું કનેક્શન હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે એટલે આ તપાસ થશે તો તેમની મુશ્કેલી વધવાની શક્યતા છે.
રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને બીજેપીના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસે ગયા શિયાળામાં નાગપુર ખાતેના વિધાનસભાના સત્રમાં આશ્વાસન આપ્યું હતું કે કેટલાક વિધાનસભ્યો અને નેતાઓએ દિશા સાલિયનના મૃત્યુ મામલામાં કેટલીક શંકા વ્યક્ત કરી હતી અને આ મામલાની એસઆઇટી દ્વારા તપાસ કરવાની માગણી કરી હતી એટલે આશ્વાસનના એક વર્ષ બાદ હવે એસઆઇટી ગઠિત કરવામાં આવી છે.
ADVERTISEMENT
જોકે એક વર્ષ સુધી આ બાબતે કંઈ નહોતું થયું. અત્યારે નાગપુરમાં વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે ત્યારે ફરી આ બાબતે પ્રશ્નો કરવામાં આવ્યા છે ત્યારે રાજ્ય સરકારે મુંબઈ પોલીસને પત્ર લખીને એસઆઇટી ગઠિત કરીને દિશા સાલિયનના મૃત્યુની તપાસ કરવાનો આદેશ આપ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
રાજ્ય સરકારના લેખિત પત્ર બાદ મુંબઈ પોલીસે ગઈ કાલે એસઆઇટી ગઠિત કરી હતી. માલવણી પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર ચીમાજી આઢવ દિશા સાલિયનના મૃત્યુ પ્રકરણની તપાસ કરશે. ઝોન ૧૧ના ડેપ્યુટી પોલીસ કમિશનર અજય બંસલ તપાસ સુપરવાઈઝ કરશે.
સીબીઆઇએ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુની તપાસ કરી હતી ત્યારે દિશા સાલિયનના મૃત્યુનો મામલો પણ સામે આવતાં તપાસ કરી હતી. એમાં સીબીઆઇએ દિશાના મૃત્યુમાં કોઈ પણ રાજકીય ઍન્ગલ ન હોવાનું અને તે મલાડની ઇમારતના તેના ૧૪મા માળના ફ્લૅટની ગૅલરી પાસે ઊભી હતી ત્યારે અચાનક ઉપરથી નીચે પટકાઈ હોવાનું કહ્યું હતું.
બીજેપીના વિધાનસભ્ય નીતેશ રાણે આ મામલે સતત સવાલ કરી રહ્યા છે કે દિશા સાલિયનનું મૃત્યુ થયું હતું ત્યારે આદિત્ય ઠાકરે ક્યાં હતા? તપાસ એજન્સીઓએ આની તપાસ કરવી જોઈએ. ગઈ કાલે નીતેશ રાણેએ કહ્યું હતું કે ‘અમે ત્રીજા ગિયરમાં ગાડી નાખી દીધી છે. દિશા સાલિયનનો હત્યારો વિધાનસભાના પરિસરમાં જોવા મળ્યો છે. તેના પર ટૂંક સમયમાં જ કાર્યવાહી થશે. એસઆઇટીની તપાસ વખતે આદિત્ય ઠાકરે અને મને પણ બોલાવીને સામસામે બેસાડો, દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. શિવસેનાના નેતા અનિલ પરબે કહ્યું છે કે ૧૩ જૂને પાર્ટી હતી. તેમને પણ એસઆઇટીએ પૂછપરછ માટે બોલાવવા જોઈએ. બે વખત ક્લોઝર રિપોર્ટ બદલવામાં આવ્યો છે.’