આંબિવલીમાં રહેતા ઈરાની ચોરોના અડ્ડા પર ત્રાટકવા ૨૬ ઑફિસરની સ્પેશ્યલ સ્ક્વૉડ બનાવીને ૨૭ જેટલા ગુના કરી ચૂકેલા આરોપીને લોકોના વિરોધ અને પથ્થરમારા વચ્ચે જીવના જોખમે પકડીને ‘ઑપરેશન આંબિવલી’ પાર પાડ્યું
આરોપી સાંગાને પકડવા મુંબઈ પોલીસે જીવની બાજી લગાવી દીધી હતી.
મુંબઈમાં વર્ષોથી ચેઇન-સ્નૅચિંગ, પર્સ આંચકી જવું, બનાવટી પોલીસ બની સિનિયર સિટિઝનના દાગીના પડાવી લેવા જેવા અનેક ગુના આચરતી ઈરાની ગૅન્ગ મુંબઈ પોલીસ માટે માથાનો દુખાવો બની ગઈ છે. જોકે એના મેમ્બર એકલદોકલ પકડાતા રહે છે, પણ તેમનો અડ્ડો ગણાતા કલ્યાણ પાસે આવેલા આમ્બિવલી ગામમાં જઈ કોઈ આરોપીને અત્યાર સુધી પોલીસ પકડી શકી નહોતી. જોકે મહારાષ્ટ્ર, ગુજરાત અને યુપીમાં ૨૭ જેટલા ગુના કરી ચૂકેલો રીઢો ગુનેગાર મોહમ્મદ ઝાકિર સૈયદ ઉર્ફ સાંગાને ઝડપી લેવા બોરીવલીની એમએચબી, મલાડ, કાંદિવલી પોલીસના ચુનંદા પોલીસ અધિકારીઓની ૩ ટીમ તેમના અડ્ડા ગણાતા આમ્બિવલીમાં જઈને ઈરાની વસ્તીના પ્રચંડ વિરોધ અને પથ્થરમારા વચ્ચે લડત આપી સાંગાને ઍમ્બ્યુલન્સમાં નાખી મુંબઈ લાવવામાં સફળ રહી છે. જોકે આ ‘ઑપરેશન આમ્બિવલી’ને સફળ બનાવવાના પ્રયાસમાં પોલીસ-કર્મચારીઓ ઘવાયા હતા તથા તેમની ઍમ્બ્યુલન્સ પર પથ્થરમારો થતાં એના કાચ પણ તૂટી ગયા હતા. એમ છતાં પોલીસની ટીમે હાર ન માનતાં ચતુરાઈથી અને જબરદસ્ત હિંમત દાખવી આરોપીને ઝડપી લીધો હતો. ઉચ્ચ અધિકારીઓએ તેમની આ સફળતાની નોંધ લઈને તેમને બિરદાવ્યા હતા.
આ ઈરાનીઓ વર્ષો પહેલાં નિરાશ્રિત બનીને અહીં આવ્યા હતા અને ખુલ્લામાં તંબુમાં પડાવ નાંખીને રહેતા હતા. ચોરી, લૂંટ, છેતરપિંડી, ચેઇન સ્નેચિંગ જેવા ગુનાઓ કરીને જ તેઓ તેમનો જીવનનિર્વાહ કરે છે. આ પહેલાં પણ પોલીસે તેમના ગામમાં જઈ આરોપીઓને ઝડપી લેવાના પ્રયાસ કર્યા હતા, પણ એ બધા જ નિષ્ફળ નીવડતા હતા. તેમના પરિવારની મહિલાઓનો પણ તેમને સપોર્ટ હોય છે. બીજું, ગામમાં જવાનો માત્ર એક જ રસ્તો છે અને એ નદી પરનો બ્રિજ વટાવીને જ ગામમાં આવી શકાય છે, એથી એ નદી પાસે તેમણે તેમના ખબરી ગોઠવી દીધા હોય છે. ગામની બહારનો કોઈ પણ માણસ, કાર કે અન્ય ગાડી આવે તો આખા ગામમાં એની તરત જ જાણ કરી દેવામાં આવે છે અને આરોપીઓ અલર્ટ થઈ જાય છે. આરોપીને પકડવા ગયેલી પોલીસ સામે મહિલાઓ અને બાળકોને ઊભાં કરી દેવામાં આવે છે અને તેમના પર ચારે તરફથી પથ્થરમારો કરવામાં આવે છે. ઘણી વાર તો એ મહિલાઓ લાજશરમ નેવે મૂકીને પોલીસ અધિકારીઓને આગળ વધતાં રોકવા માટે તેમને રીતસરની ભેટી પડે છે. આમ ભૂતકાળના અનેક પ્રયાસ નિષ્ફળ રહ્યા હતા.
ADVERTISEMENT
‘ઑપરેશન આમ્બિવલી’ વિશે માહિતી આપતાં એમએચબી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર સુધીર કુડાળકરે કહ્યું હતું કે ‘અમે આ વખતે સંપૂર્ણ પ્લાનિંગ કર્યું હતું. કુલ ૨૬ પોલીસ કર્મચારીઓની ૩ ટીમ બનાવી હતી અને બે ઍમ્બ્યુલન્સ અને બે પ્રાઇવેટ કારમાં એ ટીમ ત્યાં પહોંચી હતી. પાકી માહિતી હતી કે સાંગા તેમના ગઢ ગણાતા આમ્બિવલીની ઈરાની વસ્તીમાં આવેલી મસ્જિદ પાસેની ચાની ટપરી પર આવવાનો છે. ત્રણે ટીમ અલગ-અલગ મોરચો સંભાળીને ગોઠવાઈ ગઈ હતી. જેવો સાંગા ત્યાં આવ્યો કે તરત જ અમારી એક ટીમે તેના પર ઝડપ નાંખી હતી, પણ તે છટકી ગયો અને પોલીસ-પોલીસની બૂમો પાડતો નાસવા માંડ્યો. પોલીસનું નામ સાંભળતાં જ હોબાળો મચી ગયો અને ગલીઓમાં લોકો આવવા માંડ્યા. તેઓ અમારી ટીમનો રસ્તો રોકવા માંડ્યા અને તેમના પર પથ્થરમારો શરૂ કર્યો. એ વખતે અમારી પ્રાઇવેટ કાર એ ગલીમાં સામેથી ધસી આવી અને સાંગાને જવાનો મોકો ન મળતાં અમારા પોલીસ કર્મચારીઓએ તેને પકડી લીધો.’
આ પણ વાંચો : 10 ફેબ્રુઆરીએ મુંબઈની મુલાકાતે આવશે PM નરેન્દ્ર મોદી, મુંબઈ પોલીસ સતર્ક
એ પછી પોલીસ પર જોરદાર હુમલો થયો અને પોલીસ તેને કઈ રીતે પકડીને મુંબઈ લાવી એ વિશે વધુ માહિતી આપતાં સુધીર કુડાળકરે કહ્યું હતું કે ‘લોકો એ ગલીમાં ધસી આવ્યા હતા અને અમારી પોલીસટીમ પર હુમલો કરીને સાંગાને છોડાવી લેવા માટે તેમણે પ્રયાસ કરવા માંડ્યા હતા. એ વખતે અમારી ત્રણેય ટીમ એકસાથે થઈ ગઈ અને એ લોકો પર રીતસરની લાઠી લઈને ટૂટી પડી. જે પોલીસ કર્મચારીઓએ સાંગાને પકડ્યો હતો તેઓ તેને લઈને અમારી ઍમ્બ્યુલન્સ તરફ આગળ વધી રહ્યા હતા. જોકે તે લોકોને ખ્યાલ આવી ગયો કે ઍમ્બ્યુલન્સ પોલીસની જ છે એથી તેમણે ઍમ્બ્યુલન્સ પર પથ્થરમારો કર્યો એટલે ઍમ્બ્યુલન્સને આગળ લઈ જવી પડી. હવે અંતર વધી ગયું હતું છતાં અમારા પોલીસ કર્મચારીઓએ હિંમત ન છોડી. ચારેબાજુથી પથ્થરમારો અને ગોકીરો થઈ રહ્યો હોવા છતાં અમારી ટીમ આરોપીને ૮૦૦ મીટર સુધી ઢસડી લાવી. એ વખતે અમારી નાની ઍમ્બ્યુલન્સ ત્યાં આવી પહોંચી એટલે આરોપી સાંગાને એમાં નાંખી અમારા કર્મચારીઓ પણ તેની સાથે ગોઠવાઈ ગયા. ચારેબાજુથી પથ્થરમારો થતો હોવાથી અમારા પોલીસ કર્મચારીઓ જખમી થયા હતા અને તેમને લોહી પણ નીકળતું હતું છતાં આરોપીને પકડવો જ છે એવા જોરદાર ઇરાદા સાથે નીકળેલી ત્રણેય ટીમ ત્યાર બાદ બે ઍમ્બ્યુલન્સ અને કારમાં તેને લઈને પાછી ફરી હતી.’