આ વર્ષે ઘરે-ઘરે લવાતી ગણેશની મૂર્તિ શાડુ માટીની અથવા એન્વાયર્નમેન્ટ ફ્રેન્ડ્લી જ લાવવાના બીએમસીના આદેશને કારણે એના ભાવમાં ડબલથી ત્રણ ગણો વધારો થવાની શક્યતા
ગણપતિબાપ્પા મોંઘા પડવાના
મુંબઈ : મુંબઈગરાના લાડકા ગણપતિબાપ્પાની પ્લાસ્ટર ઑફ પૅરિસ (પીઓપી)ની મૂર્તિને બદલે પર્યાવરણની જાળવણી માટે ઘરે-ઘરે સ્થાપવામાં આવતી ગણેશમૂર્તિ (૪ ફુટ કરતાં નાની) શાડુ માટીની અથવા પર્યાવરણ-પૂરક રૉ મટીરિયલની જ બનાવવી એવો આદેશ બીએમસીએ બહાર પાડ્યો છે. સુપ્રીમ કોર્ટ અને નૅશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશનું પાલન કરીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. બીએમસીના કમિશનર ઇકબાલ સિંહ ચહલે અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે ગુરુવારે વિડિયો કૉન્ફરન્સિંગથી લીધેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
મુંબઈમાં ભાવિકો દ્વારા ઘરમાં સ્થાપવામાં આવતી મૂર્તિનો આંકડો અંદાજે ૨.૫૦ લાખ સુધી પહોંચે છે. બીએમસીએ નિર્ણય લીધો છે એટલે બધાએ એને અનુસરવું પડશે, પણ ઇકૉનૉમિક્સના સાદા નિયમ મુજબ ઓછી સપ્લાય અને વધુ ડિમાન્ડને જોતાં શાડુ માટી કે પછી અન્ય ઇકો-ફ્રેન્ડ્લી મટીરિયલની મૂર્તિના ભાવ આશરે ડબલથી ત્રણગણા વધી શકે છે એવી શક્યતા સાર્વજનિક ગણેશોત્સવ સમન્વય સમિતિના પ્રેસિડન્ટ નરેશ દહિબાવકરે વ્યક્ત કરી હતી. જોકે સમિતિ દ્વારા બીએમસીને કેટલાંક સૂચનો પણ કરાયાં છે કે શાડુ માટીની જેમ પર્યાવરણ-પૂરક વધુ ને વધુ પર્યાય મળે તો એના ભાવ પણ નિયંત્રણમાં રાખી શકાય અને લોકોને વધુ ચૉઇસ પણ મળી શકે એટલે એના પર પણ કામ થવું જોઈએ.
નરેશ દહિબાવકરે આ વિશે માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે પણ પર્યાવરણ-પૂરક મૂર્તિ બનાવવા માગીએ છીએ, પણ એ માટે સ્ટેપ બાય સ્ટેપ જો પગલાં લેવાયાં હોત તો વધુ સારું થયું હોત. હવે શું થશે કે શાડુ માટીની મૂર્તિ જે પહેલાં ૨,૫૦૦ રૂપિયામાં મળતી હતી એ હવે ૬,૦૦૦ રૂપિયા કે એનાથી પણ મોંઘી મળશે. વળી એ બનાવવામાં વાર લાગે છે. એટલા પ્રમાણમાં કારીગરો પણ મળવા જોઈએ. આ બધાં પાસાંઓનો વિચાર કરતાં ડિમાન્ડ સામે દેખીતી રીતે સપ્લાય ઓછી રહેવાની જેની સીધી અસર એની કિંમત પર પડશે.’
ADVERTISEMENT
વર્ષોથી શાડુ માટીની મૂર્તિ બનાવતા ઘાટકોપર-ઈસ્ટના નીલકંઠ રાજમે આ મુદ્દે કહ્યું હતું કે ‘શાડુ માટીની મૂર્તિ બનાવવી એ કલા છે. માટી તો ગુજરાતમાંથી જોઈએ એટલી મળી રહે, પણ એમાંથી મૂર્તિ બનાવતા કલાકારો ઓછા હોય છે અને એ મૂર્તિ બનાવવામાં સમય વધુ લાગે છે. એની પ્રોસેસ લાંબી છે. એથી એનું પીઓપીની જેમ માસ પ્રોડક્શન નથી થઈ શકતું. જો પીઓપીમાં સાંચામાં ઢાળીને બે દિવસમાં ૨૦ મૂર્તિ બને તો એની સામે શાડુ માટીની મૂર્તિ બે દિવસમાં એક જ બનાવી શકાય. એથી એટલો વધારે સમય લાગે અને પ્રોડક્શન ઓછું થાય. હવે જ્યારે બે લાખ મૂર્તિ એવી બનાવવાની હોય તો એ ટાર્ગેટને પહોંચી વળવું બહુ મુશ્કેલ છે. વળી શાડુ માટીની મૂર્તિ બને એ પછી એને સુકાતાં આઠથી દસ દિવસ લાગે છે. ત્યાર બાદ એને પૉલિશ કરીને રંગકામ થઈ શકે. પીઓપીની મૂર્તિ ત્રણ દિવસમાં સુકાઈ જાય છે. આમ એનો એ પિરિયડ પણ ઓછો હોય છે. વળી શાડુ માટીની મૂર્તિ લાંબો સમય રહે તો એમાં તડ પડતી જાય છે. એ ફરી રિપેર કરવી પડે અને ત્યાર બાદ ફરી રંગકામ કરવું પડે. આમ એ લાંબી પ્રોસેસ છે. બીજું, પીઓપીની મૂર્તિ મોટા ભાગે રેડીમેડ બની શકે છે, જ્યારે શાડુ માટીની મૂર્તિમાં મૂર્તિ સહિત એના અંલકારો, નજાકત જેવી બાબતો હાથથી જ તૈયાર કરીને સજાવવાની હોય છે. એ બહુ ડેલિકેટ કામ હોય છે. એમાં ખાસ કલાકારો જ જોઈએ જેમની સંખ્યા પણ ઓછી છે. આમ લાંબી પ્રોસેસ, ઓછા કલાકારો, વધુ ડિમાન્ડ જોતાં ભાવમાં વધારાની શક્યતા છે જ. કેટલાક લોકો જે આને બિઝનેસ જ ગણે છે તેઓ એને એન્કૅશ કરશે.’
ટિશ્યુ પેપરમાંથી, પેપર-મૅશમાંથી ગણપતિની મૂર્તિ બનાવતા રાજેશ મયેકરે કહ્યું હતું કે ‘આ નિર્ણય બીએમસીએ હમણાં લીધો છે. જોકે હવે સમય બહુ ઓછો છે. પંદર દિવસમાં તો વરસાદ આવી જશે. શાડુ માટીની મૂર્તિ સુકાવામાં ટાઇમ લાગતો હોય છે. એથી ૨.૫૦ લાખ જેટલી મૂર્તિઓ બનાવી શકાશે કે કેમ એ વિશે ડાઉટ છે. પીઓપી બંધ થતાં શાડુ માટી, પેપર-મૅશ જેવા વિવિધ પર્યાયો ધરાવતી મૂર્તિની કિંમત વધશે એમાં બે મત નથી. કેટલાક લોકો તો વળી મોંમાગ્યા પૈસા પણ પડાવી શકે છે. પેપર-મૅશ, નાળિયેરની છાલમાંથી પણ ગણેશજીની પ્રતિમા બનાવી શકાય. અમે આ વર્ષે નિર્માલ્ય (ભગવાનને ચડાવેલાં હાર-ફૂલ)માંથી મૂર્તિ બનાવી રહ્યા છીએ, પણ એ આટલા મોટા પ્રમાણમાં ન બની શકે. એથી ડેફિનેટલી મૂર્તિના ભાવ વધશે અને ગણેશભક્તોએ તેમનું બજેટ વધારવું પડશે.’