ટૂંક સમયમાં મેટ્રો-5 થાણેના બાળકુમ નાકાથી ભિવંડી સુધી દોડતી થઈ જશે
પ્રતીકાત્મક તસવીર
થાણે-ભિવંડીને સાંકળતી મેટ્રો લાઇન-5નું કામ ૮૦ ટકા પૂરું થઈ ગયું છે અને કામ પૂરું કરવા માટેની ડેડલાઇન ૩૧ માર્ચની નક્કી કરવામાં આવી છે. આથી ટૂંક સમયમાં આ મેટ્રો લાઇન-5ના પહેલા તબક્કામાં ભિવંડીથી થાણે સુધીની મેટ્રો રેલની નવી કનેક્ટિવિટી મળશે. આથી ભિવંડીથી થાણે વચ્ચે લોકો આરામદાયક પ્રવાસ કરી શકશે. આ કનેક્ટિવિટી થઈ ગયા બાદ લોકલ ટ્રેનની હાલાકીમાંથી પણ લોકોને રાહત મળશે.
ભિવંડીથી થાણે સુધીમાં ભિવંડી, ધામણકર નાકા, અંજુરફાટા, પૂર્ણા, કાલ્હેર, કશેલી અને બાળકુમ નાકા વગેરે સાત મેટ્રો સ્ટેશનનો પ્રવાસ પહેલા તબક્કામાં શરૂ કરવામાં આવશે. બીજા તબક્કામાં આ જ મેટ્રોને ભિવંડીથી કલ્યાણ APMC સુધી શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે મેટ્રો લાઇન-5નું કામ અૅફકૉન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નામની કંપનીને ૨૦૧૯ની ૧ સપ્ટેમ્બરે આપવામાં આવ્યું હતું. ૨૪.૯૦ કિલોમીટર લંબાઈની આ મેટ્રો લાઇનનું કામ ૨૦૨૨માં પૂરું થવાની અપેક્ષા હતી, પરંતુ કેટલાંક કારણસર કામ પૂરું નહોતું થઈ શક્યું.

