બૉમ્બે હાઈ કોર્ટના પબ્લિક ઇન્ફર્મેશન ઑફિસરે આરટીઆઇ ઍક્ટ હેઠળ દક્ષિણ મુંબઈમાં કોર્ટના હેરિટેજ બિલ્ડિંગના સ્ટ્રક્ચરલ ઑડિટ વિશે માહિતી આપવાનો ઇનકાર કર્યો છે.
બૉમ્બે હાઈ કોર્ટ
મુંબઈ : બૉમ્બે હાઈ કોર્ટના પબ્લિક ઇન્ફર્મેશન ઑફિસરે આરટીઆઇ ઍક્ટ હેઠળ દક્ષિણ મુંબઈમાં કોર્ટના હેરિટેજ બિલ્ડિંગના સ્ટ્રક્ચરલ ઑડિટ વિશે માહિતી આપવાનો ઇનકાર કર્યો છે. અધિકારીએ જણાવ્યું હતું કે આવી વિગતો જાહેર કરવાથી જજ અને અન્ય અધિકારીઓના જીવ જોખમમાં મુકાશે.
ઍન્વાયર્નમેન્ટલ ઍક્ટિવિસ્ટ ઝોરુ બથેનાએ બૉમ્બે હાઈ કોર્ટનાં મુખ્ય અને ઍનેક્સ બિલ્ડિંગ માટે કરવામાં આવેલાં છેલ્લાં ત્રણ સ્ટ્રક્ચરલ ઑડિટની નકલો માગતી આરટીઆઇ અરજી કરી હતી. ઝોરુ બથેનાએ સાઉથ મુંબઈમાં મલબાર હિલ ખાતે ૧૩૫ વર્ષ જૂના જળાશયના પુનઃનિર્માણને લઈને આ માહિતી માગી હતી.
ઝોરુ બથેનાએ જણાવ્યું હતું કે ‘બીએમસીના દાવા અનુસાર જળાશયનું સમારકામ ન થઈ શકે અને એનું પુનઃનિર્માણ કરવાની જરૂર છે. હાઈ કોર્ટ બિલ્ડિંગ અને બીએમસી હેડક્વૉર્ટર બિલ્ડિંગ પણ એક સદી જૂનું છે, પરંતુ એ રિપેર થઈ રહ્યું છે.’
ઝોરુ બથેનાએ બીએમસી બિલ્ડિંગના સ્ટ્રક્ચરલ ઑડિટ રિપોર્ટ્સ પણ માગ્યા હતા, પરંતુ હાઈ કોર્ટે એનો પણ ઇનકાર કર્યો હતો. હાઈ કોર્ટના પબ્લિક ઇન્ફર્મેશન ઑફિસરે એવું પણ કહ્યું હતું કે ઉપરોક્ત માહિતી ન આપી શકાય, કારણ કે એનો જાહેર હિત સાથે કોઈ સંબંધ નથી.