ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે મુંબઈની બે દિવસની મુલાકાત દરમ્યાન આમ કહ્યું
પાંચ ટ્રિલ્યન ડૉલર ઇકૉનૉમીનું સપનું યુપી વિના પૂરું નહીં થાય
મુંબઈ ઃ ચોથી અને પાંચમી જાન્યુઆરીએ મુંબઈમાં આયોજિત ગ્લોબલ યુપી ઇન્વેસ્ટમેન્ટ સમિટમાં ઉદ્યોગપતિઓને ઉત્તર પ્રદેશમાં રોકાણ કરવા માટેનું આમંત્રણ આપવા પધારેલા ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું હતું કે ‘ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને પાંચ ટ્રિલ્યન ડૉલરની ઇકૉનૉમીનો દેશ બનાવવાનું સપનું જોયું છે એ ઉત્તર પ્રદેશ વિના પૂરું નહીં થાય. દેશના સૌથી મોટી વસતિ ધરાવતા રાજ્યમાં દરેક પ્રકારના ઉદ્યોગ માટે ભરપૂર તક છે અને અમે રોકાણકારોને મદદરૂપ થઈ શકે એવી તમામ બાબતો પર ધ્યાન આપી રહ્યા છીએ.’
મુંબઈમાં આયોજિત ગ્લોબલ યુપી ઇન્વેસ્ટમેન્ટ સમિટમાં હાજર રહેલા દેશના ટોચના ઉદ્યોગપતિઓ, ફાઇનૅન્સ સેક્ટરના પ્રતિનિધિઓ, બૅન્કિંગ અને ઇન્ડસ્ટ્રિયલ ઇન્સ્ટિટ્યૂશનો, બિઝનેસમેન અને રોકાણકારો સમક્ષ બોલી રહેલા યોગી આદિત્યનાથે આ તમામને ૧૦થી ૧૨ ફેબ્રુઆરીએ લખનઉમાં આયોજિત કરવામાં આવેલા ઉત્તર ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં આવવાનું આમંત્રણ આપતાં કહ્યું હતું કે ‘જીઆઇએસ૨૩ના કનેક્શનમાં વિદેશમાં ઉત્તર પ્રદેશની ટીમે ૧૬ દેશનાં ૨૧ શહેરમાં રોડ-શો કર્યો હતો, જે ભારતની સ્વતંત્રતા બાદનો સૌથી મોટો રહ્યો છે. અમને વિદેશના રોકાણકારોનો જબરદસ્ત રિસ્પૉન્સ મળ્યો છે. આ રોડ-શોમાં સાત લાખ કરોડ રૂપિયાના રોકાણનું કમિટમેન્ટ થયું છે.’
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાને આગળ કહ્યું હતું કે ‘ઉત્તર પ્રદેશમાં ભારતની કુલ ખેતીની જમીનની ૧૧ ટકા જમીન આવેલી છે, જેમાં ૨૦ ટકા ખેતપેદાશનું ઉત્પાદન થાય છે. ૩૦ ટકાથી વધુ ઉત્પાદનના પ્રયાસ ચાલી રહ્યા છે. એશિયાના સૌથી મોટા ભટ્ટા-પરસૌલ ઍરપોર્ટનું ચોથા તબક્કાનું કામ અત્યારે ચાલી રહ્યું છે, જેમાં ખેડૂતો સામે ચાલીને જમીન સોંપી રહ્યા છે. રાજ્યમાં એક્સપ્રેસવે, ઍરપોર્ટ્સ અને મેટ્રો બાદ હવે વૉટરવેનું કામ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં ૯૬ લાખ એમએસએમઈ યુનિટનું રજિસ્ટ્રેશન થયું છે અને ૪.૬૮ લાખ કરોડ રૂપિયાના એમઓયુ થયા છે. રાજ્યમાં નિવેશ મિત્ર અને નિવેશ સારથિ પોર્ટલની મદદથી ઇન્ડસ્ટ્રિયલ પ્રોજેક્ટની પ્રોસેસ કરવામાં આવી રહી છે, જેમાં ઝીરો માનવી અડચણને ધ્યાન આપવામાં આવ્યું છે. આથી ઉત્તર પ્રદેશનો જો વિકાસ થશે તો વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું પાંત ટ્રિલ્યન ઇકૉનોમીનું સપનું જરૂર પૂરું થશે.’
ADVERTISEMENT
આ પણ વાંચો:Mumbai Policeએ મકર સંક્રાંતિ પહેલા નાયલૉનના માંજા પર મૂક્યો એક મહિના માટે બૅન
ઉલ્લેખનીય છે કે યોગી આદિત્યનાથની મુંબઈની બે દિવસની મુલાકાત દરમ્યાન દેશના ટોચના ઉદ્યોગપતિઓની સાથે તેમણે મુલાકાત કરી હતી. ઍર ઇન્ડિયાની મદદથી રાજ્યના તમામ જિલ્લામાં જિયો સેન્ટર ઊભાં કરવામાં આવશે. અદાણી ગ્રુપે પીપીપીના મૉડલથી બલિયા અને શ્રાવસ્તીમાં મેડિકલ કૉલેજ શરૂ કરવામાં રસ દાખવ્યો છે. તાતા સન્સે જાહેરાત કરી છે કે ઍર ઇન્ડિયા ઉત્તર પ્રદેશના દરેક સાંસ્કૃતિક શહેર માટેની ફ્લાઇટ શરૂ કરશે અને રામકી ગ્રુપે કાનપુર અને લખનઉ વચ્ચે સૅટેલાઇટ સિટી બાંધવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. પાર્લે ઍગ્રો કંપનીએ ડેરી સેક્ટરમાં ૫૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. ગોદરેજ ગ્રુપના ઉત્તર પ્રદેશમાં ચાર યુનિટ ચાલી રહ્યા છે ત્યારે ટૂંક સમયમાં બારાબંકીમાં નવી ફૅક્ટરી શરૂ કરવાની સાથે આગામી પાંચ વર્ષમાં ૨૦ હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં રસ દાખવ્યો છે. લોઢા ગ્રુપે અયોધ્યા, વારાણસી અને ગોરખપુરમાં ૩,૦૦૦ કરોડ રૂપિયાનો હાઉસિંગ પ્રોજેક્ટનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. અંધેરીમાં આવેલી કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલના ડૉ. તુષાર મોતીવાલાએ કાનપુરમાં હૉસ્પિટલ બનાવવાનો પ્લાન યોગી આદિત્યનાથ સમક્ષ રજૂ કર્યો હતો.