મંદિરમાં પહેલાં મોબાઇલથી હનુમાનદાદાની મૂર્તિના ફોટો પાડ્યા અને વિડિયો લીધો. પછી ત્યાં આગળ ઊભા રહી આશીર્વાદ લઈ દાનપેટી લઈને પલાયન થયો
હનુમાનજીના આશીર્વાદ લીધા બાદ દાનપેટી ચોરતો આરોપી
થાણેના ખોપટ વિસ્તારમાં આવેલા હનુમાનના મંદિરમાંથી દાનપેટી ચોરી થવાની ઘટના વાઇરલ થઈ છે. એક ચોર મંદિરમાં જઈને પહેલાં મોબાઇલથી ભગવાનના ફોટો પાડે છે અને બાદમાં હનુમાનદાદાની મૂર્તિની આગળ ઊભા રહી આશીર્વાદ લઈને અહીં રાખેલી દાનપેટી લઈને પલાયન થઈ રહ્યો હોવાનું મંદિરના સીસીટીવી કૅમેરાનાં ફુટેજમાં ઝડપાઈ ગયું છે. ૩૦ સેકન્ડનો ચોરીનો આ વિડિયો ગઈ કાલે ખૂબ વાઇરલ થયો હતો. લોકોએ આ વિડિયો જોઈને બિચારાને રૂપિયાની જરૂર હશે એટલે મંદિરમાં ચોરી કરી હોવાની કમેન્ટ કરી હતી.
પોલીસના જણાવ્યા મુજબ થાણેના ખોપટ વિસ્તારમાં હનુમાનદાદાનું મંદિર આવેલું છે. ૯ નવેમ્બરની રાત્રે એક યુવક મંદિરમાં કોઈ નહોતું ત્યારે ભગવાનનાં દર્શન કરવાના બહાને ગયો હતો. પૂજારી કે બીજું કોઈ ત્યાં હાજર ન હોવાનું જાણ્યા બાદ હનુમાનજીની મૂર્તિની આગળ મૂકેલી દાનપેટી સાથે તે પલાયન થઈ ગયો હતો. મંદિરના મહંત મહાવીરદાસ મહારાજ મંદિરમાં આવ્યા હતા ત્યારે તેમણે દાનપેટી ગાયબ થઈ હોવાનું જોયા બાદ તેમણે સીસીટીવી કૅમેરાનાં ફુટેજ ચકાસ્યાં હતાં, જેમાં એક યુવક દાનપેટી લઈને મંદિરની બહાર દોડી જતો જોવા મળ્યો હતો.
દાનપેટીની ચોરી થઈ હોવાનું સીસીટીવી કૅમેરાનાં ફુટેજ પરથી જણાતાં મંદિરના મહંતે નૌપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સીસીટીવી કૅમેરાનાં ફુટેજ અને ખબરીઓની મદદથી થાણેના રાબોડી વિસ્તારમાં રહેતા ૧૮ વર્ષના કેજસ મ્હસદે અને ૨૧ વર્ષના સૂરજ તોરણે નામના યુવકોની ચોરી કરવાના આરોપસર ધરપકડ કરીને તેમની પાસેથી મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
નૌપાડા પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સંજય ધુમાળે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપી કેજસ અને સૂરજે મંદિરમાંથી દાનપેટી ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો. ૯ નવેમ્બરની રાત્રે ૮થી ૯.૩૦ વાગ્યા દરમ્યાન મહંત મંદિરમાં ન હોવાથી કેજસ ભગવાનનાં દર્શન કરવાના બહાને મંદિરમાં ગયો હતો. તેણે પહેલા મોબાઇલથી ભગવાનના ફોટો અને વિડિયો લીધા હતા. બાદમાં હનુમાનજીની મૂર્તિની સામે ઊભા રહીને તેમના આશીર્વાદ બે હાથ જોડીને લીધા બાદ નીચે રાખેલી લાકડાની દાનપેટી ઉપાડીને મંદિરની બહાર દોડી ગયો હતો. બહાર સૂરજ ઊભો હતો. દાનપેટીમાં ૧૦૦૦ રૂપિયા જેટલી જ કૅશ હતી. અમે બન્ને આરોપી પાસેથી દાનપેટી અને એમાંથી નીકળેલી રકમ જપ્ત કરી છે.’
આમ જોવા જઈએ તો આ સામાન્ય ચોરી છે, પરંતુ સીસીટીવી કૅમેરાનાં ફુટેજમાં ચોર દાનપેટી ઉઠાવતાં પહેલાં ભગવાનના આશીર્વાદ લેતો હોવાનું દેખાતું હોવાથી એ ખૂબ વાઇરલ થઈ હતી. અનેક લોકોએ ૩૦ સેકન્ડનો આ વિડિયો ફેસબુક પર રૅશનલિસ્ટ નામના અકાઉન્ટ પરથી શૅર કર્યો હતો. આ વિડિયોને હજારો વ્યુ મળવાની સાથે અનેક લોકોએ એના પર કમેન્ટ પણ કરી હોવાનું જણાઈ આવ્યું છે.