સુધરાઈએ જણાવ્યું હતું કે વેસ્ટર્ન રેલવે ટૂંક સમયમાં જ બ્રિજને તોડવાનું કામ પૂરું કરશે અને એ પછી નિર્માણકાર્ય શરૂ થશે
વેસ્ટર્ન રેલવે ગોખલે રોડ બ્રિજનો ભાગ તોડી રહ્યું છે. નિમેષ દવે
મુંબઈ ઃ વેસ્ટર્ન રેલવે અંધેરીમાં ગોખલે બ્રિજના ટ્રૅક્સ પરના ભાગની સોંપણી કરે એ પછી ફેબ્રુઆરીના મધ્ય ભાગમાં શહેર સુધરાઈ નવા ગોખલે બ્રિજનું નિર્માણકાર્ય શરૂ કરશે. વેસ્ટર્ન રેલવે જૂના બ્રિજનો પિલર અને ગર્ડર દૂર કરી રહ્યું છે જે રેલવેની પ્રૉપર્ટી પર આવેલા છે.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ‘રેલવેનું કામ પૂરું થયા પછી અમારું કામ શરૂ થશે. શરૂઆતમાં ગર્ડર માટેના સપોર્ટ પિલર બનાવાશે. બન્ને બાજુએ પિલર્સનું બાંધકામ મહિનામાં પૂરું થઈ જશે ત્યાં સુધીમાં ગર્ડરનું ફૅબ્રિકેશન પૂરું કરી દેવાશે.’
અન્ય અધિકારીએ જણાવ્યું હતું કે ‘સુધરાઈ ફોર-લેન બ્રિજનું બે તબક્કામાં પુનર્નિર્માણ કરવાની યોજના ધરાવે છે. પ્રથમ તબક્કો ચોમાસા પહેલાં પૂરો કરીને બે લેન ટ્રાફિક માટે ખોલી દેવાની અમારી યોજના છે. બીજો તબક્કો સપ્ટેમ્બર ૨૦૨૩ સુધીમાં પૂરો કરવાનો અમારો અંદાજ છે. અપ્રોચ રોડનું બાંધકામ ૨૦૨૦માં શરૂ થયું હતું અને એ આખરી તબક્કામાં છે. કૉર્પોરેશન પ્રોજેક્ટ પાછળ ૮૦ કરોડનો ખર્ચ કરશે.’
અંધેરી ઈસ્ટ-વેસ્ટના આ મહત્ત્વના કનેક્ટરના પૂર્વ તરફનો ઢોળાવ જર્જરિત થઈ ગયો હોવાની જાણ થયા બાદ શહેર સુધરાઈએ સાતમી નવેમ્બરે એને બંધ કરી દીધો હતો.