અઢી વર્ષ પહેલાં મલાડની એક સ્કૂલમાં આમલેટ ખાવાની ના પાડનાર ૧૭ વર્ષના ગુજરાતી ટીનેજરને બે સાથી સ્ટુડન્ટ્સે પ્રાઇવેટ પાર્ટમાં માર મારીને ગંભીર જખમી કર્યો હતો : સ્કૂલના શિક્ષકોએ કોઈ જ પગલાં ન લેતાં પોલીસે હમણાં તેની કમ્પ્લેઇન નોંધી પણ હજી ઍક્શન નથી લેવાઈ
Mumbai News
પ્રતિકાત્મક તસવીર
મુંબઈ : મલાડની એક સ્કૂલમાં દસમા ધોરણમાં ભણતા બ્રાહ્મણ વિદ્યાર્થીને બીજા વિદ્યાર્થીઓએ જબરદસ્તી આમલેટ ખવડાવતાં તે વિદ્યાર્થીએ એનો વિરોધ કર્યો હતો. એટલે સ્કૂલના બે વિદ્યાર્થીઓએ તેને પ્રાઇવેટ પાર્ટ્સમાં માર માર્યો હતો. એ મારને કારણે વિદ્યાર્થીને સર્જરી પણ કરાવવી પડી હતી. નવાઈની વાત એ હતી કે વિદ્યાર્થીના પરિવારજનો સ્કૂલમાં માર મારનાર બે સ્ટુડન્ટ્સની ફરિયાદ કરવા ગયા ત્યારે સ્કૂલના શિક્ષકોએ કોઈ પગલાં લીધાં નહોતાં. અંતે પરિવારજનો પોલીસ પાસે ગયા હતા અને ત્રણ વર્ષની ભાગાદોડી બાદ સોમવારે દિંડોશી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.
મલાડ-ઈસ્ટમાં પંડિત સૉલિસિટર રોડ પરની એક સોસાયટીમાં રહેતાં સોનલ મહેતાએ કરેલી ફરિયાદ અનુસાર તેમના દીકરા પ્રથમેશને બાળપણથી ડિસગ્રૅફિયા બીમારી છે. આ બીમારીને કારણે સામાન્ય માણસ જેવી તાકાત તેનામાં નથી હોતી. ૨૦૧૯ની ૧૯ નવેમ્બરે મલાડની શેઠ જુગ્ગીલાલ પોદાર સ્કૂલમાં નવમા ધોરણમાં ભણતા તેની સાથેના મિત્તલ અને પ્રવીણએ (બન્નેના નામ બદલ્યા છે)તેને જબરદસ્તી આમલેટ ખવડાવવાની કોશિશ કરી હતી. ત્યારે પ્રથમેશે તેને કહ્યું હતું કે હું બ્રાહ્મણ છું. ત્યારે બન્નેએ કહ્યું હતું કે તું બ્રાહ્મણ નહીં, અછૂત અને ભિક્ષુક છે. આ વાતથી થયેલા ઝઘડામાં મિત્તલે પ્રથમેશને પ્રાઇવેટ પાર્ટ પર માર માર્યો હતો. એ પછી પ્રથમેશને બન્નેએ ધમકી પણ આપી હતી. સ્કૂલમાંથી ઘરે આવતાં પ્રથમેશને એકાએક પેટમાં અને પ્રાઇવેટ જગ્યાએ દુખાવો ઊપડ્યો હતો. એ પછી તેને ફૅમિલી ડૉક્ટર પાસે લઈ જતાં સોનોગ્રાફી કઢાવવા માટે કહ્યું હતું, જેમાં તેને ગંભીર ઈજા થઈ હોવાનું દેખાતાં તેની સર્જરી ડિસેમ્બર મહિનામાં કરવામાં આવી હતી.
સોનલ મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એ સર્જરી પછી પણ મારા દીકરાને કેટલાક મહિના દુખાવો રહ્યો હતો. પરીક્ષા વખતે પણ તેને બહુ જ પરેશાની થઈ હતી. એ પછી સ્કૂલમાં મેં ફરિયાદ કરતાં તેમણે મારા દીકરાને માર મારનાર વિદ્યાર્થીઓ પર કોઈ પ્રકારની ઍક્શન લીધી નહોતી. અંતે મેં પોલીસમાં ફરિયાદ કરી હતી. જોકે વચ્ચે કોવિડનો સમય હોવાથી મારી ફરિયાદ નહોતી થઈ શકી, પણ મેં અને મારા ભાઈએ પોલીસ પાસે કાર્યવાહી અંગે નિયમિત માગણી કરતાં સોમવારે મારા દીકરાને મારનાર સામે ફરિયાદ નોંધવામાં આવી હતી.’
દિંડોશી પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર જીવન ખરાતનો ‘મિડ-ડે’એ સંપર્ક કરવાની કોશિશ કરતાં તેમણે કહ્યું હતું કે હું રજા પર છું એટલે મને કોઈ માહિતી નથી. અન્ય એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે મારઝૂડ અને ધમકીની ફરિયાદ બન્ને વિદ્યાર્થીઓ સામે નોંધી છે. જોકે હાલમાં તેમની ધરપકડ કરવામાં આવી નથી.’મેહુલ જેઠવા