અગિયાર મહિનાથી આ બાબતે ચાલી રહેલા વિવાદનો આજે સુપ્રીમ કોર્ટ આપી શકે છે ફેંસલો
અગિયાર મહિનાથી આ બાબતે ચાલી રહેલા વિવાદનો આજે સુપ્રીમ કોર્ટ આપી શકે છે ફેંસલો
મુંબઈ : ગયા વર્ષના જૂન મહિનાથી ચાલી રહેલા શિવસેનાના સત્તાસંઘર્ષની સુનાવણી સુપ્રીમ કોર્ટની પાંચ જસ્ટિસની ખંડપીઠે ૧૬ માર્ચે પૂરી કરી લીધી હતી અને ચુકાદો અનામત રાખ્યો હતો. સર્વોચ્ચ અદાલત કોના પક્ષે નિર્ણય આપશે એના પર સૌની નજર મંડાયેલી છે ત્યારે ગઈ કાલે ચીફ જસ્ટિસ ધનંજય ચંદ્રચૂડે ૧૧ મેએ એટલે કે આજે ચુકાદો આપવામાં આવશે એમ કહેતાં રાજ્યના રાજકારણમાં ભારે ગરમાટો આવી ગયો છે.
સુપ્રીમ કોર્ટ આજે સવારના ૧૧ વાગ્યે ચુકાદો આપવાની શરૂઆત કરશે એનું લાઇવ ટેલિકાસ્ટ પણ કરવામાં આવશે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સહિતના શિવસેનાના ૧૬ વિધાનસભ્યોનું શું થશે? સુપ્રીમ કોર્ટ આ બાબતે ખુદ ચુકાદો આપશે કે રાજ્યની વિધાનસભાના સ્પીકરને નિર્ણય લેવાની જવાબદારી સોંપશે? આ સિવાય સુપ્રીમ કોર્ટ આ મામલે શું નિરીક્ષણ માંડશે, શું આદેશ આપશે અથવા વ્યાખ્યા બનાવશે એના પર રાજ્યની આગળની રાજકીય હલચાલ નક્કી થશે. આ મુદ્દો મહારાષ્ટ્રના રાજકારણમાં ગેમચેન્જર બની શકે છે.
સ્પીકરને જવાબદારીની શક્યતા
સુપ્રીમ કોર્ટમાં આજે શું ચુકાદો આવશે એ વિશે રાજકીય નિષ્ણાત અભય દેશપાંડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ભારતના બંધારણમાં બધાની ભૂમિકા નક્કી કરવામાં આવી છે. રાજ્ય કે કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટ ડાયરેક્ટ કોઈ આદેશ નથી આપી શકતી, પણ નિર્દેશ આપી શકે છે. આથી મને લાગે છે કે વિધાનસભ્યોની અપાત્રતા બાબતે બંધારણીય ખંડપીઠ કોઈ નિર્ણય લેવાને બદલે રાજ્યની વિધાનસભાના સ્પીકરને અમુક સમયમાં નિર્ણય લેવાની જવાબદારી આપી શકે છે. બીજું, અગાઉની સરકાર વખતે સ્પીકરનું પદ ખાલી હતું એટલે ત્યારે ડેપ્યુટી સ્પીકર નરહરિ ઝિરવાળે જે કોઈ નિર્ણય લીધા હતા એ બંધારણની દૃષ્ટિએ માન્ય નથી. આથી જો સ્પીકરને નિર્ણય લેવાનું કહેવામાં આવશે તો અત્યારે સત્તાધારી પક્ષના સ્પીકર છે એટલે તેઓ સત્તાધારી પક્ષના વિધાનસભ્યોને અપાત્ર નહીં કરે. બીજું, એકનાથ શિંદે સહિતના શિવસેનાના વિધાનસભ્યોના નેતા ઉદ્ધવ ઠાકરેને બદલે હવે એકનાથ શિંદે છે કે નહીં એના પર સુપ્રીમ કોર્ટ શું કહે છે એ મહત્ત્વનું છે. ચૂંટણીપંચે શિવસેના પક્ષ અને ધનુષબાણ એકનાથ શિંદે જૂથને બહુમતીને આધારે ફાળવ્યું છે. હવે સુપ્રીમ કોર્ટ શું કહે છે એના પર નજર રહેશે.’
એકનાથ શિંદે રાજીનામું
નહીં આપે
સુપ્રીમ કોર્ટનો ચુકાદો તરફેણમાં આવે કે વિરોધમાં એકનાથ શિંદે રાજીનામું નહીં આપે એમ ગઈ કાલે નાયબ
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું. તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં
કહ્યું હતું કે ‘કોઈ પણ સંજોગોમાં એકનાથ શિંદે મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું નહીં આપે. આગામી ચૂંટણી પણ તેમની આગેવાનીમાં જ લડવામાં આવશે. અમારી સરકાર સ્થિર છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા પર અત્યારે અંદાજ મૂકવો શક્ય નથી, પણ અમે આશાવાદી છીએ. અમારો કેસ મજબૂત છે. આથી યોગ્ય નિર્ણય જ આવશે એની અપેક્ષા છે. જોકે ચુકાદો જાહેર થાય ત્યાં સુધી આપણે રાહ જોવી જોઈએ. ચુકાદા વિશે અટકળો લગાવવી યોગ્ય નથી.’
...તો ઉદ્ધવ ઠાકરે ફરી મુખ્ય પ્રધાન બનશે
બંધારણના નિષ્ણાત ઉલ્હાસ બાપટે કહ્યું હતું કે ‘સુપ્રીમ કોર્ટ વિધાનસભ્યોને અપાત્ર ઠેરવવાનો નિર્ણય સ્પીકરને સોંપશે તો કાયદા મુજબ સ્પીકર તેમના અધિકારનો ઉપયોગ કરીને નિર્ણય લેશે. જોકે કોર્ટ રાજ્યપાલે બહુમત પુરવાર કરવા માટે જે સત્ર બોલાવ્યું હતું એ પ્રધાનમંડળની સલાહ મુજબનું નહોતું એમ કહેશે તો એ આદેશ ખોટો ઠરશે અને બાદમાં ઉદ્ધવ ઠાકરે ફરીથી મુખ્ય પ્રધાન બની શકે છે, કારણ કે રાજ્યપાલે બહુમત પુરવાર કરવાનો આદેશ આપ્યા બાદ જ રાજીનામું આપ્યું હતું. આથી કોર્ટ નવી સરકારનું સત્ર બોલાવવામાં આવ્યું હતું એ પહેલાની સ્થિતિ પૂર્વવત્ કરવાનું કહી શકે છે.’
આ ૧૬ વિધાનસભ્યો અપાત્ર ઠરશે?
એકનાથ શિંદે, અબ્દુલ સત્તાર, સંદીપાન ભુમરે, સંજય શિરસાટ, તાનાજી સાવંત, યામિની જાધવ, ચીમણરાવ પાટીલ, ભરત ગોગાવલે, લતા સોનાવણે, પ્રકાશ સૂર્વે, બાલાજી કિણીકર, અનિલ બાબર, મહેશ શિંદે, સંજય રાયમૂલકર, રમેશ બોરણારે અને બાલાજી કલ્યાણકર. શિવસેનામાંથી ૪૦ વિધાનસભ્યોએ ઉદ્ધવ ઠાકરે સાથેનો છેડો ફાડ્યો હતો, પણ આ ૧૬ વિધાનસભ્યોને અપાત્ર ઠેરવવાની નોટિસ ડેપ્યુટી સ્પીકર નરહરિ ઝિરવાળે મોકલી હતી.
સ્પીકર-ડેપ્યુટી સ્પીકર સામે અવિશ્વાસ પ્રસ્તાવ
વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર નરહરિ ઝિરવાળની જેમ મહાવિકાસ આઘાડીએ વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકર સાથે પણ અવિશ્વાસનો પ્રસ્તાવ દાખલ કર્યો છે. આથી ૧૬ વિધાનસભ્યોની અપાત્રતા બાબતે મુશ્કેલી ઊભી થશે? બંને સામે અવિશ્વાસનો પ્રસ્તાવ છે એટલે અપાત્રતાની સુનાવણી માટે પ્રો-ટેમ સ્પીકરની નિયુક્તિ કરવામાં આવશે? એવો સવાલ ઊભો થયો છે.
અત્યારે ચુકાદો કેમ?
મહારાષ્ટ્રના સત્તાસંઘર્ષની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ ધનંજય ચંદ્રચૂડની અધ્યક્ષતામાં પાંચ જજની ખંડપીઠ સમક્ષ હાથ ધરવામાં આવી હતી. આ ખંડપીઠમાં ચીફ જસ્ટિસ ઉપરાંત જસ્ટિસ કૃષ્ણ મુરારી, જસ્ટિસ હિમા કોહલી, જસ્ટિસ એમ. આર. શાહ અને જસ્ટિસ પી. એસ. નરસિંહાનો સમાવેશ છે. જસ્ટિસ એમ. આર. શાહ ૧૫ મેએ નિવૃત્ત થઈ રહ્યા છે. બીજી બાજુ ૨૦ મેથી સુપ્રીમ કોર્ટમાં ઉનાળાનું વેકેશન શરૂ થઈ રહ્યું છે. આથી ખંડપીઠમાં સામેલ જસ્ટિસ નિવૃત્ત થાય એ પહેલાં ચુકાદો લાવવો જરૂરી હતો એટલે આજે ચુકાદો આપવામાં આવશે.