એકનાથ શિંદેએ આગામી ચૂંટણીમાં મોટી સફળતા મેળવવાનો દાવો કરતાં કહ્યું
રાજ ઠાકરેએ ગઈ કાલે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની મુલાકાત લીધી હતી.
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ દાવો કર્યો છે કે આવતા વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીમાં રાજ્યની ૪૮માંથી ૪૫ લોકસભા બેઠક પર સત્તાધારી મહાયુતિનો વિજય થશે. બીજેપી અને એનસીપી અજિત પવાર જૂથ સાથે મળીને અમે લોકસભામાં મોટો વિજય મેળવીશું.
પત્રકારો સાથેની વાતચીતમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને અજિત પવારે બારામતી સહિતની ચાર બેઠકો લડવાની જાહેરાત કરી છે એ વિશે પૂછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે ‘અજિત પવારે પણ એનસીપીના અત્યારના ચાર સાંસદ છે એ તમામ બેઠકો પર પોતાના ઉમેદવાર ઊભા રાખવાનું કહેતી વખતે કહ્યું હતું કે આ વિશે મહાયુતિમાં સામે પક્ષો સાથે ચર્ચા કરવામાં આવશે અને બાદમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે. અમે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ સાથે લડીશું. બેઠકો બાબતે અત્યારે ચર્ચા ચાલી રહી છે. ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે.’
દરમ્યાન, એકનાથ શિંદે જૂથના હિંગોલીના સાંસદ હેમંત પાટીલે કહ્યું છે કે ‘શિવસેનાના ૧૩ સાંસદોએ એકનાથ શિંદેને સપોર્ટ જાહેર કર્યો છે એટલે આ તમામને આવતા વર્ષે યોજાનારી લોકસભાની ટિકિટ આપવામાં આવશે. મુખ્ય પ્રધાને આ બાબતે સ્પષ્ટ કહ્યું છે.’
ADVERTISEMENT
રાજ ઠાકરેએ મુખ્ય પ્રધાનની મુલાકાત લીધી
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરે ગઈ કાલે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને મળવા તેમના સત્તાવાર નિવાસસ્થાન વર્ષા બંગલે પહોંચ્યા હતા. આ મુલાકાત વિશે રાજ ઠાકરેએ ટ્વીટ કરી હતી, જેમાં લખવામાં આવ્યું હતું કે ‘આજે મેં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની મુલાકાત કરી હતી. કેટલાક દિવસ પહેલાં રાજ્ય સરકારના પ્રધાન દાદાજી ભુસે સાથે મારા ઘરે એક બેઠક થઈ હતી, જેમાં લોકો પાસેથી વસૂલવામાં આવતા ભારે ટોલ અને ટોલનાકા પરથી પસાર થતા લોકોના સર્વેક્ષણ સંબંધી માહિતી રાજ્ય સરકારને પહોંચાડવાનું મેં કહ્યું હતું. એ માહિતી તેમ જ સુપ્રીમ કોર્ટે આપેલા મરાઠી પાટિયાના આદેશ સંબંધે મુખ્ય પ્રધાન સાથે ચર્ચા કરી હતી.’
અજિત પવારની ભૂમિકા સુસંગત નહોતી
નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે કાકા શરદ પવારના વલણને ખુલ્લું પાડીને તેમને ચૂંટણીમાં પડકાર્યા છે એના જવાબમાં શરદ પવારે ગઈ કાલે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘અજિત પવારે મારા વિશે કહેલી કેટલીક વાત મને પહેલી વખત જાણવા મળી. અજિત પવાર બીજેપી સાથે જવા માગતા હતા. અમારે બીજેપી સાથે ક્યારેય નહોતું જવું. હું પક્ષનો પ્રમુખ હતો એટલે રાજીનામું આપ્યું હતું. મારો નિર્ણય સામૂહિક બન્યા બાદ રાજીનામું પાછું ખેંચવા માટે સ્વયંભૂ આંદોલન શરૂ થયું હતું. તેમને બીજેપી સાથે જવું હતું અને તેઓ ગયા છે. બાદમાં મેં તેમને ક્યારેય મળવા બોલાવ્યા નથી. મુંબઈનું ઘર કેમ છોડવું પડ્યું અને ઈડીની કાર્યવાહી તેમ જ લોકો પક્ષ છોડીને કેમ જાય છે એ વિશે પ્રફુલ પટેલે પુસ્તક લખવું જોઈએ.’