૨૨ વર્ષના સૂરજ વાઘમારેએ ફ્લૅટમાં પંખા સાથે લટકી ચાદરથી ફાંસો ખાઈને કરી આત્મહત્યા
સૂરજ વાઘમારે
થાણેની આમ્રપાલી સોસાયટીમાં રહેતા ૨૨ વર્ષના સૂરજ સુનીલ વાઘમારેએ પ્રેમમાં બ્રેક-અપ થવાથી બુધવારે તેના ફ્લૅટમાં પંખા સાથે લટકી ચાદરથી ફાંસો લઈને અચાનક આત્મહત્યા કરતાં વાઘમારે પરિવારમાં અ ને આમ્રપાલી સોસાયટીમાં ચકચાર જાગી હતી. સૂરજ થાણેની એક પૅથોલૉજી લૅબમાં નોકરી કરતો હતો.
સૂરજના કઝિન રાહુલ વાઘમારેએ આત્મહત્યા બાબતની માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સૂરજ અમારી સાથે જ રહેતો હતો. તે બુધવારે સાંજના છ વાગ્યે કોઈ સાથે મોબાઇલ પર વાતચીત કરતો હતો. મેં તેને પૂછ્યું તો તે કોની સાથે શું વાત કરે છે? તો એનો તેણે પ્રૉપર જવાબ આપ્યો નહોતો. મને ડિસ્ટર્બ નહીં કરો એમ કહીને તેણે તેની રૂમનો દરવાજો બંધ કરી દીધો હતો. તે કોઈ ટેન્શનમાં દેખાતો હતો. રાતના દસ વાગ્યે હું કરિયાણાંની દુકાને સામાન લેવા ગયો હતો. એ સમયે મારો દીકરો અને મારા બનેવી ઘરમાં હતા. હું કરિયાણાંની દુકાનેથી આવ્યો અને બેડરૂમમાં ગયો તો ત્યાં મેં સૂરજને પંખા સાથે લટકતો જોયો હતો. હું બૂમાબૂમ કરતો રૂમમાંથી બહાર નીકળી ગયો હતો. મારી જ સોસાયટીમાં રહેતા મારા એક સંબંધી સદાશિવ ચૌધરીએ આવીને રૂમમાં જઈને જોયું કે સૂરજ ચાદરથી ગળામાં ફાંસો લઈને પંખા સાથે લટકતો હતો. તરત જ તેને અમે નીચે ઉતારીને સારવાર માટે નજીકની હૉસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ડૉકટરે સૂરજને મૃત જાહેર કર્યો હતો. અમે બહુ તપાસ કરી પણ સૂરજની આત્મહત્યાનું કારણ જાણી શક્યા નહોતો. પોલીસ સૂરજનો મોબાઇલ કબજે કરી એનો રૅકોર્ડ ચેક કરીને આત્મહત્યાનું કારણ શોધી રહી છે.’
ADVERTISEMENT
થાણેના ચિતલસર પોલીસ-સ્ટેશનના તપાસ અધિકારી પ્રવીણ સુરવડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સૂરજના મોબાઇલના રૅકોર્ડ પરથી તેનું કોઈ છોકરી સાથેના પ્રેમમાં બ્રેક-અપ થયું હોવાથી તેણે આત્મહત્યા કરી હોવાનું દેખાય છે. સૂરજ તેને સતત ફોન કરતો હતો, પરંતુ તે છોકરી સૂરજનો ફોન ઉપાડતી નહોતી. સૂરજ તેને સતત વાત કરવા મેસેજ કરતો હતો તો પણ તે છોકરી એનો જવાબ આપતી નહોતી. આથી એવું લાગે છે કે સૂરજની આત્મહત્યાનું કારણ પ્રેમમાં બ્રેક-અપ છે.’