વિરોધ પક્ષોએ માગણી કરતાં નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં જવાબ આપ્યો
Maharashtra
ગઈ કાલે વિલે પાર્લે (પૂર્વ)માં ઉદ્ધવ ઠાકરે ગ્રુપના શિવસેનાના કાર્યકરોએ કિરીટ સોમૈયાની ખિલાફ જૂતા મારો આંદોલન કર્યું હતું. ઐશ્વર્યા દેવધર
મુંબઈ ઃ બીજેપી નેતા કિરીટ સોમૈયાનો વાંધાજનક વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો એનો મુદ્દો ગઈ કાલે રાજ્યની વિધાનસભાના ચોમાસુ સત્રના બીજા દિવસે વિરોધ પક્ષોએ ખૂબ ઉછાળ્યો હતો અને આ મામલે સરકારને સ્પષ્ટતા કરવાની માગણી કરી હતી. સામે પક્ષે કિરીટ સોમૈયાએ આ વિડિયોની તપાસ કરવાની માગણી કરતો પત્ર નાયબ મુખ્ય પ્રધાન અને ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને લખ્યો હતો. આથી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે આ મામલાની ઉચ્ચ સ્તરની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે.
દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભાના સત્રમાં કહ્યું હતું કે ‘અહીં જે વિષય માંડવામાં આવ્યો છે એ ગંભીર છે. રાજકારણમાં અનેક પ્રસંગ આવતા હોય છે. મારું કહેવું છે કે ફક્ત આરોપ નહીં કરો, જો તમારી પાસે કોઈ પુરાવા હોય તો મને આપો. ખોટું થયું હોવાનું પુરવાર થશે તો કોઈને પણ છોડવામાં નહીં આવે. આ મામલાની વરિષ્ઠ સ્તરે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. કોઈ પણ પ્રકરણને દબાવવામાં નહીં આવે.’
વિધાન પરિષદમાં વિરોધ પક્ષના નેતા અંબાદાસ દાનવેએ ગઈ કાલે કિરીટ સોમૈયાના વાઇરલ થયેલા વિડિયોનો મુદ્દો માંડ્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘કેટલાક લોકો ઈડી અને સીબીઆઇના માધ્યમથી વિરોધ પક્ષના નેતાઓને ડરાવે છે અને બીજી બાજુ પોતાની કેન્દ્રીય યંત્રણામાં ઓળખાણ હોવાનું કહીને મહિલાઓનો સંપર્ક કરતા હોવાનું સામે આવ્યું છે. મહિલાઓને વિવિધ લાલચ આપવામાં આવે છે. મને કેટલીક મહિલાઓએ માહિતી આપી છે. આઠ કલાકનો વિડિયો મારી પાસે છે. આ વ્યક્તિ ખંડણી માગે છે. રાજ્ય સરકાર આ કિરીટ સોમૈયાને સુરક્ષા આપશે? હું તેની પેન ડ્રાઇવ તમને આપું છું. આટલું થયા બાદ પણ તે મુંબઈ પોલીસને પત્ર લખીને તપાસ કરવાની માગણી કરે છે.’
ગઈ કાલે કિરીટ સોમૈયાએ ટ્વીટ કરીને સ્પષ્ટતા કરી હતી કે મારા દ્વારા કોઈ પણ મહિલા પર અત્યાચાર કરવામાં નથી આવ્યો. હું રાજ્યના ગૃહ પ્રધાનને વિનંતી કરું છું કે આ પ્રકરણની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ.’
ADVERTISEMENT
ઠાકરે જૂથે પણ આપ્યો સ્પીકરની નોટિસનો જવાબ
અપાત્રતા બાબતે રાજ્યસભાના સ્પીકર રાહુલ નાર્વેકરે શિવસેનાનાં બંને જૂથના ૫૬ વિધાનસભ્યોને ૧૪ દિવસમાં જવાબ નોંધાવવાની નોટિસ થોડા દિવસ પહેલાં મોકલી હતી. એકનાથ શિંદે જૂથના ૪૦ વિધાનસભ્યોએ જવાબ નોંધાવ્યા બાદ ગઈ કાલે ઉદ્ધવ ઠાકરે જૂથના ૧૬ વિધાનસભ્યોએ પણ નોટિસનો જવાબ સ્પીકરને મોકલાવ્યો હતો.
ગમે એટલું ખોખાં-ખોખાં કરો, સરકાર સ્થિર
રાજ્યની વિધાનસભાનું ચોમાસુ સત્ર સોમવારે થયું ત્યારથી વિરોધીઓ દ્વારા ૫૦ ખોકે, એકદમ ઓકેનો સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. આ વિશે એકનાથ શિંદે જૂથની શિવસેનાના વિધાનસભ્ય સંજય શિરસાટે ગઈ કાલે કહ્યું હતું કે ‘વિરોધીઓ પાસે બોલવાનું કંઈ બાકી જ નથી રહ્યું. આથી તેઓ સતત આવો સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. તમે ગમે એટલા ખોકે, બોકે કરો, પણ સરકાર સ્થિર છે. વિરોધીઓએ ધ્યાન રાખવું જોઈએ કે તેઓ બીજાઓ પર શું આરોપ કરી રહ્યા છે.’
નોંધઃ કિરીટ સોમૈયા સામેની વિડિયો ટેપ્સને ‘મિડ-ડે’એ સ્વતંત્ર રીતે તપાસી નથી. આ રિપોર્ટ વિધાનભવનમાં થયેલી કાર્યવાહીના આધારે બનાવવામાં આવ્યો છે.