સાયન-ઈસ્ટમાં અભિનંદન સ્વામીમંદિર ગલીમાં આવેલી એક સોસાયટીમાં રહેતા અને ગંગાવિહાર નજીક પેપર ક્રાફ્ટ અને વેરહાઉસિંગનો વ્યવસાય કરતા વર્ધમાન શાહે કરેલી ફરિયાદ અનુસાર શનિવારે સાંજે છ વાગ્યે તેમણે ફાઉન્ટન હોટેલ નજીક એક ગ્રાહક પાસેથી ૨૬ લાખ રૂપિયા લેવાના હતા
પ્રતીકાત્મક તસવીર
સાયનમાં પેપર ક્રાફ્ટ અને વેરહાઉસિંગનો વ્યવસાય કરતા ૬૨ વર્ષના વેપારીએ ગ્રાહક પાસેથી ૨૬ લાખ રૂપિયા લેવાના હતા. એ લેવા જવાનું તેમના માટે શક્ય નહોતું એટલે તેમણે ડ્રાઇવરને પૈસા લેવા મોકલ્યો હતો. જોકે પૈસા લીધા બાદ ડ્રાઇવર સાયનની ઑફિસે પાછો ન આવતાં પલાયન થઈ ગયો હતો. તેનો ફોન પણ બંધ આવતાં આ ઘટનાની ફરિયાદ વેપારીએ સાયન પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.
સાયન-ઈસ્ટમાં અભિનંદન સ્વામી મંદિર ગલીમાં આવેલી એક સોસાયટીમાં રહેતા અને ગંગાવિહાર નજીક પેપર ક્રાફ્ટ અને વેરહાઉસિંગનો વ્યવસાય કરતા વર્ધમાન શાહે કરેલી ફરિયાદ અનુસાર શનિવારે સાંજે છ વાગ્યે તેમણે ફાઉન્ટન હોટેલ નજીક એક ગ્રાહક પાસેથી ૨૬ લાખ રૂપિયા લેવાના હતા. જોકે એ સમયે તેમની મીટિંગ હોવાથી પૈસા લેવા માટે તેમણે ડ્રાઇવર નીતિન માલવિયાને મોકલ્યો હતો. ગ્રાહક પાસે પહોંચીને નીતિને ગ્રાહકની અને વર્ધમાનભાઈની વાત કરાવી હતી એટલે ગ્રાહકે તરત ૨૬ લાખ રૂપિયા નીતિનને આપી દીધા હતા. એ પૈસા લીધા પછી નીતિન ઑફિસ પર આવવા માટે નીકળ્યો હતો. જોકે રાતે નવ વાગ્યા સુધી તે ઑફિસ પર પહોંચ્યો નહોતો એટલે તેના નંબર પર સંપર્ક કરતાં એ નંબર પણ બંધ આવતો હતો. કલાકો સુધી તેની રાહ જોયા પછી પૈસા ચોરી થયા હોવાનું સમજાતાં આ ઘટનાની ફરિયાદ સાયન પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી.
ADVERTISEMENT
સાયન પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર મનોજ હિર્લેકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઘટનાની ફરિયાદ અમે નોંધી છે. જોકે આ ઘટનામાં આરોપીનો ફોન-નંબર બંધ આવી રહ્યો છે એટલે સીસીટીવી કૅમેરાનાં ફુટેજના આધારે ડ્રાઇવરની શોધ ચલાવવામાં આવી રહી છે. હજી સુધી તેની કોઈ માહિતી મળી નથી.’