નાશિકના સુરાણા જ્વેલર્સ પરની રેઇડમાં મળી આવી ૨૬ કરોડની કૅશ
નાશિકના જ્વેલર પાસેથી મળી આવેલા ૨૬ કરોડ રૂપિયા.
ઇન્કમ ટૅક્સ (IT) વિભાગે નાશિકના સુરાણા જ્વેલર્સની પેઢી અને તેની રિયલ એસ્ટેટની ઑફિસમાં શુક્રવારે ૫૦ જેટલા અધિકારીઓ સાથે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં ITને ૨૬ કરોડ રૂપિયા કૅશ હાથ લાગ્યા હતા. બધી જ રકમ ૫૦૦ રૂપિયાના બંડલમાં હતી. આથી અધિકારીઓએ પ૦૦ રૂપિયાનાં આ ૫૨૦૦ બંડલ ગણવામાં ૧૪ કલાક લાગ્યા હતા. જ્વેલરનાં સ્થળોએથી આ ઉપરાંત ૯૦ કરોડ રૂપિયાની બિનહિસાબી મિલકત પણ મળી આવી હતી. જ્વેલર પાસે મોટા પ્રમાણમાં કરોડો રૂપિયાની રકમ અને બેનામી સંપત્તિ હોવાની માહિતી મળતાં નાશિક, નાગપુર અને જળગાવના અધિકારીઓએ શુક્રવારે સવારે દરોડો પાડ્યો હતો, જે શનિવારે રાત્રે પૂરો થયો હતો. તેમણે સુરાણા જ્વેલર્સની નાશિકમાં આવેલી રાકા કૉલોની ખાતેના બંગલામાં પણ તપાસ કરી હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી IT વિભાગ મહારાષ્ટ્રમાં સક્રિય થયો છે. થોડા સમય પહેલાં એણે નાંદેડમાં પણ વ્યાપક કાર્યવાહી કરીને ૧૭૦ કરોડ રૂપિયાની બેનામી મિલકત જપ્ત કરી હતી.