Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈ-અમદાવાદ હાઇવે પર રસ્તાના ક્રૉન્ક્રીટીકરણના કરોડો રૂપિયા માથે પડ્યા

મુંબઈ-અમદાવાદ હાઇવે પર રસ્તાના ક્રૉન્ક્રીટીકરણના કરોડો રૂપિયા માથે પડ્યા

Published : 26 August, 2024 07:01 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નાયગાંવ-વિરાર વચ્ચે નવા બાંધવામાં આવેલા કૉન્ક્રીટના હાઇવે પર પણ ખાડા અને તિરાડો પડ્યાં: ભારે ટ્રાફિક જૅમથી મોટરિસ્ટો પરેશાનઃ ખરાબ બાંધકામ માટે રસ્તા બાંધનારા કૉન્ટ્રૅક્ટરો સામે કાર્યવાહીની માગણી

નવા કૉ‌ન્ક્રીટ રોડ પર મોટી તિરાડો પડી ગઈ છે.

નવા કૉ‌ન્ક્રીટ રોડ પર મોટી તિરાડો પડી ગઈ છે.


દેશના સૌથી વ્યસ્ત એવા મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે-48ના નાયગાંવ-વિરાર સેક્શનમાં હાલમાં જ જે કૉન્ક્રીટના રોડ બાંધવામાં આવ્યા છે એમાં ખાડા પડી ગયા છે અને તિરાડો દેખાવવા માંડી છે એથી મોટરિસ્ટોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિસ્તારમાં ખાડાના કારણે ભારે ટ્રાફિક જૅમ થઈ રહ્યો છે. મોટરિસ્ટો હાઇવેના ખરાબ બાંધકામ માટે કૉન્ટ્રેક્ટરો અને હાઇવે સત્તાવાળાઓ સામે રોષે ભરાયા છે. આ બાંધકામમાં હલકા દરજ્જાનું મટીરિયલ વાપરવામાં આવ્યું હોવાનો આરોપ મૂકવામાં આવી રહ્યો છે.


આ હાઇવે પર વર્સોવા બ્રિજથી મહારાષ્ટ્ર-ગુજરાત બૉર્ડરના આચ્છાડ સુધી ૫૫૩ કરોડ રૂપિયાના ખર્ચે વાઇટ ટૉપિંગ પ્રોજેક્ટ હાથ ધરાયો છે. કેન્દ્ર સરકારની હાઇવે બનાવતી એજન્સી નૅશનલ હાઇવેઝ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (NHAI)એ આ કામ હાથ ધર્યું છે.



આ કામ હાલમાં થઈ રહ્યું હોવાથી નૅશનલ હાઇવે-48 પરથી પસાર થતા મોટરિસ્ટોને ભારે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. ઠેર-ઠેર સવાર અને સાંજના ધસારાના સમયે ટ્રાફિક જૅમ થાય છે. સોશ્યલ મીડિયામાં પણ આ મુદ્દે લોકો તેમનો રોષ વ્યક્ત કરી રહ્યા છે, કારણ કે તેમનો સમય અને નાણાં બેઉ વેડફાય છે.


ગઈ કાલે આ હાઇવે પર વર્સોવા બ્રિજથી વિરાર ફાટા સુધીના પ્રવાસમાં ઠેર-ઠેર કન્સ્ટ્રક્શન થઈ રહેલું જોવા મળ્યું હતું અને નવા બંધાયેલા કૉન્ક્રીટના રોડ પર ખાડા અને તિરાડો જોવા મળતી હતી. ઘણી જગ્યાએ રોડ પરની સિમેન્ટ ઊખડી જતાં રોડ પણ અસમથળ થઈ ગયો છે, જેના કારણે અકસ્માતો થવાનો ભય રહે છે. ફ્લાયઓવરો પર પણ આવી જ હાલત છે. વાહનોની વચ્ચેથી ટૂ-વ્હીલરોને પસાર થવામાં ભારે તકલીફ પડી રહી છે અને અકસ્માતનો ડર રહે છે.


હાઇવે પર વર્સોવા બ્રિજ પાસે અસમાન થઈ ગયેલો રોડ. 

અધિકારીઓને સસ્પેન્ડ કરો

હાઇવેના બાંધકામમાં વેઠ વાળવામાં આવી રહી છે, એવું જણાવીને મોટરિસ્ટ આનંદ પાટીલે માગણી કરી હતી કે ‘કેન્દ્રીય પરિવહન ખાતાના પ્રધાન નીતિન ગડકરીએ આ માટે NHAIના જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવા જોઈએ અને કૉન્ટ્રૅક્ટરો સામે કાર્યવાહી કરવી જોઈએ. તેમના કૉન્ટ્રૅક્ટ રદ કરવા જોઈએ અને તેમને બ્લૅકલિસ્ટમાં મૂકવા જોઈએ.’ બીજા એક મોટરિસ્ટ આદિત્ય ગુપ્તાએ કહ્યું હતું કે ‘વર્સોવા બ્રિજથી વિરાર વચ્ચે હાઇવેના બાંધકામમાં હલકા મટીરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. શું સરકાર જવાબદાર અધિકારીઓ અને કૉન્ટ્રૅક્ટરો સામે કાર્યવાહી કરશે? કારણ કે આ તો કરદાતાઓના પૈસા વેડફાઈ રહ્યા છે.’ 

Whatsapp-channel Whatsapp-channel

26 August, 2024 07:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK