ગોરેગામના હાઇરાઇઝ બિલ્ડિંગ નીચેથી મળેલી લાશને મહિલાની મિત્રએ ઓળખી : પતિ ફરાર : પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા
Crime News
ગોરેગામના ગુલરાજ ટાવરમાંથી મહિલાએ કથિત રીતે છલાંગ લગાવી હતી.
મુંબઈ : ગોરેગામ-પશ્ચિમના લક્ષ્મીનગરસ્થિત બહુમાળી ઇમારતના પરિસરમાંથી બુધવારે જેની લાશ મળી હતી તે મહિલાની ઓળખ સ્થાપિત કરવામાં પોલીસને સફળતા મળી છે. તે મહિલા ૩૦ વર્ષની ક્રિશિકા થાપા તરીકે ઓળખાઈ છે. પોલીસને શંકા છે કે તેણે ગુલરાજ ટાવરના બારમામા માળેથી છલાંગ લગાવીને આત્મહત્યા કરી છે. પોલીસનું કહેવું છે કે તેનો પતિ અવારનવાર તેની સાથે ઝઘડા કરતો હતો અને હાલમાં ફરાર છે.
પોલીસે જણાવ્યા અનુસાર ક્રિશિકા નેપાલી હતી અને સ્પામાં કામ કરતી હતી. તે તેના ૨૮ વર્ષના પતિ શિજાન થાપા અને તેની મિત્ર સાથે છેલ્લા બે મહિનાથી આ બિલ્ડિંગમાં રહેતી હતી.
બાંગુરનગરના પોલીસ અધિકારીએ કહ્યું હતું કે ‘ક્રિશિકાની મિત્રએ બુધવારે સાંજે ઊંઘમાંથી ઊઠ્યા બાદ તેને શોધી હતી, પરંતુ તે ઘરમાં ક્યાંય નહોતી. પાછળથી તેને પાડોશીઓ પાસેથી જાણવા મળ્યું હતું કે પોલીસને બિલ્ડિંગના પરિસરમાંથી એક મહિલાનો મૃતદેહ મળ્યો હતો. તેણે પોલીસનો સંપર્ક કરીને ક્રિશિકાને ઓળખી બતાવી હતી.’
પૂછપરછ દરમ્યાન જાણવા મળ્યું હતું કે ક્રિશિકા અને તેના પતિ વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. જોકે બીજા દિવસે બંને ફરી સામાન્ય થઈ જતાં હતાં. ક્રિશિકાની મિત્ર આ વાત જાણતી હોવાથી નાઇટ શિફ્ટ કરીને પાછા આવ્યા બાદ તેમની વચ્ચે ચાલી રહેલા ઝઘડા પછી તે સૂવા જતી રહી હતી. સાંજે ઊઠ્યા બાદ તેણે ઘરમાં ક્રિશિકા કે તેના પતિને ન જોતાં ચિંતામાં આવી હતી.
અમે ક્રિશિકાની મિત્રનું સ્ટેટમેન્ટ નોંધ્યું છે એમ જણાવતાં બાંગુરનગરના વરિષ્ઠ પોલીસ-અધિકારી પ્રમોદ તાવડેએ ઉમેર્યું હતું કે ‘અમે ક્રિશિકાના મુંબઈમાં રહેતા સંબંધીઓની પણ પૂછપરછ કરી છે. તેનો પતિ ફરાર છે. અમે પોસ્ટમૉર્ટમના રિપોર્ટની રાહ જોઈએ છીએ. કંઈ પણ શંકાસ્પદ જણાતાં તેની સામે કાર્યવાહી કરીશું.’