એમઆઇડીસી પોલીસ-સ્ટેશનના ડ્યુટી-ઑફિસર સચિન ગૌરવે મોબાઇલ ખોવાયાની ફરિયાદ મળ્યાના કલાકોમાં જ અઝરબૈજાનના નાગરિકનો ફોન શોધીને તેને પાછો આપ્યો
Mumbai Police
જમશેદ અજગરને તેનો મોબાઇલ સોંપી રહેલા સચિન ગૌરવ.
મુંબઈ : મુંબઈમાં બીજી નવેમ્બરે યોજાયેલા એક આઉટબાઉન્ડ ટ્રાવેલ શોમાં હાજરી આપવા આવેલો અઝરબૈજાનનો નાગરિક તેનો ફોન તેણે ભાડે કરેલી ટૅક્સીમાં ભૂલી ગયા બાદ તેને કોઈ આશા નહોતી કે ફોન પાછો મળી જશે. તેના એક મિત્રએ તેને કહ્યું પણ ખરું કે મોબાઇલ ખોવાઈ ગયો એટલે એ ગયો. મુંબઈ શહેર ઘણું મોટું છે. જો તમે પોલીસ પાસે જશો તો તેઓ ફક્ત મોબાઇલ ખોવાઈ ગયાની ફરિયાદ નોંધશે અને કહેશે કે અમે શોધવા પ્રયત્ન કરીશું અને અમને મળશે તો તમને બોલાવીને આપીશું. જોકે મુંબઈ પોલીસ માટેની આ છાપને એમઆઇડીસી પોલીસ-સ્ટેશનના અધિકારીએ ખોટી પાડી દીધી હતી. તેમણે મોબાઇલ ખોવાયાની ફરિયાદ મળ્યાના કલાકોમાં જ તેનો મોબાઇલ પોલીસે સીસીટીવી કૅમેરાનાં ફુટેજ અને આરટીઓની મદદ લઈને શોધી આપ્યો હતો.
આ માહિતી આપતાં અઝરબૈજાનના નાગરિક અને ટ્રાવેલિંગ એજન્ટ જમશેદ અજગરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું મરોલ નાકાની વસંત ઓએસિસ હોટેલમાં ઊતર્યો હતો. શુક્રવાર, ૩ ફેબ્રુઆરીએ સાંજે સાડાચાર વાગ્યે મારો શો પૂરો કરીને હું એક ટૅક્સી ભાડે કરીને મારી હોટેલમાં પહોંચ્યો હતો. હું થાકી ગયો હોવાથી ટૅક્સીમાં સૂઈ ગયો હતો. એમાં મારો એક લાખ રૂપિયાથી વધુ કિંમતનો આઇફોન ૧૪પ્રો મોબાઇલ ટૅક્સીમાં જ ભૂલી ગયો હતો. મને જ્યારે ખબર પડી ત્યારે બહુ મોડું થઈ ગયું હતું. એક મિત્રએ તો મને કહી દીધું કે હવે તું ભૂલી જા, હવે તને તારો મોબાઇલ પાછો નહીં મળે. મેં ઇન્સ્ટાગ્રામ અને અન્ય સોશ્યલ મીડિયા પર મારો મોબાઇલ ખોવાયાની પોસ્ટ મૂકી હતી. મારી અનેક મહેનત પછી પણ હું ફોન શોધવામાં નિષ્ફળ ગયો હતો. શનિવારે હું મારા અન્ય મિત્રો મલ્ટિફ્લાય ટ્રાવેલ્સના મુકેશ નિસર અને ગાલા ટ્રાવેલના સુરેશ ગાલાને મળ્યો હતો. તેમણે મને હિંમત આપી કે પોલીસમાં જઈને ફરિયાદ નોંધાવી દઈએ, પોલીસ ચોક્કસ તને સહાયરૂપ થશે.’
અમે શનિવારે બપોરે ત્રણ વાગ્યે અંધેરી એમઆઇડીસી પોલીસ-સ્ટેશનમાં જઈને ડ્યુટી-ઑફિસર સચિન ગૌરવને મળ્યા હતા. તેમને અમે મોબાઇલ ગુમાયાની માહિતી આપી હતી. આ સંદર્ભમાં જમશેદ અજગરે કહ્યું હતું કે ‘સચિન ગૌરવ તરત જ ઍક્શનમાં આવી ગયા હતા. તેમણે બપોરે ૩.૩૦ વાગ્યે મારા મોબાઇલની શોધખોળ શરૂ કરી દીધી હતી. પહેલાં તેમણે વસંત ઓએસિસના સીસીટીવી કૅમેરાનું ફુટેજ ચેક કરીને કાર-નંબર અને અન્ય વિગતો મેળવી હતી. આ વિગતો તેમણે આરટીઓને આપીને ડ્રાઇવરની માહિતી મેળવી હતી. થોડા જ સમયમાં બધી તપાસ કરીને સચિન ગૌરવે ભાઈંદરમાં રહેતા ડ્રાઇવર સાથે વાતચીત કરીને જાણી લીધું હતું કે તેની પાસે મોબાઇલ સેફ છે. તરત જ પોલીસની ટીમ ડ્રાઇવરના ઘરે ગઈ હતી અને રાતના આઠ વાગ્યે તેની પાસેથી મારો મોબાઇલ મેળવી પાછા આવીને મને સોંપી દીધો હતો. મોબાઇલ પાછો મળતાં મારા ચહેરા પરની હતાશા દૂર થઈ હતી અને હું ખુશ થઈ ગયો હતો. હું મુંબઈની ખાખી વર્દીનો ખૂબ જ આભારી છું. સચિન ગૌરવને લાખ-લાખ સલામ.’