Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan

વેપારીઓ વીફર્યા

23 September, 2024 08:00 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જે દુકાનોનાં નામનાં બોર્ડ લાઇટવાળાં હોય એ દુકાનદારોને BMCએ નોટિસ આપવાની શરૂઆત કરતાં ફરી પાછો શરૂ થયો જોરદાર વિવાદ

અંધેરીમાં આવેલી ‘અંબર’ નામની દુકાનને BMCએ નોટિસ આપી છે.

અંધેરીમાં આવેલી ‘અંબર’ નામની દુકાનને BMCએ નોટિસ આપી છે.


ટ્રેડરોનું કહેવું છે કે મહાનગરપાલિકાના કાયદા મુજબ આવાં પાટિયાં જાહેરખબરની કૅટેગરીમાં આવતાં ન હોવાથી તેમને હેરાન ન કરવા જોઈએ : જો સરકાર આ મુદ્દે ન્યાય નહીં અપાવે તો તહેવારોના સમયમાં આંદોલન કરવાની વેપારીઓની છે તૈયારી


દુકાનોનાં બોર્ડમાં લાઇટ લગાડનારા વેપારીઓને મુંબઈ મહાનગરપાલિકાના લાઇસન્સ ડિપાર્ટમેન્ટે તેઓ ઍડ્વર્ટાઇઝમેન્ટ કરી રહ્યા હોવાનું કહીને મહાનગરપાલિકાના કાયદાની ૩૨૮-એ કલમ હેઠળ નોટિસ ઇશ્યુ કરવાની શરૂઆત કરતાં દુકાનદારોમાં રોષ ફેલાયો છે. મુંબઈના રીટેલ દુકાનદારોના સંગઠન ફેડરેશન ઑફ રીટેલ ટ્રેડર્સ વેલ્ફેર અસોસિએશને આ નોટિસનો વિરોધ કર્યો છે તેમ જ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે તથા ડેપ્યુટી ચીફ મિનિસ્ટરો દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારને ઈ-મેઇલ કરીને વેપારીઓને ન્યાય આપવા મધ્યસ્થી કરવાનો અનુરોધ કર્યો છે. અસોસિએશન કહે છે કે જો સરકાર આ મુદ્દે દુકાનદારોને ન્યાય આપવામાં નિષ્ફળ જશે તો નાછૂટકે વેપારીઓએ તહેવારોના સમયમાં તેમની દુકાનો બંધ કરીને આંદોલનનો માર્ગ અપનાવવો પડશે.



આ બાબતની માહિતી આપતાં અસોસિએશનના અધ્યક્ષ વીરેન શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મહાનગરપાલિકાનો આ કેવો મનસ્વી કાયદો છે કે દુકાનદારે તેની દુકાન પર સામાન્ય બોર્ડ લગાડે તો એના માટે મહાનગરપાલિકાની પરવાનગી લેવાની જરૂર નથી, પણ જો તમે દુકાનના નામના બોર્ડને લાઇટથી ડેકોરેટિવ બનાવો તો મહાનગરપાલિકા એને દુકાનની જાહેરાત કહીને એના માટે મહાનગરપાલિકાના કાયદાની કલમ ૩૨૮-એ હેઠળ લાઇસન્સ-ફી આપવા કહે છે અને પરવાનગી ન લેવા માટે દુકાનદારોને નોટિસ ઇશ્યુ કરે છે.’


અમે એકનાથ શિંદેને લખેલા પત્રમાં કહ્યું છે કે આ વિવાદાસ્પદ મુદ્દે અમે ઘણી વખત મુંબઈ મહાનગરપાલિકાના કમિશનરો અને લાઇસન્સ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સામે રજૂઆત કરી છે એમ જણાવતાં વીરેન શાહે કહ્યું હતું કે ‘અમારી સરળ રજૂઆત છે કે દુકાનના નામનું બોર્ડ એ કોઈ જાહેરાત નથી. એને મહાનગરપાલિકાની કલમ ૩૨૮-એ હેઠળ જાહેરાત ગણી શકાય નહીં. નૉન-ઍલ્યુમિનેટેડ બોર્ડ જાહેરાત નથી, પણ રાતના સમયે ગ્રાહકો બોર્ડ વાંચી શકે એ માટે દુકાનદારો એને ઍલ્યુમિનેટેડ (લાઇટવાળું)કરાવે છે અને મહાનગરપાલિકા પોતાનો મનસ્વી તર્ક લગાડીને એને જાહેરાતમાં ગણાવે છે એ બરાબર નથી. આ તર્ક લગાડીને મહાનગરપાલિકાના અધિકારીઓ દુકાનદારોને ધાકધમકી આપીને હેરાન કરે છે. વેપારીઓ સામે આવી ઍક્શન લેવા સામે સુપ્રીમ કોર્ટથી લઈને મૅજિસ્ટ્રેટ કોર્ટે સ્ટે આપ્યો હોવા છતાં તેમના નિર્દેશને માનવાને બદલે મહાનગરપાલિકા એક પ્રાઇવેટ બૅન્ક સાથેના તેના કેસના ચુકાદાનો આધાર લઈને વેપારીઓને નોટિસ મોકલી રહી છે. આ કેસમાં બૅન્કના ATM (ઑટોમેટેડ ટેલર મશીન)ના બોર્ડની વાત હતી અને એ કમર્શિયલ ઍક્ટિવિટી હોવાથી કોર્ટે એને પરવાનગી લઈને લાઇસન્સ-ફી ભરવા કહ્યું હતું. જોકે એ જ ચુકાદામાં કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે પ્લેન બોર્ડ ઍલ્યુમિનેટેડ હોય તો પણ એને મહાનગરપાલિકાના કાયદાની કલમ ૩૨૮-એ મુજબ જાહેરખબર ન કહી શકાય. આમ છતાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)એ આ ચુકાદાના આધારે નિવૃત્ત ન્યાયાધીશનો ઓપિનિયન લઈને બધા દુકાનદારોને નોટિસ મોકલીને તેમની સાથે ગુનેગાર જેવો વ્યવહાર શરૂ કર્યો છે.’

અમારી વિનંતી તરફ સરકાર લક્ષ નહીં આપે તો અમારે નાછૂટકે બંધનો માર્ગ અપનાવવો પડશે એમ જણાવતાં વીરેન શાહે કહ્યું હતું કે મહારાષ્ટ્ર સરકાર પણ આ મુદ્દે જો કડક વલણ અપનાવશે તો અમે સરકારનો વિરોધ કરીને મહાનગરપાલિકાના આ કાયદાની વિરોધમાં મુંબઈભરમાં આંદોલન કરીશું.


દુકાનદારો કોર્ટમાં

અંધેરીના વેપારીઓ મહાનગરપાલિકાની નોટિસના વિરોધમાં કોર્ટમાં ગયા છે એમ જણાવતાં વીરેન શાહે કહ્યું હતું કે ‘મૅજિસ્ટ્રેટ કોર્ટમાં આ મુદ્દે ૯ ઑક્ટોબરે સુનાવણી કરવામાં આવશે. આ પહેલાં અમે મહાનગરપાલિકાની કાર્યવાહી સામે મહારાષ્ટ્રના પર્યટનપ્રધાન મંગલ પ્રભાત લોઢા, સંસદસભ્ય મિલિંદ દેવરા અને શિવસેનાના વિધાનસભ્ય પ્રતાપ સરનાઈકની સમક્ષ રજૂઆત કરી હતી; પણ તેમણે દુકાનદારોને ન્યાય મેળવવા માટે કોર્ટમાં જવાની સલાહ આપી હતી જેને કારણે દુકાનદારોને કોર્ટમાં જવાની નોબત આવી છે. એક બાજુ સરકાર મુંબઈને સિંગાપોર બનાવવાની વાતો કરે છે અને બીજી બાજુ તર્ક વગરની વાતો કરીને મહાનગરપાલિકા દુકાનદારો પર દંડાત્મક કાર્યવાહી કરી રહી છે જે સામાન્ય માનવી માટે હાસ્યાસ્પદ ઘટના છે.’

કલમ ૩૨૮-એ શું છે?

મુંબઈ મહાનગરપાલિકાના ઍક્ટ ૧૮૮૮ની કલમ ૩૨૮-એ મુંબઈમાં જાહેરાતો પ્રદર્શિત કરવાની પરવાનગી માટેની અરજી છે જે જાહેરાતોનું નિયમન અને નિયંત્રણ કરે છે. આ કલમ પ્રમાણે મહાનગરપાલિકાના કમિશનરની પરવાનગી વિના કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જમીન, ઇમારત, દીવાલ, હોર્ડિંગ અથવા સ્ટ્રક્ચર પર કોઈ પણ જાહેરાત પ્રદર્શિત કરી શકે નહીં.

Whatsapp-channel Whatsapp-channel

23 September, 2024 08:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK