ઉલ્હાસનગરના સ્વામી દમારામ સાહિબ દરબારમાંથી ગોલ્ડ ચોરાયું ૪૯૦ ગ્રામ, પણ પાછું મળ્યું માત્ર ૭૮ ગ્રામ
ગયા મહિને લૂંટ પછી થાણે જિલ્લાના ઉલ્હાસ નગરમાં સ્વામી દમારામ સાહિબ દરબારની બહાર ઊભી રહેલી પોલીસ (ફાઇલ તસવીર)
ઉલ્હાસનગરમાં સ્વામી દમારામ સાહિબ દરબારના પૂજારીએ ગયા મહિને થયેલી સોનાના દાગીનાની લૂંટનો બધો માલ પાછો મેળવવામાં નિષ્ફળ રહેવાનો આરોપ સ્થાનિક પોલીસ પર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે પોલીસે માત્ર ૭૮ ગ્રામ સોનું પાછું મેળવ્યું હતું, પરંતુ જાણી જોઈને ચોરીનો માલ પાછો મેળવવા માટે વધુ સમય માટે ગુનેગારોની કસ્ટડી મેળવી નહોતી. જોકે પોલીસનું કહેવું છે કે તેમણે બનતો પ્રયાસ કર્યો હતો.
આરોપીઓએ ફરિયાદી જૅકી જગિયાસી અને તેનો પરિવાર રહે છે એ ઉલ્હાસનગરના શ્રીરામ ચોકમાં આવેલા સ્વામી દમારામ સાહિબ દરબારમાંથી ગયા મહિને ૪૯૦ ગ્રામ સોનું ચોર્યું હતું. એની વિઠ્ઠલવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસ પણ શરૂ કરી દીધી હતી. એફઆઇઆરમાં જણાવાયા મુજબ લગભગ ૨૩થી ૨૪ લાખના સોનાના દાગીનાની કિંમત પોલીસે માત્ર ૧૦ લાખ રૂપિયા આંકી છે. વિઠ્ઠલવાડી પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે માત્ર છ વસમાં આઠ આરોપીઓની ધરપકડ કરી હતી, પરંતુ તેઓ માત્ર ૭૮ ગ્રામ સોનું જ પાછું મેળવી શક્યા હતા. બાકીનું સોનું આરોપીઓની વધુ પૂછપરછ બાદ મેળવી શકાશે એવી બાંયધરી આપી હતી, પરંતુ ૧૭ સપ્ટેમ્બર પછી કોર્ટે તેમને જુડિશ્યલ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હોવાથી પૂછપરછ શક્ય બની નહોતી.
ADVERTISEMENT
સિનિયર ઇન્સ્પેક્ટર સંજય ગાયકવાડે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘આરોપીઓએ બાકીનું સોનું ક્યાં છે એ વિશે કોઈ જવાબ જ નહોતા આપતા હતા અને કોર્ટે તેમને જુડિશ્યલ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો એમાં અમે શું કરી શકીએ?
ફરિયાદી જૅકી જગિયાસીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે તે થાણે પોલીસ કમિશનરને મળવા તેમ જ કોર્ટમાં પિટિશન દાખલ કરવા માગે છે.