૩૦ મેથી પાંચ ટકા અને પાંચ જૂનથી ૧૦ ટકા પાણીકાપ લાદીને BMCએ મુંબઈકરોને કહ્યું…
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મુંબઈને પાણીપુરવઠો કરવામાં આવે છે એ જળાશયોમાં પાણીનો સ્ટૉક ઘટી રહ્યો છે ત્યારે ગઈ કાલે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ ૩૦ મેથી પાંચ ટકા અને પાંચ જૂનથી મુંબઈમાં ૧૦ ટકા પાણીકાપ લાદવાનો નિર્ણય લીધો હતો. આ સાથે જ BMCએ મુંબઈકરોને પાણીની બચત કરવા માટે શાવરને બદલે બાલદીથી નાહવાની અને શેવિંગ તથા બ્રશ કરતી વખતે પાણીનો નળ બંધ રાખવા સહિતની સલાહ આપી છે. BMCએ પાણીકાપ લાદવા વિશે કહ્યું હતું કે ૨૦૧૨ અને ૨૦૨૨માં ૧૫ ઑક્ટોબર સુધી ચોમાસું સક્રિય રહ્યું હતું, પરંતુ ૨૦૨૩માં ઑક્ટોબર મહિનામાં ઓછો વરસાદ પડ્યો હતો. આથી ગયા વર્ષ કરતાં આ વર્ષે જળાશયોમાં ૫.૬૪ ટકા જેટલો ઓછો એટલે કે ૯.૬૯ ટકા પાણીનો સ્ટૉક જ છે. પાણી ઓછું હોવા છતાં ડરવાની જરૂર નથી, કારણ કે ભાત્સા જળાશયમાંથી ૧,૩૭,૦૦૦ મિલ્યન લિટર પર ડે (MLD) અને અપર વૈતરણા જળાશયમાંથી ૯૯,૧૩૦ MLD પાણી મુંબઈને આપવામાં આવશે. આમ છતાં પાણી બચાવવા માટેના પ્રયાસ દરેક મુંબઈકર કરશે તો પાણીની સમસ્યાથી બચી શકાશે.
પાણી બચાવવાનાં અન્ય સૂચનો
ઘરકામ કરતી વખતે નળ ચાલુ રાખવાને બદલે વાસણમાં પાણી લો
નળમાં પાઇપ લગાવવાને બદલે બાલદીમાં પાણી ભરીને વાહનો ધુઓ
ઘરની લાદી, ગૅલરી કે બિલ્ડિંગનાં પગથિયાં પાણીથી ધોવાને બદલે ભીના કપડાથી સાફ કરો
વૉશિંગ મશીનનો એક જ વખત ઉપયોગ કરીને એકસાથે શક્ય હોય એટલાં કપડાં ધુઓ
નળ અને વૉશ-બેસિનના નળમાં પાણીનો પ્રવાહ ઓછો કરવા માટે સાંકડી ટોટી લગાવો
હોટેલ-રેસ્ટોરાંમાં ગ્રાહકોને જરૂરી હોય એટલું જ પાણી પીરસો

