ફિલ્મમેકર્સે વાંધાજનક ડાયલૉગ્સ દૂર કર્યા બાદ કોર્ટે આપી પરવાનગી: જોકે કર્ણાટક સરકારે મૂક્યો રિલીઝ પર બૅન
અનુ કપૂરની ફિલ્મ ‘હમારે બારહ’
અનુ કપૂરની ફિલ્મ ‘હમારે બારહ’ની રિલીઝને બૉમ્બે હાઈ કોર્ટનું ગ્રીન સિગ્નલ મળી ગયું છે. પહેલાં હાઈ કોર્ટે જ આ ફિલ્મની રિલીઝ પર સ્ટે આપ્યો હતો, પરંતુ ફિલ્મના બે ડાયલૉગ્સને હટાવતાં ફિલ્મની રિલીઝને ગ્રીન સિગ્નલ મળી ગયું છે.
પહેલાં સ્ટે આપતી વખતે કોર્ટે નોંધ્યું હતું કે આ ફિલ્મ સાંપ્રદાયિક ઘૃણા ફેલાવશે. કોર્ટને આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવા માટે વિવિધ સંગઠનો દ્વારા વિનંતી કરવામાં આવી હતી. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા બાદ એના કલાકારો, ડિરેક્ટર અને અન્ય ટીમ-મેમ્બર્સને ધમકી મળી રહી છે એથી અનુ કપૂરે એ તમામ માટે પોલીસ-પ્રોટેક્શન માગ્યું છે.
ADVERTISEMENT
હવે મેકર્સે વાંધાજનક ડાયલૉગ્સ હટાવતાં ફિલ્મની રિલીઝનો માર્ગ મોકળો થઈ ગયો છે. આમ છતાં કર્ણાટકની સરકારે એના રાજ્યમાં ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ મૂક્યો છે. આ ફેંસલો કર્ણાટક સિનેમા રેગ્યુલેશન ઍક્ટ ૧૯૬૪ના સેક્શન 15 (1) અને 15 (5) હેઠળ લેવામાં આવ્યો છે.
શું છે આ વિવાદિત ફિલ્મમાં?
‘હમારે બારહ’ ફિલ્મમાં એવું બતાવવામાં આવ્યું હતું કે મુસલમાનોને તેમના ધર્મમાં વધારે બાળકો કરવાનું કહેવામાં આવ્યું છે અને એવું કરવામાં તેઓ મહિલાઓની હેલ્થની પણ કોઈ પરવા નથી કરતા. આ અને આવા ડાયલૉગ્સને કારણે બૉમ્બે હાઈ કોર્ટે સ્ટે આપ્યો હતો, પણ ફિલ્મમેકર્સે વિવાદિત ડાયલૉગ્સ દૂર કરી નાખતાં એને ગ્રીન સિગ્નલ મળ્યું છે.