નોકરી છૂટી જવાને લીધે ફી ન ભરી શકતાં હાર્મની સ્કૂલે દસમા અને પાંચમા ધોરણમાં ભણતી કિરણ કદમની બે બાળકીઓને પરીક્ષા ન આપવા દીધી એટલું જ નહીં, દસમાની પ્રાઇવેટ પરીક્ષા આપવાની કોશિશ કરી તો સ્કૂલે લીવિંગ સર્ટિફિકેટ ન આપતાં છોકરીઓનાં ચાર વર્ષ બગડ્યાં.
હાર્મની સ્કૂલના અધિકારીઓએ શો-કૉઝ નોટિસ પર કમેન્ટ કરવાનો ઇનકાર કર્યો હતો. સતેજ શિંદે
મુંબઈ : મહારાષ્ટ્ર સ્ટેટ કમિશન ફૉર પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સ (એમએસસીપીસીઆર)એ ૨૦૧૮-’૧૯ના વર્ષમાં સ્કૂલની ફી ચૂકવી ન હોવાથી છોકરીઓને એસએસસી બોર્ડની પરીક્ષા આપતાં રોકવા બદલ ખારઘરસ્થિત સ્કૂલને કારણદર્શક નોટિસ આપી છે. સ્કૂલે બાળકીનું સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ પણ આપ્યું ન હોવાથી તેમનાં ચાર શૈક્ષણિક વર્ષ બરબાદ થયાં છે.
હાર્મની સ્કૂલે તેની નાની બહેન જે-તે સમયે પાંચમા ધોરણમાં હતી તેની સાથે પણ આવો જ વ્યવહાર કર્યો હતો. કમિશને સ્કૂલના મૅનેજમેન્ટને નોટિસનો જવાબ આપવા માટે સાત દિવસનો સમય આપ્યો છે તેમ જ શિક્ષણ અધિકારીને આ બાબતની તપાસ કરવા જણાવ્યું છે.
શું છે ઘટના?
છોકરીના પિતા કિરણ કદમે કહ્યું હતું કે ‘જુલાઈ ૨૦૧૪માં કંપની બંધ થવાને કારણે મારી માર્કેટિંગની નોકરી છૂટી ગઈ હતી. મેં ૨૦૧૭ સુધી મારી દીકરીઓની સ્કૂલની ફી ચૂકવી હતી. ત્યાર પછી પરિસ્થિતિ વણસી ગઈ હતી. ૨૦૧૮-’૧૯માં મારી મોટી દીકરી દસમા ધોરણમાં હતી તથા નાની પાંચમા ધોરણમાં હતી. મેં સ્કૂલ-મૅનેજમેન્ટ પાસે ફી ચૂકવવા માટે થોડો સમય માગીને હપ્તામાં ફી ચૂકવવાની પરવાનગી માગી હતી, પરંતુ બોર્ડની પરીક્ષા પહેલાં મારી બન્ને દીકરીઓને સ્કૂલમાં પ્રવેશવાથી રોકવામાં આવી હતી. મેં તેમને પરીક્ષા લઈને માર્ક્સ ન આપવા અને હું બાકીની ફી ન ચૂકવી દઉં ત્યાં સુધી રિઝલ્ટ પણ ન આપવા વિનંતી કરી હતી, પરંતુ સ્કૂલની ઑથોરિટીએ મારી વાત કાને ન ધરતાં મારી મોટી દીકરી દસમાની બોર્ડની પરીક્ષા નહોતી આપી શકી. તેના ટ્યુશન-ટીચર અમારી મદદે આવ્યા હતા જેથી અમે તેને પ્રાઇવેટમાં દસમાની પરીક્ષા અપાવી શકીએ, પરંતુ સ્કૂલે અમને સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ પણ ન આપ્યું જેને કારણે તેનાં ચાર શૈક્ષણિક વર્ષ બરબાદ થયાં.’
આવા તો અનેક કિસ્સા છે
મહારાષ્ટ્ર સ્ટેટ સ્ટુડન્ટ્સ-પેરન્ટ્સ ટીચર્સ ફેડરેશનના પ્રતિનિધિ અને શૈક્ષણિક કાર્યકર્તા નીતિન દળવીએ કહ્યું હતું કે ‘આ માત્ર એક જ ઉદાહરણ છે. આવા અસંખ્ય કિસ્સાઓ છે કે જ્યાં વિદ્યાર્થીઓ મશ્કરીને પાત્ર બનતાં આઘાત પામે છે અથવા તેમને પરીક્ષા આપવા માટે પ્રતિબંધિત કરાય છે. આ કિસ્સામાં હું ન્યાય મેળવવા માટે માતા-પિતાને મદદ કરી રહ્યો છું. સ્કૂલ-મૅનેજમેન્ટના નિર્ણયને કારણે બન્ને બાળકો નોંધપાત્ર શૈક્ષણિક વર્ષ ચૂકી ગયાં હતાં. અમે બાળકોના અધિકારોના રક્ષણ માટેના રાજ્ય આયોગનો સંપર્ક કર્યો હતો. તેમણે શાળાને કારણદર્શક નોટિસ મોકલી છે. અમે અંત સુધી લડી લઈશું.’
જિલ્લા પરિષદ અલીબાગ, રાયગડના શિક્ષણ અધિકારીને જારી કરાયેલા એક અલગ પત્રમાં એમએસસીપીસીઆરએ જણાવ્યું હતું કે બન્ને છોકરીઓ મહત્ત્વનાં ગણાય એવાં ચાર શૈક્ષણિક વર્ષ ચૂકી ગઈ છે. કમિશને શિક્ષણાધિકારીને તપાસ શરૂ કરવા અને છોકરીઓને શિક્ષણ પાછું મળે એ સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો છે.
સ્કૂલનાં ડિરેક્ટર બીના થમ્પીનો સંપર્ક થઈ શક્યો નહોતો. સ્કૂલનાં ઍડ્મિનિસ્ટ્રેટર રાધા પાંડેએ જણાવ્યું હતું કે આ બાબતનો નિર્ણય મૅનેજમેન્ટ લેશે. આ બાબતે વધુ બોલવાનો તેમણે ઇનકાર કર્યો હતો.