Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ડોન્ટ પૅનિક, બી અલર્ટ

ડોન્ટ પૅનિક, બી અલર્ટ

Published : 07 January, 2025 06:52 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચીનમાં ફેલાઈ રહેલા HMPVનો ભારતમાં પ્રવેશ : બે કેસ બૅન્ગલોરમાં નોંધાયા બાદ અમદાવાદમાં પણ એક કેસ રજિસ્ટર થયો : મહારાષ્ટ્રમાં હજી એકેય કેસ નથી આવ્યો, પણ સાવચેતી માટે રાજ્ય સરકારે લોકોને ઍડ્વાઇઝરીનું પાલન કરવાની તાકીદ કરી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ચીનમાં ઝડપથી ફેલાઈ રહેલા HMPV (હ્યુમન મેટાન્યુમોવાઇરસ)એ ભારતમાં પહેલાં બૅન્ગલોર અને ગઈ કાલે અમદાવાદમાં એન્ટ્રી મારી હતી. બૅન્ગલોરમાં બે અને અમદાવાદમાં આ વાઇરસથી સંક્રમિત એક દરદી મળી આવ્યો છે. આ વાઇરસ મહારાષ્ટ્રમાં ન ફેલાય એ માટે સરકારે ગઈ કાલે ઍડ્વાઇઝરી જાહેર કરી હતી, જેમાં રાજ્યના નાગરિકોની સાથે દરેક જિલ્લાના પ્રશાસનને ઍડ્વાઇઝરીનું યોગ્ય રીતે પાલન કરવાનું કહેવામાં આવ્યું છે.


રાજ્યના આરોગ્ય વિભાગના ડિરેક્ટર ડૉ. નીતિન અંબાડેકરે ગઈ કાલે કહ્યું હતું કે ‘આ એક સામાન્ય વાઇરસ છે જેનું સંક્રમણ થયા બાદ શરદી અને કફ થાય છે. રાજ્યમાં હજી સુધી આ વાઇરસનો કોઇ મામલો નથી નોંધાયો, પણ શરદી અને કફના દરદીઓ પર ચાંપતી નજર રાખવા માટે દરેક જિલ્લાના આરોગ્ય વિભાગને સતર્ક રહેવાનું કહી દેવામાં આવ્યું છે. રાજ્યના સાર્વજનિક આરોગ્ય વિભાગે શ્વસનના સંસર્ગના આંકડાનું વિશ્લેષણ કર્યું છે જેમાં ૨૦૨૩ની તુલનામાં ડિસેમ્બર ૨૦૨૪ના સમયમાં કોઈ વધારો ન થયો હોવાનું જણાયું છે. સાવચેતી તરીકે નાગરિકોએ શ્વસનના સંસર્ગથી બચવા માટે શું કરવું અને શું ન કરવું એની સૂચના જાહેર કરી છે.’



શું કરવું?
* ખાંસી કે છીંક આવે ત્યારે મોઢા પર રૂમાલ કે ટિશ્યુ રાખો
* પાણી, સાબુ કે સૅનિટાઇઝરથી હાથ વારંવાર ધુઓ
* તાવ, ખાંસી કે છીંક આવતાં હોય તો સાર્વજનિક જગ્યાએથી દૂર રહો
* ખૂબ પાણી પીઓ અને પૌષ્ટિક આહાર લો
* વાઇરસનું સંક્રમણ ઓછું કરવા માટે પૂરતા વેન્ટિલેશનનું ધ્યાન રાખો


શું ન કરવું?
* એકબીજા સાથે હાથ ન મિલાવવો
* ઉપયોગ કરેલા ટિશ્યુ પેપર કે રૂમાલ ફરી ન વાપરવા
* બીમાર લોકોથી દૂર રહેવું
* આંખ, નાક અને મોઢાને વારંવાર સ્પર્શ ન કરો
* સાર્વજનિક જગ્યાએ થૂંકવું નહીં
* ડૉક્ટરના કન્સલ્ટેશન સિવાય દવા ન લેવી

વાઇરસની કાલ્પનિક માહિતી ન આપતા : દેવેન્દ્ર ફડણવીસ


મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે HMPV વિશે માહિતી આપતાં કહ્યું હતું કે ‘આ વાઇરસથી ગભરાવાની જરૂર નથી. પ્રાથમિક માહિતી મુજબ આ વાઇરસ નવો નથી. અગાઉ પણ આ વાઇરસ ફેલાયો હતો, જેણે ફરી દેખા દીધી છે. આ વાઇરસ સંબંધી કાલ્પનિક માહિતી કોઈ ન આપે. અધિકૃત હોય એ જ માહિતી આપવી.’

Whatsapp-channel Whatsapp-channel

07 January, 2025 06:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK