સુરતથી ચાર કલાક વીસ મિનિટમાં લિવર નાણાવટી હૉસ્પિટલ લાવીને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું
મુંબઈની નાણાવટી મૅક્સ સુપર સ્પેશ્યલિટી હૉસ્પિટલ
મુંબઈ (પી.ટી.આઇ.) ઃ સુરતમાં રહેતા દોઢ વર્ષના બાળકને ઘરમાં પડી ગયા બાદ એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યું ત્યારે ડૉક્ટરોએ તેને બ્રેઇન-ડેડ જાહેર કર્યું હતું. બાળકના પરિવારે તેનું લિવર ડોનેટ કરવાનો નિર્ણય લીધા બાદ એ મુંબઈની એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં સારવાર કરાવી રહેલા ૧૪ વર્ષના નાશિકના કિશોરના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું.
નાશિકના ૧૪ વર્ષના કિશોરને રૅર જિનેટિક ડિસઑર્ડર હોવાથી તેના શરીરમાં વધુ પ્રમાણમાં કૉલેસ્ટોરેલ ઉત્પન્ન થઈ રહ્યું હતું એટલે તેને હાર્ટ-અટૅક આવવાની શક્યતા હતી. તેનું લિવર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની જરૂરિયાત હતી એટલે એપ્રિલ ૨૦૨૨માં કિડની મેળવવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.
ADVERTISEMENT
મુંબઈની નાણાવટી મૅક્સ સુપર સ્પેશ્યલિટી હૉસ્પિટલના જણાવ્યા મુજબ સુરતના ૧૮ મહિનાના બાળકનો પરિવાર અહીંના કિશોરને કિડની ડોનેટ કરવા તૈયાર હોવાની માહિતી મળ્યા બાદ આ પરિવારનો સંપર્ક કરીને લિવર ડોનેટ કરવા માટેની પ્રક્રિયા પૂરી કરવામાં આવી હતી. બાદમાં સુરતથી વિલે પાર્લે સુધીના ૨૮૧ કિલોમીટરનું અંતર ઝડપથી પૂરું કરવા માટે ગ્રીન કૉરિડોર તૈયાર કરાયો હતી. સુરતની હૉસ્પિટલથી અહીંની હૉસ્પિટલ સુધી લિવર ચાર કલાક ૨૦ મિનિટમાં પહોંચાડવામાં આવ્યું હતું.
લિવર અહીંની હૉસ્પિટલમાં પહોંચાડાયા બાદ નાશિકના ૧૪ વર્ષના કિશોરના શરીરમાં એ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. બુધવારે ટ્રાન્સપ્લાન્ટ કરાયા બાદ અત્યારે કિશોરની તબિયત સારી છે.
૧૮ મહિનાનું બાળક ઘરમાં રમી રહ્યું હતું ત્યારે તે માથાભેર પડવાથી તેને ગંભીર ઇન્જરી થવાથી સુરતની પ્રાઇવેટ હૉસ્પિટલમાં તેને ઍડ્મિટ કરવામાં આવ્યું હતું. ડૉક્ટરોએ બાળકના પરિવારને અવયવ ડોનેટ કરવા માટે સમજાવ્યા બાદ તેઓ તૈયાર થયા હતા અને ૧૪ વર્ષના નાશિકના કિશોરને જીવતદાન મળ્યું છે.

