કલ્યાણના ૬ મિત્રો કારમાં જઈ રહ્યા હતા ત્યારે ગાડી ઝાડ સાથે અથડાઈ, ત્રણનાં મોત
દર્શન કરવા ભીમાશંકર જઈ રહેલા કલ્યાણના મિત્રોની કારનો અકસ્માત થતાં ત્રણ મિત્રોનાં મૃત્યુ થયાં હતાં
ગઈ કાલથી શ્રાવણ મહિનો બેઠો હતો અને એમાં પહેલો સોમવાર હોવાથી ૧૨ જ્યોતિર્લિંગમાંના એક એવા ભીમાશંકરનાં દર્શન કરવા કલ્યાણમાં રહેતા ૬ મિત્રો રવિવારે રાતે અર્ટિગા કાર લઈને નીકળ્યા હતા. તેમની કાર રાતે માળશેજ ઘાટ પહેલાં એક ઝાડ સાથે ટકરાતાં તેઓમાંના ત્રણ મિત્રો મૃત્યુ પામ્યા હતા અને અન્ય ત્રણ ઘવાયા હતા.
અકસ્માતની ઘટના વિશે માહિતી આપતાં ટોકાવડે પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર દિનકર ચકોરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અકસ્માતની આ ઘટના માળશેજ ઘાટના ૧૫ કિલોમીટર પહેલાં મુરબાડ તાલુકાના બોરાંડે ગામ પાસે રવિવારે રાતે ૮.૩૦ વાગ્યે બની હતી. કાર ૩૪ વર્ષનો નરેશ મધુકર મ્હાત્રે ચલાવી રહ્યો હતો. કાર સ્પીડમાં હતી અને એ સ્પૉટ પર વળાંક છે. નરેશ મ્હાત્રે એ વળાંક પર કારને કન્ટ્રોલ ન કરી શક્યો અને કાર જોશભેર ઝાડ સાથે ટકરાઈને રોડ સાઇડના ખાડામાં પડી હતી. આ ઘટનામાં નરેશ મ્હાત્રે, ૨૮ વર્ષનો પ્રતીક ચોરગે અને ૨૭ વર્ષનો શ્વીન ભોઈર મૃત્યુ પામ્યા છે; જ્યારે ૩૦ વર્ષનો વૈભવ કુમાવત, ૨૨ વર્ષનો અક્ષય ઘાડગે અને ૩૬ વર્ષનો શિવાજી ઘાડગે ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતાં અમારી ટીમ અને હાઇવે પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જોકે સ્થાનિક લોકોએ બધાને બહાર કાઢીને મુરબાડની રૉયલ હૉસ્પિટલમાં લઈ ગયા હતા. એમાં ત્રણ જણનાં મૃત્યુ થયાં છે અને ત્રણ ઘાયલોને તેમના પરિવારે અન્ય હૉસ્પિટલમાં શિફ્ટ કર્યા હતા. અમે સ્પૉટ પરથી એ કારને ટો કરીને અહીંના પોલીસ-સ્ટેશન લઈ આવ્યા છીએ. અકસ્માતનો કેસ નોંધીને વધુ તપાસ કરી રહ્યા છીએ.’

