પોલીસ લોકોનાં નિવેદનો નોંધશે અને જેમનાં નામ સૂરજ પરમારે તેમની ૧૫ પાનાંની સુસાઇડ-નોટમાં લખ્યાં હતાં તેમની અને અગાઉની તપાસમાં કોઈ ભૂલ હતી કે નહીં એની પણ તપાસ કરશે
સૂરજ પરમાર
થાણે પોલીસે બિલ્ડર સૂરજ પરમારના ૨૦૧૫ના આત્મહત્યા કેસને ફરીથી ખોલ્યો છે. ગયા વર્ષે નવી રાજ્ય સરકારે સત્તા સંભાળી ત્યારથી વિરોધ પક્ષોની તપાસ ફરીથી ખોલવાની માગ તીવ્ર બની હતી.
પોલીસનાં સૂત્રોએ જણાવ્યું હતું કે તેઓ એવા લોકોનાં નિવેદનો નોંધવાનું શરૂ કરશે જેમનાં નામ સૂરજ પરમારે તેમની ૧૫ પાનાંની સુસાઇડ-નોટમાં લખ્યાં હતાં અને અગાઉની તપાસમાં કોઈ ભૂલ હતી કે કેમ એની પણ તપાસ કરવામાં આવશે. તપાસની આગેવાની અસિસ્ટન્ટ પોલીસ કમિશનર રૅન્કના અધિકારી કરશે.
ADVERTISEMENT
સુસાઇડ-નોટમાં હતાં કૉર્પોરેટરોનાં નામ
જાણીતા બિલ્ડર સૂરજ પરમારે ૭ ઑક્ટોબર ૨૦૧૫ના રોજ થાણેમાં નિર્માણાધીન જગ્યામાં પોતાને ગોળી મારી દીધી હતી. તેમની કારમાંથી મળેલી સુસાઇડ-નોટમાં કૉર્પોરેટરોનાં નામ અસ્પષ્ટ દેખાતાં હતાં. પોલીસે આ રહસ્ય પરથી પડદો ખોલવા માટે ફૉરેન્સિક લૅબમાં નોટ મોકલી હતી અને ચાર કૉર્પોરેટરો હનમંત જગદાલે, નજીબ મુલ્લા, વિક્રાંત ચવાણ અને સુધાકર ચવાણ (જેનું ગયા વર્ષે અવસાન થયું હતું)નાં નામો વંચાયાં હતાં.
તેમના મૃત્યુના પાંચ દિવસ પછી થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશનના કેટલાક અધિકારીઓ, કૉર્પોરેટરો અને રાજકીય નેતાઓ વિરુદ્ધ કાસરવડવલી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. થાણેમાં હજારો બિલ્ડરોએ ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા રૅલી કાઢી હતી.
કોર્ટે ચારેય શકમંદોના આગોતરા જામીનની અરજી નામંજૂર કર્યા બાદ તેમણે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું અને તેમને જામીન આપવામાં આવ્યા હતા. બાદમાં આવકવેરા વિભાગની કાર્યવાહી દરમિયાન સૂરજ પરમારની ડાયરી જપ્ત કરવામાં આવી હતી. એમાં કોડવર્ડ હોવાનું કહેવાયું હતું. ફેબ્રુઆરી ૨૦૧૬માં થાણે પોલીસે ચારેય વિરુદ્ધ કોર્ટમાં ૩,૦૦૦ પાનાંની ચાર્જશીટ દાખલ કરી હતી.
વિપક્ષે તપાસની માગ કરી હતી
છેલ્લા કેટલાક મહિનાઓથી ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા તપાસની માગ કરી રહી છે. ગયા મહિને સાંસદ અરવિંદ સાવંતે પણ સૂરજ પરમારની ડાયરીના આધારે તપાસની માગ કરી હતી.
અસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ (ક્રાઇમ) ઇન્દ્રજિત કાર્લેએ કહ્યું હતું કે હું એટલું જ કહી શકું છું કે તપાસ શરૂ કરવામાં આવી છે.

