ત્રણ દાયકાથી વધુ સમય સુધી બાબુ કાળેએ પોલીસને હાથતાળી આપી: વર્ષો સુધી પરભણીમાં રહ્યા બાદ મુલુંડ આવીને ફૂલ વેચતો હોવાની માહિતી મળતાં પનવેલ પોલીસે આરોપીને પકડ્યો
આરોપી બાબુ કાળે સાથે પનવેલ સિટી પોલીસની ટીમ.
૧૯૯૧ની ૨૮ જાન્યુઆરીએ પનવેલમાં બાબુ ગુડગીરામ કાળેએ પત્ની સાવિત્રીને કેરોસીન નાખીને સળગાવવાની ઘટના બની હતી. ૯૦ ટકા દાઝી ગયેલી સાવિત્રી કાળેનું બાદમાં સાયન હૉસ્પિટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. સાવિત્રીના મૃત્યુ બાદથી તેનો પતિ બાબુ કાળે સામે નવી મુંબઈની પનવેલ સિટી પોલીસે હત્યાનો કેસ નોંધીને તપાસ હાથ ધરી હતી. જોકે આ ઘટના બાદ બાબુ કાળે રહસ્યમય રીતે ગાયબ થઈ ગયો હતો. પોલીસે ઘણા પ્રયાસ કર્યા બાદ પણ બાબુ કાળેનો પત્તો નહોતો લાગતો. જોકે પોલીસે આરોપી બાબુ કાળેને શોધવા માટે કામે લગાવેલા ખબરીઓને બાબુની ક્લુ મળી હતી જેને પગલે આરોપી મુલુંડ નજીકમાં રહીને ફૂલો વેચતો હોવાની માહિતી મળી હતી. ઉપરાંત પોલીસે બાબુ કાળેનો મોબાઇલ નંબર પણ મેળવીને તેની હિલચાલ પર નજર રાખી હતી. રવિવારે બાબુ કાળે મુલુંડ પાસે ફૂલ વેચી રહ્યો હોવાની માહિતી મળતાં પનવેલ સિટી પોલીસે તેને ઝડપી લીધો હતો.
નવી મુંબઈના પનવેલ સિટી પોલીસના ઇન્ચાર્જ નીતિન ઠાકરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પનવેલમાં પત્ની સાવિત્રી સાથે રહેતો આરોપી બાબુ કાળે નાનું-મોટું કામકાજ કરતો હતો. પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો. ૧૯૯૧ની ૨૮ જાન્યુઆરીએ આવો જ ઝઘડો થયો હતો ત્યારે ગુસ્સામાં લાલઘૂમ થઈ ગયેલા બાબુ કાળેએ સાવિત્રીને જીવતી સળગાવી દીધી હતી. આ ઘટનામાં સાવિત્રી ૯૦ ટકા દાઝી જતાં તેને સાયન હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવી હતી. એ સમયે પોલીસે તેનું નિવેદન લીધું હતું એમાં સાવિત્રીએ પોતાને પતિ બાબુએ જ સળગાવી હોવાનું કહ્યું હતું. સારવાર દરમ્યાન સાવિત્રી કાળેનું મૃત્યુ થતાં તેના પતિ બાબુ સામે પત્નીની હત્યા કરવાનો કેસ નોંધવામાં આવ્યો હતો.’
ADVERTISEMENT
કેવી રીતે પકડાયો?
પત્નીને સળગાવ્યા બાદ બાબુ કાળે પલાયન થઈ ગયો હતો. તે લાંબો સમય પરભણીમાં રહ્યો હતો અને બાદમાં મુલુંડ પાસેના રસ્તામાં એક રૂમમાં રહીને ફૂલો વેચીને ગુજરાન ચલાવવા લાગ્યો હતો. નીતિન ઠાકરેએ કહ્યું હતું કે ‘૩૩ વર્ષ જૂના કેસના આરાપીને શોધવા માટે ખબરીઓને કામે લગાવવામાં આવ્યા હતા. ખબરીઓની મદદથી આરોપી બાબુ કાળેનો મોબાઇલ નંબર મેળવ્યો હતો. ગયા અઠવાડિયે આરોપી મુલુંડ ચેકનાકા પાસે હોવાની માહિતી મળતાં અમારી ટીમ પહોંચી હતી, પણ આરોપી પરભણી ભાગી ગયો હતો. અમારી ટીમ પરભણી જવા નીકળવાની હતી ત્યાં માહિતી મળી હતી કે આરોપી પાછો મુંબઈ આવ્યો છે. આથી રવિવારે આરોપી બાબુ કાળેને ઝડપી લેવામાં આવ્યો હતો. પત્નીને સળગાવી ત્યારે બાબુ કાળે ૩૭ વર્ષનો હતો, જે અત્યારે ૭૦ વર્ષનો થઈ ગયો છે. આટલા લાંબા સમય સુધી પોલીસને હાથતાળી આપનારા બાબુ કાળેને અમે ઝડપ્યો છે એનું તેને આશ્ચર્ય થઈ રહ્યું છે. કોર્ટમાંથી બાબુ કાળેની ૩ જાન્યુઆરી સુધીની પોલીસ-કસ્ટડી મેળવવામાં આવી છે.’