થાણે પોલીસે આ બાબતે માહિતી આપતાં કહ્યું હતું કે આરોપીઓ એક વૉટ્સઍપ ગ્રુપ ચલાવતા હતા અને એના પર શૅર્સને લગતી ટિપ્સ આપવામાં આવતી હતી
પ્રતીકાત્મક તસવીર
અમારા મારફત ઑનલાઇન શૅર ટ્રેડિંગ કરો, અમે ટૂંકા ગાળામાં વધારે કમાણી કરાવી આપીશું એવી લાલચ આપીને સાઇબર ગઠિયાઓએ થાણે જિલ્લામાં રહેતા ૬૬ વર્ષના સિનિયર સિટિઝનને છેતર્યા હતા અને તેમની પાસેથી ૪૭ લાખ રૂપિયા પડાવી લીધા હતા. છેતરપિંડીની આ ઘટના ડિસેમ્બર ૨૦૨૪થી ફેબ્રુઆરી ૨૦૨૫ દરમ્યાન બની હતી.
થાણે પોલીસે આ બાબતે માહિતી આપતાં કહ્યું હતું કે ‘આરોપીઓ એક વૉટ્સઍપ ગ્રુપ ચલાવતા હતા અને એના પર શૅર્સને લગતી ટિપ્સ આપવામાં આવતી હતી. તેમણે સિનિયર સિટિઝનનો સંપર્ક કર્યો હતો અને વૉટ્સઍપ ગ્રુપમાં જોડાવા કહ્યું હતું. તેમણે સિનિયર સિટિઝનને ટૂંકા ગાળામાં વધુ કમાણી કરી આપવાની લાલચ આપી હતી. એથી એમની વાતોમાં આવી જઈ સિનિયર સિટિઝને ધીમે-ધીમે કરીને ત્રણ મહિનામાં ૪૭,૦૧,૬૫૨ રૂપિયા તેમના કહ્યા પ્રમાણે અલગ-અલગ અકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. જ્યારે સિનિયર સિટિઝને તેમના રોકાણ પરનાં રિટર્ન કાઢવાનો પ્રયાસ કર્યો ત્યારે એમને જાણ થઈ હતી કે તેમની સાથે છેતરપિંડી થઈ છે એથી તેમણે પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી.’
ADVERTISEMENT
થાણે પોલીસ હવે તેમણે આપેલી ડીટેલ્સના આધારે એ રકમ કયાં-કયાં અકાઉન્ટમાં જમા કરાવી? એ અકાઉન્ટ કોનાં હતાં? એમાંથી રકમ ક્યાં ટ્રાન્સફર કરવામાં આવી? કોણે અને ક્યાંથી એ પૈસા ઉપાડ્યા? એની વિગતો જાણવા વિવિધ બૅન્કોનો સંપર્ક કરી વધુ ડીટેલ્સ મેળવી રહી છે.

