શાળાના હોલમાં યોજાયેલા આ બે દિવસીય પ્રદર્શનમાં લગભગ ૪૦૦થી ૫૦૦ લોકો સહભાગી થયા હતા.
પ્રદર્શન સમયની તસવીર
અખંડ ભારતના શિલ્પકાર સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૬મી જન્મજયંતી નિમિત્તે પંચવટી એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત નાશિકની એકમાત્ર ગુજરાતી શાળામાં સરદારના હાથે લખાયેલા પત્રો અને તેમની દુર્લભ તસવીરોનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. ઉપરાંત એકતા દોડનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એડિશનલ કલેક્ટર દત્તાપ્રસાદ નડેએ દોડને લીલી ઝંડી બતાવી શરૂઆત કરી હતી.
ADVERTISEMENT
સદર એકતા દોડનું રવિવારે કારંજાથી નિમાણી - શ્રી રામ વિદ્યાલય વાયા શ્રી પંચવટી એજ્યુકેશન સોસાયટી, પંચવટીની આર. પી. વિદ્યાલય, નાસિકના પ્રાંગણમાં સમાપન થયું હતું. દોડ બાદ સરદાર વલ્લભભાઈ પટેલના હસ્તાક્ષરવાળા અસલ પત્રો તેમ જ દુર્લભ ફોટોગ્રાફ્સના પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગાંધી પરિવારના વંશજ કુમાર ગાંધી અને ફિલ્મ નિર્માતા દેવેન કાપડનીસ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ સંદર્ભે વાત કરતાં પંચવટી એજ્યુકેશન સોસાયટીના સેક્રેટરી દેવેન્દ્રભાઈ પટેલે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને જણાવ્યું કે “સરદાર વલ્લભભાઈ પટેલે દેશને એકતાના તાંતણે બાંધવાનો જે સંકલ્પ કર્યો હતો, તે આજની પેઢી સુધી પહોંચે તે જરૂરી છે. આ દોડ બાદ સરદાર વલ્લભાઈ પટેલના જૂના ફોટા અને પત્રો જેનું જતન સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે, તેનું પ્રદર્શન પણ રાખવામાં આવ્યું હતું.”
પ્રદર્શન બાબતે વાત કરતાં શાળાના લાઇબ્રેરિયન દેવેન્દ્ર પંડયાએ જણાવ્યું કે “સામળદાસ ગાંધીએ જુનાગઢમાં જ્યારે આરઝી હૂકુમત સ્થાપન કરી હતી, ત્યારે સરદાર પટેલે તેમને સહકાર આપ્યો હતો. જૂનાગઢ જ્યારે ભારતમાં સામેલ થયું તે સમયે સરદાર વલ્લભભાઈ પટેલે સામળદાસ ગાંધીને લખેલા પત્રો પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા હતા.”
ઉલ્લેખનીય છે કે શાળાના હોલમાં યોજાયેલા આ બે દિવસીય પ્રદર્શનમાં લગભગ ૪૦૦થી ૫૦૦ લોકો સહભાગી થયા હતા.