વન વિભાગે કહ્યું છે કે વિક્રોલીમાં જોવા મળેલું જંગલી પ્રાણી વરુ નહીં પણ સોનેરી શિયાળ હતું.
વિક્રોલીના કન્નમવાર નગરના લોકો આ સોનેરી શિયાળને જંગલી વરુ માનીને ડરી રહ્યા છે.
વિક્રોલી-ઈસ્ટમાં આવેલા કન્નમવાર નગરમાં ગયા બે-ત્રણ દિવસથી જંગલી વરુ જોવા મળ્યું હોવાની માહિતી સ્થાનિક રહેવાસીઓએ મુંબઈ રેન્જ વન વિભાગને આપી હતી. લોકોએ કહ્યું હતું કે આ જંગલી પ્રાણી શ્વાન પર હુમલો કરી રહ્યું છે. જોકે વન વિભાગે કહ્યું છે કે વિક્રોલીમાં જોવા મળેલું જંગલી પ્રાણી વરુ નહીં પણ સોનેરી શિયાળ હતું.
મુંબઈ વન વિભાગના ઑનરરી વાઇલ્ડ લાઇફ વૉર્ડન પવન શર્માએ કહ્યું હતું કે ‘સોનેરી શિયાળ વિક્રોલી-ઈસ્ટ અને કન્નમવાર નગરના ખાડી પાસેના જંગલમાં રહે છે. સોનેરી શિયાળ ક્યારેક માનવવસ્તીમાં આવી પહોંચે છે. આ શિયાળને જોયા બાદ શ્વાન ભસે છે અને ક્યારેક રડે પણ છે, એ જોઈ અને સાંભળીને આસપાસના લોકો સમજે છે કે આ જંગલી વરુ છે એટલે તે શ્વાન પર હુમલો કરે છે. સોનેરી શિયાળ મૅન્ગ્રોવ્ઝ હોય એવી જગ્યાએ રહેનારું સસ્તન પ્રાણી છે. મુંબઈના વેસ્ટર્ન દરિયાઈ પટ્ટો, મધ્ય મુંબઈ અને નવી મુંબઈમાં કેટલોક ભાગ અને થાણેની ખાડી-વિસ્તારમાં આ શિયાળ છેલ્લાં કેટલાંક વર્ષોમાં જોવા મળ્યાં છે. વિક્રોલી, કાંજુરમાર્ગ, કાંદિવલી, ઐરોલી, વિરાર, ચેમ્બુર વગેરે સ્થળોએ સોનેરી શિયાળની વસ્તી હોવાનું જણાઈ આવ્યું છે. સોનેરી શિયાળ વિશે બહુ અભ્યાસ કરવામાં નથી આવ્યો. એ યુરોપ, આફ્રિકા અને એશિયાના કેટલાક દેશોમાં જોવા મળે છે.’