ઘટનાસ્થળે હાજર લગભગ 10 એમ્બ્યુલન્સ અને ભીવંડી ફાયર બ્રિગેડ વાહન, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ ઑફિસર સ્ટાફ અને થાણે ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ સાથે હાલમાં બચાવ કામગીરી ચાલી રહી છે
ભીવંડીમાં ત્રણ માળની ઇમારત ધરાશાયી
મહારાષ્ટ્ર (Maharashtra)ના થાણે (Thane) જિલ્લાના ભીવંડી (Bhiwandi) ખાતેના વર્ધમાન કમ્પાઉન્ડમાં શનિવાર, 29 એપ્રિલના રોજ એક વિનાશક ઘટના બની છે. લગભગ 1.45 કલાકે ગ્રાઉન્ડ વત્તા 3 માળનું બીલ્ડિંગ ધરાશાયી થતાં નીચેના માળે કામ કરી રહેલા કામદારો અને બીજા માળે રહેતા પરિવારો ફસાઈ ગયા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે કાટમાળમાં લગભગ 22 લોકો ફસાયા હોવાનું માનવામાં આવે છે.
ઘટનાસ્થળે હાજર લગભગ 10 એમ્બ્યુલન્સ અને ભીવંડી ફાયર બ્રિગેડ વાહન, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ઑફિસર સ્ટાફ અને થાણે ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (TDRF) સાથે હાલમાં બચાવ કામગીરી ચાલી રહી છે. કામદારો અને પરિવારો હજુ પણ બીલ્ડિંગની અંદર ફસાયેલા છે.
ADVERTISEMENT
એક પ્રેસ રિલીઝમાં જણાવવામાં આવ્યું હતું કે, “કાટમાળ નીચે ફસાયેલા કુલ નવ રહેવાસીઓને ઘટના સ્થળે થાણે ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના કર્મચારીઓની મદદથી બચાવી લેવામાં આવ્યા હતા અને તેમને સારવાર માટે ભીવંડીની સરકારી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.”
ધરાશાયી થવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ ઘટના ઇમારતોની સલામતી સુનિશ્ચિત કરવા માટે કડક નિયમો અને નિયમિત તપાસની જરૂરિયાત પર ભાર આપે છે.
આ પણ વાંચો: મોરિશિયસના પીએમને મળ્યા દેવેન્દ્ર ફડણવીસ, મજબૂત દ્વિપક્ષીય સંબંધો પર કરી ચર્ચા
સમાચાર એજન્સી પીટીઆઈએ પ્રાદેશિક ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના ચીફ અવિનાશ સાવંતને ટાંકીને જણાવ્યું હતું કે, “માનકોલીના વાલપાડા વિસ્તારમાં સ્થળ પર બચાવ અને રાહત કામગીરી શરૂ કરવામાં આવી છે કારણ કે કાટમાળમાં ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે.”