મહા વિકાસ આઘાડીએ નૉમિનેટ કરેલા ૧૨ મેમ્બરના લિસ્ટને રદ કરવાના એકનાથ શિંદેની સરકારના નિર્ણયને કાયદેસર ઠેરવ્યો : વિધાન પરિષદના સભ્યોના લિસ્ટ પર મંજૂરીની મહોર ન મારવાનો ગવર્નર ભગત સિંહ કોશ્યારીનો નિર્ણય પણ યોગ્ય હોવાનું કહ્યું
ઉદ્ધવ ઠાકરે
મહા વિકાસ આઘાડીની સરકારમાં ઉદ્ધવ ઠાકરે મુખ્ય પ્રધાન હતા ત્યારે તેમની સરકારે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને વિધાન પરિષદના ૧૨ નૉમિનેટેડ સભ્યોની નિયુક્તિ કરવા માટે લિસ્ટ મોકલી આપ્યું હતું. જોકે ૨૦૨૦માં મોકલવામાં આવેલા આ સભ્યોનાં નામના લિસ્ટ પર રાજ્યપાલે મંજૂરીની મહોર ન મારી હોવાથી ત્યાર બાદ ૨૦૨૨માં આવેલી એકનાથ શિંદેની સરકારે કૅબિનેટની મીટિંગમાં આ યાદી કૅન્સલ કરવાનો નિર્ણય લીધો હતો.
જોકે મહાયુતિ સરકારના આ નિર્ણયને ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના કોલ્હાપુર શહેરના અધ્યક્ષ સુનીલ મોદીએ હાઈ કોર્ટમાં પડકાર્યો હતો. આ યાચિકામાં તેમની મુખ્ય દલીલ એ હતી કે એકનાથ શિંદેની સરકારે કોઈ પણ કારણ આપ્યા વગર યાદી પાછી ખેંચવી ગેરકાયદે છે. જોકે ગઈ કાલે હાઈ કોર્ટે સુનીલ મોદીની આ અરજી ફગાવી દીધી હતી અને મહાયુતિ સરકારમાં કૅબિનેટમાં લેવામાં આવેલા નિર્ણયને પણ કાયદેસર ગણાવ્યો હતો.
ADVERTISEMENT
ગઈ કાલના કોર્ટના ચુકાદા બાદ સુનીલ મોદીએ નારાજગી વ્યક્ત કરીને કહ્યું હતું કે ‘અમે હાઈ કોર્ટના આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવાના છીએ. વિધાન પરિષદના અમારા મેમ્બરોના લિસ્ટ પર મંજૂરીની મહોર રાજ્યપાલે રાજકીય વૈમનસ્યને લીધે નહોતી મારી અને આ વાત અમે કોર્ટને કહેવાના છીએ.’
વિધાન પરિષદના નૉમિનેટેડ સભ્યોને નિયુક્ત કરવાનો અધિકાર રાજ્યપાલને છે. એકનાથ શિંદેની સરકારે વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થવાના ગણતરીના કલાકો પહેલાં ૧૨માંથી ૭ સભ્યોનું લિસ્ટ રાજ્યપાલને મોકલ્યું હતું જેના પર ગવર્નર સી.પી. રાધાકૃષ્ણને મંજૂરીની મહોર મારી હતી. અત્યારે પણ વિધાન પરિષદની પાંચ જગ્યા ખાલી પડી છે.