થાણેની પ્રી-સ્કૂલની ચોંકાવનારી ઘટના, CCTV કૅમેરાનાં ફુટેજને પગલે પોલ ખૂલી
સ્કૂલમાં ત્રણ વર્ષના બાળકને મારી રહેલી ટીચર.
થાણેમાં કોલશેત રોડ પર આવેલી ઉડાન મૉન્ટેસરી પ્રી-સ્કૂલ ઍન્ડ ડે કૅરના એક શિક્ષક અને પ્રિન્સિપાલ સહિત ચાર લોકો સામે ૩ વર્ષના બાળકને ઢોર માર મારવા બદલ કાપુરબાવડી પોલીસ-સ્ટેશનમાં ગુરુવારે ફરિયાદ નોંધાઈ હતી. સ્કૂલના ક્લાસરૂમમાં લાગેલા ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ ગઈ કાલે સોશ્યલ મીડિયામાં વાઇરલ થયાં હતાં. એમાં ૩ વર્ષના બાળકે જમવાનો ઇનકાર કરતાં એક શિક્ષિકાએ પહેલાં તેને લાફો માર્યો હતો અને એ પછી બાળકને ઉપાડીને ત્રણ વાર જમીન પર પટક્યો હતો.
બાળક ઘરે જઈને એકદમ ગુમસૂમ થઈ ગયો હતો. તે એટલી હદે આ ઘટનાથી ગભરાઈ ગયો હતો કે એક-બે દિવસ જમ્યો પણ નહોતો એમ જણાવતાં કાપુરબાવડી પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર શ્રીરામ પૉલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘થાણેમાં રહેતા નિખિલ નક્ષેએ પોતાના પુત્રનું ઉડાન મૉન્ટેસરી પ્રી-સ્કૂલમાં ઍડ્મિશન લીધું હતું. ૧૭ ઑક્ટોબરે નિખિલ અને તેની પત્ની ખુશ્બૂ પોતાના પુત્રને લેવા સ્કૂલમાં ગયાં ત્યારે તે એકદમ ચૂપ હતો. એ પાછળનું કારણ સ્કૂલમાં પૂછતાં હાજર શિક્ષકે કહ્યું કે તે જમી નહોતો રહ્યો એટલે તેને એક લાફો મારવામાં આવ્યો છે. એ પછી બન્ને પોતાના પુત્રને લઈને ઘરે આવી ગયાં હતાં. જોકે બે દિવસ સુધી બાળક ખૂબ જ ગભરાયેલી હાલતમાં હતો અને સ્કૂલમાં જવાની સતત ના પાડી રહ્યો હતો એટલે પુત્રને કંઈક થયું હોવાની શંકા જતાં નિખિલે સ્કૂલના CCTV કૅમેરાનું ફુટેજ માગ્યું હતું, પણ એ તેને કેટલાક દિવસ સુધી આપવામાં આવ્યું નહોતું. જોકે જ્યારે CCTV ફુટેજ તેની પાસે આવ્યું ત્યારે તે ચોંકી ઊઠ્યો હતો. એ ફુટેજમાં એક ટીચર તેના પુત્રને પહેલાં ધમકાવીને લાફો મારતી જોવા મળી હતી. તેનો પુત્ર જ્યારે રડ્યો ત્યારે ટીચરે તેને ઉપાડીને પટક્યો હતો. આ પછી તેમણે અમારી પાસે ફરિયાદ નોંધાવી હતી.’
ADVERTISEMENT
ફરિયાદ નોંધાયા બાદ અમે ટેક્નિકલ પુરાવાના આધારે તપાસ શરૂ કરી છે એમ જણાવતાં સિનિયર ઇન્સ્પેક્ટર શ્રીરામ પૉલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શિક્ષિકાનું સ્ટેટમેન્ટ પણ નોંધવામાં આવ્યું છે. બાળકને મારવા પાછળનું મૂળ કારણ અમે શોધી રહ્યા છીએ.’