નાયબ મુખ્ય પ્રધાને મહાવિકાસ આઘાડી સરકારે પોતાને નિશાન બનાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હોવાનું કહ્યું
Maharashtra
દેવેન્દ્ર ફડણવીસ
મુંબઈ : રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને બીજેપીના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે ઉદ્ધવ ઠાકરેની આગેવાનીની મહાવિકાસ આઘાડી સરકાર પર ગંભીર આરોપ કર્યો હતો. મુંબઈના પોલીસ કમિશનર સંજય પાંડેને એ વખતની સરકારે મને ટાર્ગેટ કરીને જેલમાં નાખવાનો પ્લાન બનાવ્યો હોવાનું તેમણે કહ્યું હતું.
મરાઠી ન્યુઝ-ચૅનલ એબીપી માઝાના ગઈ કાલના કાર્યક્રમમાં સામેલ થયેલા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘ઉદ્ધવ ઠાકરેની આગેવાનીમાં મહાવિકાસ આઘાડીની અઢી વર્ષ રાજ્યમાં સરકાર હતી ત્યારે મને જેલમાં નાખવાનો કારસો ઘડાયો હતો. મુંબઈના એ સમયના પોલીસ કમિશનર સંજય પાંડેને કોઈ પણ રીતે મને ટાર્ગેટ કરવાનું કહેવામાં આવ્યું હતું. જોકે પોલીસ મારી વિરુદ્ધ કોઈ મામલો શોધી નહોતી શકી. મેં કંઈ ખોટું કર્યું જ નથી તો પોલીસને હાથ શું લાગે? આ વાત મુંબઈ પોલીસના અનેક અધિકારીઓ જાણે છે. તેઓ તમને કહેશે.’
ઉલ્લેખનીય છે કે મહાવિકાસ આઘાડીની સરકાર તૂટી પડ્યા બાદ ૧૯૮૬ની બૅન્ચના આઇપીએસ અધિકારી સંજય પાંડેની મની લૉન્ડરિંગ મામલામાં દિલ્હીમાં ધરપકડ કરવામાં આવી હતી.
બીએમસીની ચૂંટણી બાબતે અજિત પવાર માતોશ્રીમાં
ADVERTISEMENT
મુંબઈ બીએમસીની ચૂંટણી ગમે ત્યારે જાહેર થવાની શક્યતા છે ત્યારે ગઈ કાલે મહાવિકાસ આઘાડીમાં સામેલ એનસીપીના નેતા અજિત પવારે માતોશ્રીમાં ઉદ્ધવ ઠાકરેની મુલાકાત કરી હતી. આ બેઠક વિશે અજિત પવારે કહ્યું હતું કે ‘મુંબઈ બીએમસીની ચૂંટણીમાં તેઓ ઉદ્ધવ ઠાકરે જૂથ સાથે જઈ શકે છે. મુંબઈ બીએમસીમાં શિવસેનાની તાકાત છે એ સત્ય છે. મહાવિકાસ આઘાડી સરકારમાં હતા ત્યારે તેમણે મુંબઈમાં સાથે કામ કરવાનું અમને ગ્રીન સિગ્નલ આપ્યું હતું. મુંબઈ બીએમસીની ચૂંટણી મહાવિકાસ આઘાડીમાં યોજાય એ માટેના પ્રયાસ કરી રહ્યા છીએ. કૉન્ગ્રેસ બાબતે હું અત્યારે કંઈ કહી નહીં શકું, પણ અમે ઉદ્ધવ ઠાકરે જૂથ સાથે રહેવા માગીએ છીએ.’
શેઠજી ઉદ્ધવ ઠાકરે
મુંબઈ બીજેપીના અધ્યક્ષ ઍડ. આશિષ શેલારે ઉદ્ધવ ઠાકરેને ગઈ કાલે શેઠજી ઉદ્ધવ ઠાકરે તરીકે સંબોધિત કરતાં કહ્યું હતું કે ‘૨૫ વર્ષમાં માત્ર રસ્તાના કામ માટે ૨૨,૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ આમણે કર્યો છે. આ શેઠજીએ મુંબઈ મહાનગરપાલિકાના બજેટમાં આટલો મોટો દરોડો પાડ્યો છે અને વસૂલી કરી છે. આથી તેમને શેઠજી જ કહેવા પડે.’
આ પણ વાંચો: બચાવો, નકલી માથાડીઓથી...
બાળાસાહેબની ૯૭મી જન્મજયંતી વખતે ષણ્મુખાનંદ હૉલમાં આયોજિત કાર્યક્રમમાં ઉદ્ધવ ઠાકરેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બીજેપીની નજર મુંબઈ બીએમસીની તિજોરી પર હોવાની ટીકા કરતાં કહ્યું હતું કે બીજેપી મુંબઈને ભિખારી બનાવી દેશે. ભક્ત આંધળા હોય છે એ ખ્યાલ છે, પણ ગુરુ પણ આંધળા હોય એ નહોતી ખબર. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બીકેસીની સભામાં બીએમીની ફિક્સ્ડ ડિપોઝિટ વિશે કહ્યું હતું એના જવાબમાં ઉદ્ધવ ઠાકરેએ આવું કહ્યું હતું. આશિષ શેલારે ઉદ્ધવ ઠાકરેને જવાબ આપતાં ગઈ કાલે કહ્યું હતું કે ‘તેઓ એક નિષ્ફળ નેતા છે. પોતાના કુટુંબને એકત્રિત ન રાખી શક્યા, પક્ષને પણ તૂટતો ન બચાવી શક્યા. ગણેશ નાઈકથી લઈને નારાયણ રાણે સહિતના નેતાઓ તેમના પર આરોપ કરીને બહાર નીકળ્યા. તેઓ પોતાની સરકાર પણ બચાવી ન શક્યા. આવા નિષ્ફળ માણસના બોલવા પર ધ્યાન ન આપવું જોઈએ એવું મુંબઈકરોએ નક્કી કર્યું છે. તેમણે ૨૫ વર્ષમાં મુંબઈ બીએમીની તિજોરીમાંથી ૨૨,૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ માત્ર રસ્તાના સમારકામ પાછળ કર્યો છે. તેમને મુંબઈગરાઓ કરતાં કૉન્ટ્રૅક્ટરોની ચિંતા વધુ છે. એટલે જ તેઓ કાયમ તેમને રૂપિયા આપવા પર વધારે ધ્યાન આપે છે.’
શિંદે-ફડણવીસ દિલ્હીમાં
મહારાષ્ટ્રની સાથે કેન્દ્ર સરકારના પ્રધાનમંડળમાં ગમે ત્યારે ફેરફાર થઈ શકે છે ત્યારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ગઈ કાલે દિલ્હી પહોંચ્યા હતા. તેમણે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સહિતના કેટલાંક નેતાઓની મુલાકાત કરી હતી. કેન્દ્ર સરકારમાં મહારાષ્ટ્રના એકનાથ શિંદે જૂથના નેતા તેમ જ બીજેપીના નેતાને સામેલ કરવાની શક્યતા છે. બીજી તરફ, મહારાષ્ટ્ર સરકારમાં બીજું પ્રધાનમંડળ વિસ્તરણ બજેટ સત્ર પહેલાં થઈ જવાનું ગઈ કાલે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું. આથી આ બાબતે ચર્ચા વિચારણા કરવા માટે બંને નેતા દિલ્હી ગયા હોવાનું જાણવા મળ્યું હતું.