શારીરિક સંબંધ માટે ના પાડી એટલે ૨૩ વર્ષની યુવતીની બૉયફ્રેન્ડે હત્યા કરી હતી
પ્રતીકાત્મક તસવીર
થાણે નજીક કળવાની ખાડીમાંથી ગયા વર્ષે ૬ નવેમ્બરે ૨૩ વર્ષની માનસી ભોઈરની ડેડ-બૉડી મળી હતી એના આધારે કળવા પોલીસે આકસ્મિક મૃત્યુની નોંધ કરી હતી. દરમ્યાન થાણે પ્રૉપર્ટી સેલના અધિકારીઓ એક મહિલાની હત્યાના કેસની તપાસ કરી રહ્યા હતા ત્યારે માનસીના કેસ પર નજર પડતાં તેના કૉલ ડિટેઇલ રેકૉર્ડ્સ (CDR) તપાસવામાં આવ્યા હતા, જેમાં તેની છેલ્લી મુલાકાત તેના બૉયફ્રેન્ડ આદિલ શેખ સાથે થઈ હોવાનું જાણવા મળ્યું હતું. ત્યાર બાદ આદિલની કડક પૂછપરછ કરતાં તેણે પોતાના બે મિત્ર સાથે મળીને માનસીની હત્યા કરી હોવાની કબૂલાત પોલીસ સમક્ષ કરી હતી.
બીજા કેસની તપાસ કરતાં માત્ર ચાન્સ લેવા ખાતર અમે CDR કાઢ્યા અને હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો એમ કહેતાં થાણે પ્રૉપર્ટી સેલના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘માનસી ૨૦૨૩ની ૪ નવેમ્બરે ઘરે પાછી ન આવતાં પરિવારે તે ગુમ થઈ હોવાની ફરિયાદ કળવા પોલીસ-સ્ટેશનમાં નોંધાવી હતી. એ પછી બે દિવસ બાદ માનસીની ડેડ-બૉડી કળવા ખાડી નજીકથી મળી હતી. જોકે એ સમયે સ્થાનિક પોલીસ વધુ તપાસ કરવામાં નિષ્ફળ રહી હતી. દરમ્યાન અમારી ટીમ એક મહિલાની હત્યાના કેસની તપાસ કરી રહી હતી ત્યારે અમને માનસીના કેસ વિશે માહિતી મળી હતી. અમે માનસીના CDR કઢાવ્યા હતા જેમાં આદિલ શેખ સાથે તેની વાતચીત ઉપરાંત જે સમયે તે ગુમ થઈ એ પહેલાં તે આદિલને મળી હતી એ જાણવા મળ્યું હતું, પણ આદિલે સ્થાનિક પોલીસને જણાવ્યું હતું કે તે માનસીને મળ્યો નહોતો. જોકે તેણે અગાઉ આપેલું સ્ટેટમેન્ટ શંકાસ્પદ જણાતાં તેની ફરી પૂછપરછ કરવામાં આવી હતી.’
ADVERTISEMENT
માજીવાડા-કળવા બ્રિજ પાસે ૪ નવેમ્બરે આદિલ અને માનસી મળ્યાં હતાં ત્યારે આદિલે બ્રિજ પરથી માનસીને ધક્કો મારી દીધો હતો એમ જણાવતાં થાણે પ્રૉપર્ટી સેલના સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘માનસીને શારીરિક સંબંધ માટે આદિલે જબરદસ્તી કરી હતી જેને માટે તેણે ના પાડતાં આદિલ રોષે ભરાયો અને માનસીને બ્રિજ પરથી ધક્કો મારી દીધો હતો. આ હત્યા છુપાવવા માટે તેણે મહેબૂબ શેખ અને રૂપેશ યાદવની મદદ લીધી હતી. અમે તેમની પણ ધરપકડ કરી છે.’