Thane Cyber Fraud: એક જ પરિવારના 19 સભ્યોની સંડોવણીનો મામલો પ્રકાશમાં આવ્યો છે. રાબોડી પોલીસ સ્ટેશનમાં 42 વર્ષીય વ્યક્તિએ આ મામલે ફરિયાદ નોંધાવી હતી.
પ્રતીકાત્મક તસવીર
કી હાઇલાઇટ્સ
- આ વ્યક્તિને કુલ રૂ. 1.17 કરોડનો ચૂનો લાગ્યો હોવાનું જાણવા મળ્યું છે
- ફરિયાદીના ભાઈએ માર્ચ 2022થી 25.69 લાખ રૂપિયા રોક્યા હતા
- પોલીસના જણાવ્યા અનુસાર હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી
થાણેમાંથી ક્રિપ્ટોકરન્સી રોકાણ કૌભાંડ (Thane Cyber Fraud) સામે આવ્યું છે. વળી આ કૌભાંડમાં એક જ પરિવારના 19 સભ્યોની સંડોવણીનો મામલો પ્રકાશમાં આવ્યો છે. રાબોડી પોલીસ સ્ટેશનમાં 42 વર્ષીય વ્યક્તિએ આ મામલે ફરિયાદ નોંધાવી હતી. આ વ્યક્તિને કુલ રૂ. 1.17 કરોડનો ચૂનો લાગ્યો હોવાનું જાણવા મળ્યું છે.
લોભામણી લાલચ આપીને પડાવ્યા અધધ રૂપિયા
ADVERTISEMENT
ફરિયાદીએ કરેલી ફરિયાદ (Thane Cyber Fraud)માં સાબીર યાકુબ ઘાચી, શાકિર યાકુબ ઘાચી અને રુહીહા શાકિર ઘાચી સહિતના આરોપીઓએ ફરિયાદીને ક્રિપ્ટોકરન્સી સ્કીમમાં રોકાણ કરવા માટે ફોસલાવ્યા હતા. આ લોકોએ મળીને ફરિયાદીને રકમના 12 ગણા વળતર આપવામાં આવશે એવી લોભામણી વાત પણ કરી હતી. પ્રાપ્ત અહેવાલો અનુસાર ફરિયાદીએ રૂપિયા 91.53 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું. અને તેના ભાઈએ માર્ચ 2022થી 25.69 લાખ રૂપિયા રોક્યા હતા.
પૈસા પાછા માગ્યા ત્યારે હાથ ઉપર કર્યા, ધાકધમકી આપી
જ્યારે ફરિયાદીએ પોતાના પૈસા પાછા માગ્યા હતા ત્યારે આરોપીઓએ ઉદ્ધત જવાબો આપીને વાત ટાળી હતી. અને પૈસા પરત કરવાનો ઇનકાર કરી દીધો હતો. વળી ધાકધમકી આપીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ફરિયાદીએ પોલીસનો સંપર્ક કરતાં આ આખો મામલો સામે આવ્યો છે.
હજુ કોઇની ધરપકડ કરવામાં આવી નથી
Thane Cyber Fraud: પ્રાપ્ત અહેવાલો અનુસાર ભારતીય ન્યાય સંહિતા (BNS) અને મહારાષ્ટ્ર પ્રોટેક્શન ઑફ ઈન્ટરેસ્ટ ઑફ ડિપોઝિટર્સ (નાણાકીય સંસ્થાઓમાં) અધિનિયમ, 1999 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.
મિત્રો તમને જણાવી દઈએ કે ક્રિપ્ટોકરન્સી એ ક્રિપ્ટોગ્રાફી દ્વારા સુરક્ષિત ડિજિટલ ચલણ છે, જે બ્લોકચેન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને વિકેન્દ્રિત નેટવર્ક્સ પર કાર્ય કરે છે. 2009માં બનાવવામાં આવેલ બિટકોઈન એ વિશ્વની સૌથી જાણીતી ક્રિપ્ટોકરન્સીમાંની એક છે. પરંતુ તેનો ફાયદો ઉઠાવીને અનેક લોકો બીજાને ફસાવતા હોય છે.
તાજેતરમાં જ આવો બીજો કિસ્સો (Thane Cyber Fraud) સામે આવ્યો હતો. જેમાં શેર માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનો શિકાર બનીને 49 વર્ષીય વ્યક્તિએ માત્ર ચાર દિવસમાં રૂ. 1.16 કરોડ ગુમાવ્યા હતા. મળતી માહિતી અનુસાર વસઈના રહેવાસી સાથે આ છેતરપિંડી થઈ હતી. આ વ્યક્તિ એક આઈટી કંપનીમાં વરિષ્ઠ પદ પર કામ કરે છે. તેનું ઈન્ટરનેટ સર્ફિંગ કરતી વખતે એક શંકાસ્પદ જાહેરાત પર ધ્યાન ગયું હતું. તેણે આ લોભામણી લિંક પર ક્લિક કરતાં જ તે 125 સભ્યો ધરાવતા વ્હોટ્સએપ ગ્રુપમાં જોડાયો હતો. 16 ઓગસ્ટથી 20 ઓગસ્ટ સુધી ફરિયાદીએ છેતરપિંડી કરનારાઓના નિર્દેશ મુજબ 1.16 કરોડ રૂપિયા જુદા જુદા ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. પણ જ્યારે વળતરની વાત આવી ત્યારે તેને કૈં જ હાથ લાગ્યું નહોતું. ઉપરથી સામેથી ફ્રોડ કરનારાઓએ તેની પાસેથી હજી વધારે મોટી રકમ ચૂકવવા કહ્યું હતું.