આવો છે એપીએમસીનો અજબ કારભાર : ચૅરમૅન ગોવિંદા માટે ગામ ગયા તો તેમની સહી કરાવવા ૯૬૦ કિલોમીટરનો પ્રવાસ કરીને કર્મચારીઓએ જવું પડ્યું
એપીએમસીના ચૅરમૅન અશોક ડક.
મુંબઈ ઃ મુંબઈ એપીએમસીના અજબ કારભારનો એક કિસ્સો હાલમાં બહાર આવ્યો છે. મુંબઈ એપીએમસીના ચૅરમૅન અશોક ડક બરાબર ગોપાલકાલાના આગલા દિવસે અચાનક બીડના માસલગાંવ ચાલ્યા ગયા. જોકે અનેક મહત્ત્વના ચેક પર તેમણે સહી કરવાની બાકી હતી એથી જ્યારે તેમના ઑફિસરે તેમને એ વિશે કહ્યું ત્યારે તેમણે ઑફિસરને ચેકબુક લઈને ગામ આવી જવા કહ્યું અને ત્યાં સહી કરી આપી. જોકે એ માટે ઑફિસરે ૯૬૦ કિલોમીટરનો પ્રવાસ કરવો પડ્યો હતો. ઑફિસર ગોપાલકાલાના દિવસે અહીંથી પ્રવાસ કરી માસલગાંવ ગયા, ત્યાં સાહેબની સહી લીધી અને તરત જ ત્યાંથી વળતો પ્રવાસ કરી ગઈ કાલે સવારે પાછા નવી મુંબઈ આવી ગયા હતા.
મુંબઈ એપીએમસીના કારભાર હેઠળ અનેક લોકોને પેમેન્ટ કરવાનું હોય છે, જેમાં સિક્યૉરિટી કૉન્ટ્રૅક્ટર (અંદાજે ૨૫૦-૩૦૦ સિક્યૉરિટી ગાર્ડ એપીએમસીની પાંચ માર્કેટમાં ફરજ બજાવે છે), સફાઈ કામદાર, પ્રૉપર્ટી ટૅક્સ, પાણીના બિલનું પેમેન્ટ વગેરે એપીએમસીએ કરવાનું હોય છે, જેની કુલ રકમ લાખો રૂપિયામાં થાય છે. કૉન્ટ્રૅક્ટરોએ તો તેમના સ્ટાફને સમયસર પગાર ચૂકવવાનો જ હોય છે, એથી એનું નિયમિત સમયસર પેમેન્ટ કરવાનું હોય છે અને એના ઇશ્યુ કરવામાં આવતા ચેક પર ચૅરમૅન અશોક ડકની સહી હોવી જરૂરી હોય છે. જોકે અનેક ચેક ઇશ્યુ કરવાના બાકી હતા અને અશોક ડક અચાનક બીડ જિલ્લાના માસલગાંવ ચાલ્યા ગયા હતા. જ્યારે આ બાબતની જાણ તેમના ઑફિસરને થઈ ત્યારે તેમણે અશોક ડકને કહ્યું કે તેમની સહી જરૂરી છે, નહીં તો એ ચેક ઇશ્યુ નહીં કરી શકાય. ત્યારે તેમણે ઑફિસરને કહ્યું કે અહીં આવીને સહી લઈ જાઓ. એથી ઑફિસર અને અન્ય એક કર્મચારી એ ચેકબુક લઈને બાય રોડ માસલગાંવ પહોંચ્યા, તેમની સહી લીધી ગઈ કાલે સવારે પાછા નવી મુંબઈ આવી ગયા હતા.
આ બાબતે જ્યારે એપીએમસીના એક ઑફિસરનો સંપર્ક કરી વિગત જાણવાની કોશિશ કરી ત્યારે તેમણે નામ ન આપવાની શરતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ચેક પર સહી લેવી એ એક રૂટીન પ્રોસેસ છે, પણ આ વખતે સાહેબ (અશોક ડક)ને પારિવારિક સમસ્યા આવી જતાં તેઓ અચાનક ગામ ચાલ્યા ગયા હતા. જોકે ચેક પર તેમની સહી જરૂરી હતી, કારણ કે હાલ તહેવારો ચાલી રહ્યા છે ત્યારે લોકોને પગાર મોડો મળે એ ન ચાલી શકે, માટે અમે તેમને એ બાબતે પૂછ્યું તો તેમણે કહ્યું કે અહીં આવીને સહી લઈ લો. એથી અમે તેમના ગામ જઈને ચેક પર તેમની સહી લઈ આવ્યા હતા.’