નાયબ મુખ્ય પ્રધાન બનાવવાથી બગડી સિસ્ટમ, BJP સમીક્ષા કરશે
દેવેન્દ્ર ફડણવીસ, અજીત પવાર
ભારતીય જનતા પાર્ટી (BJP) અને સાથી પક્ષોની ૯ રાજ્યોમાં સરકાર છે, જ્યાં મુખ્ય પ્રધાનની સાથે બે નાયબ મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા છે. BJPએ રાજ્યોમાં સોશ્યલ એન્જિનિયરિંગને ધ્યાનમાં રાખીને એક કે બે નાયબ મુખ્ય પ્રધાન બનાવવાની શરૂઆત કરી હતી. ઉત્તર પ્રદેશમાં આવો સૌપ્રથમ પ્રયોગ ૨૦૧૭માં કરવામાં આવ્યો હતો. એ પછી મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, બિહાર, ઓડિશા વગેરે રાજ્યોમાં પણ આ ફૉર્મ્યુલા અમલમાં મૂકી હતી. જોકે લોકસભાની ચૂંટણીમાં સત્તાનાં વધુ કેન્દ્ર બની જતાં નુકસાન થયું હોવાની શક્યતા છે એટલે BJPએ આ બાબતે સમીક્ષા કરવાનો કરવાનો નિર્ણય લીધો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ લોકસભાની ચૂંટણીનાં પરિણામોમાં BJPના ધ્યાનમાં આવ્યું છે કે મુખ્ય પ્રધાનની સાથે નાયબ મુખ્ય પ્રધાનો બનાવવાથી રાજ્યમાં સત્તાનાં એકથી વધુ કેન્દ્રો ઊભાં થયાં છે જેને લીધે પક્ષના સંગઠનને અસર થઈ છે. પહેલાં સરકાર અને સંગઠન બે પાવર સેન્ટર રહેતાં હતાં. બન્ને વચ્ચે મતભેદ હોવા છતાં ચૂંટણીમાં લક્ષ્ય રાખવાનું મુશ્કેલ નહોતું. નાયબ મુખ્ય પ્રધાન બનાવવાથી રાજ્યમાં ચારથી પાંચ સત્તાનાં કેન્દ્ર બની ગયાં. મુખ્ય પ્રધાન, નાયબ મુખ્ય પ્રધાન, પ્રદેશાધ્યક્ષના કાર્યકરોનાં જુદાં-જુદાં જૂથ બની ગયાં. આવી સ્થિતિમાં કાર્યકરો અને નેતાઓની વફાદારી સંગઠનથી વધુ વ્યક્તિગત બની ગઈ. BJPના એક વરિષ્ઠ નેતાના કહેવા મુજબ સમય અને સંગઠનની જરૂર મુજબ નાયબ મુખ્ય પ્રધાનના પ્રયોગ કરવામાં આવ્યા હતા. આ ફૉર્મ્યુલાથી ફાયદો પણ થયો છે, પણ હવે એમાં ફેરફાર કરવાની જરૂર હોવાનું જણાઈ આવ્યું છે.
ADVERTISEMENT
BJPના અન્ય એક વરિષ્ઠ નેતાએ કહ્યું હતું કે ‘નાયબ મુખ્ય પ્રધાનનો રાજનૈતિક મેસેજ મોટો છે. આ વ્યવસ્થા એવાં રાજ્યોમાં ઠીક છે જ્યાં ગઠબંધનની સરકાર હોય. આવી સ્થિતિમાં બન્ને પક્ષના સમર્થકોની વચ્ચે સત્તાની બરાબરી હોવાનો મેસેજ જવો જોઈએ. જોકે જ્યાં સ્પષ્ટ બહુમતીની સરકાર હોય ત્યાં આ ફૉર્મ્યુલા અયોગ્ય છે.’
૭ રાજ્યમાં બે નાયબ મુખ્ય પ્રધાન
છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઓડિશા અને ઉત્તર પ્રદેશમાં મુખ્ય પ્રધાનની સાથે બે-બે નાયબ મુખ્ય પ્રધાન છે. બિહારમાં મુખ્ય પ્રધાન જનતા દળ યુનાઇટેડના છે તો બે નાયબ મુખ્ય પ્રધાન BJPના છે. મહારાષ્ટ્રમાં મુખ્ય પ્રધાન શિવસેનાના છે તો એક નાયબ મુખ્ય પ્રધાન BJPના અને બીજા નાયબ મુખ્ય પ્રધાન નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના છે. નાગાલૅન્ડમાં નૅશનલ ડેમોક્રૅટિક અલાયન્સ (NDA)ની સરકારમાં BJPના નાયબ મુખ્ય પ્રધાન છે. અરુણાચલ પ્રદેશની સરકારમાં BJPના નાયબ મુખ્ય પ્રધાન છે.

